હરિયાણા રાજકારણમાં ભૂકંપ: ચૌટાલા પરિવારના બે ભાઈ ફરી એક થયા, ભાજપને મોટો ઝટકો
Haryana Assembly Election : હરિયાણામાં ચૂંટણી પહેલાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. બે દિવસ પહેલા જ હરિયાણાના કૃષિ માર્કેટિંગ બોર્ડમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના આદિત્ય ચૌટાલા હવે ઓમ પ્રકાશ ચૌટાલાના પક્ષ ઇન્ડિયન નેશનલ લોકદળ (ઇનેલો)માં જોડાઇ ગયા છે. તેઓ ઇનેલોની ટિકિટ પરથી ચૂંટણીમાં પણ ઝંપલાવી શકે છે. આ દરમિયાન ઇનેલોના ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાએ દાવો કર્યો હતો કે, આદિત્ય બાદ ભાજપના અન્ય વિદ્રોહી નેતાઓ પણ ઇનેલો સાથે જોડાવવા આતૂર છે. આ નિવેદન બાદ હરિયાણાના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
બે ભાઇ ફરી એક થયા
નોંધનીય છે કે, આદિત્ય ચૌટાલા તેમના ભાઇ અને ઇનેલોના ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાના કહેવાથી જ ભાજપમાંથી ઇનેલોમાં જોડાયા છે. આ પહેલા બંને ભાઇઓ વચ્ચે ઘણાં આંતરિક મતભેદ હતા. 2016ની પંચાયત ચૂંટણીમાં આદિત્ય ચૌટાલાએ અભય સિંહની પત્ની અને પોતાની ભાભા કાંતા ચૌટાલાને કારમી હાર આપી હતી. જો કે, હવે બંને ભાઇઓ તમામ મતભેદો દૂર કરી ફરી એક થઇ ગયા છે અને ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર બનવા તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ 89 વર્ષની વયે ફરી ચૂંટણી લડવાની તૈયારીમાં છે આ દિગ્ગજ નેતા? કૌભાંડના કેસમાં જેલમાં હતા
2014માં ભાજપમાં જોડાયા હતા
આદિત્ય ચૌટાલા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના સૌથી નાના પુત્ર જગદીશ ચૌટાલાના પુત્ર છે. તેઓ 2014માં ભાજપ સાથે જોડાયા હતા. 2019માં ભાજપ સરકારે તેમને સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ બનાવ્યા હતા. બે દિવસ પહેલાં જ તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, તેઓ 2019ની ચૂંટણીમાં ડબવાલી બેઠકથી ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ ત્યારે તેઓ કોંગ્રેસના ઉમેદવાર અમિત સિહાગથી હારી ગયા હતા.