હરિયાણા વિધાનસભા ચૂંટણી: AAPએ એક જ દિવસમાં બીજી યાદી જાહેર કરી, કુલ 40ના નામ કર્યા જાહેર
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષ જોરશોરથી તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ 11 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના બળવાખોરોને મહત્ત્વ આપ્યું છે. આપએ સતીશ યાદવને રેવાડીથી ટિકિટ આપી છે. તેઓ આજે જ ભાજપમાંથી આપમાં જોડાયા છે. આ સિવાય ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના સાળા સુનીલ રાવને અટેલી વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ આજે જ ભાજપ છોડીને આપમાં જોડાયા છે.
અત્યાર સુધી કુલ 40 ઉમેદવાર ઉતાર્યા
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 40 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ સોમવારે (9 સપ્ટેમ્બર) પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં 20 નામ હતા. આ સિવાય આજે (10 સપ્ટેમ્બર) બીજી યાદીમાં 9 લોકોને ટિકિટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે જ ત્રીજી યાદી બહાર પાડી આમ આદમી પાર્ટીએ વધુ 11 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આમ આદમી પાર્ટીએ એક જ દિવસમાં ઉમેદવારોની બે યાદી બહાર પાડી છે.
અગાઉ બે યાદી જાહેર કરી હતી
હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનના અહેવાલો વચ્ચે ગઈ કાલે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે પછી આજે આપએ 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી હતી. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બરવાલાથી ભાજપના બળવાખોર છત્રપાલ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. થાનેસરથી ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજ અને બાવલથી કોંગ્રેસના બળવાખોર નેતા જવાહર લાલને ટિકિટ આપી છે.
કોંગ્રેસનું ગઠબંધનનું સપનુ તૂટી ગયુ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ 40 ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરતાની સાથે જ કોંગ્રેસનું ગઠબંધન કરવાનું સપનુ તૂટી ગયુ છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ રાજ્યના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી ગઠબંધનનો સંકેત આપ્યો હતો. પરંતુ પક્ષમાં બે મત હોવાથી અને આપની અમુક શરતોના કારણે ગઠબંધન થઈ શક્યું નહીં.
આ પણ વાંચોઃ હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર
કોંગ્રેસ આપને નબળી બેઠકો આપી રહી હતી
કોંગ્રેસ નેતાઓના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થવાનું સૌથી મોટું પરિબળ બેઠકોની પસંદગી હતી. કોંગ્રેસ કલાયત, પિહોવા, જિંદ, ગુહલા, અને સોહના જેવી બેઠકો છોડવા તૈયાર ન હતી. જ્યારે આપના સુત્રો મુજબ, કોંગ્રેસ તેને નબળી બેઠકો આપી રહી હતી.