ચૂંટણી પહેલા ભાજપમાં 72 નેતાઓનો 'વિદ્રોહ', પહેલી યાદી આવતા જ કોંગ્રેસમાં પણ વિખવાદ
Haryana Election: વિધાનસભા ચૂંટણીની ટિકિટ માટે 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાજપમાં બળવો અટકવાનું નામ લેતુ લેતું. આજે સતત ત્રીજા દિવસે પદાધિકારીઓના રાજીનામા અને વિરોધ જોવા મળી રહ્યો છે. શુક્રવારે પાર્ટીના 72 નેતાઓ અને સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા હતા. તો આ બાજુ ભાજપે અલગ- અલગ લેવલે નારાજ લોકોને મનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સાવિત્રી જિંદાલ પણ દિલ્હી પહોંચી ગયા છે. તે ભાજપના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે હિસાર પરત ફરે તેવી શક્યતા છે. સાવિત્રી જિંદાલના સમર્થકો હવે તેમના આગામી આદેશની રાહ જોઈ રહ્યા છે.
તો અહીં સીએમ નાયબ સિંહ સૈનીએ રોહતકમાં રાજ્ય કાર્યાલયમાં બેઠક બાદ સ્પષ્ટ કહી દીધુ કે, કોઈની પણ ટિકિટ બદલવામાં આવશે નહીં. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર આવતાં પહેલા જ દિવસે વિરોધના સુર ઉઠવા લાગ્યા છે. હિસારથી દિલ્હી પહોંચેલા કાર્યકરોએ કોંગ્રેસ મુખ્યાલયમાં હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાની ગાડીની સામે જ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પાઠવેલા પત્રમાં તેમણે કહ્યું કે, પૂર્વ ધારાસભ્યો રામનિવાસ ઘોડેલા અને નરેશ સેલવાલ સામે ભ્રષ્ટાચારના આરોપો છે. તેથી તેમને ટિકિટ ન આપવી જોઈએ. તો બહાદુરગઢમાં કોંગ્રેસ નેતા રાજેશ જૂને 11 સપ્ટેમ્બરના રોજ તેમના નામાંકનની જાહેરાત કરતા કહ્યું કે, જો પાર્ટી ટિકિટ આપે તો સારું રહેશે, નહીં તો તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડીશ.
મહેન્દ્રગઢઃ પ્રો. રામ બિલાસ શર્માને પણ ટિકિટ કપાવાનો ડર છે. ટિકિટ જાહેર થાય તે પહેલા જ તેમણે કાર્યકર્તા સંમેલન બોલાવીને પોતાની તાકાત બતાવી હતી.
રેવાડીઃ ભાજપના ઉમેદવાર લક્ષ્મણ યાદવ વિરુદ્ધ કેશવ ચૌધરીના નેતૃત્વમાં લોકોએ પ્રદર્શન કર્યું. પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ યાદવ, પ્રવાસન નિગમના પૂર્વ ચેરમેન ડો.અરવિંદ યાદવ અને પૂર્વ ધારાસભ્ય રણધીરસિંહ કપરીવાસે પણ બેઠક યોજી હતી.
ઉકલાણા: અનૂપ ધાનકને ઉમેદવાર બનાવવાના વિરોધમાં 20 સરપંચો અને બ્લોક સમિતિના સભ્યોએ ભાજપ છોડવાની જાહેરાત કરી.
તોશામઃ પૂર્વ ધારાસભ્ય શશીરંજન પરમારે તેમના નિવાસસ્થાન પર કાર્યકરો સાથે બેઠક યોજી હતી. નગરપાલિકાના અધ્યક્ષના પ્રતિનિધિ ભવાની પ્રતાપે પરમારનું સમર્થન કર્યુ હતું.
કલાયત: પૂર્વ રાજ્ય મંત્રી કમલેશ ઢાંડાને ઉમેદવાર બનાવ્યા બાદ રાજૌંદ મંડળના પૂર્વ પ્રમુખ સંજીવ દીક્ષિતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. શનિવારે મહાપંચાયતમાં નિર્ણય લેવાશે. તો અહીં ભાજપના નેતા સલીન્દ્ર પ્રતાપ રાણાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.
રાયઃ ભાજપના કાર્યકરોએ બેઠક યોજી સ્થાનિક કાર્યકરોને ટિકિટ આપવાની માંગ કરી હતી. કાર્યકર્તાઓએ પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી સાથે મુલાકાત કરી હતી.
બરવાળા: ભાજપના પૂર્વ ધારાસભ્ય વેદ નારંગ, પૂર્વ અધ્યક્ષ રણધીર ધીરુ, રાજ્ય સચિવ કેપ્ટન ભૂપેન્દ્ર કે જેઓ ટિકિટના દાવેદાર હતા, ભાજપના ઉમેદવાર રણબીર ગંગવાની બેઠકમાં હાજર રહ્યા ન હતા.
રાદૌર: પૂર્વ મંત્રી કર્ણદેવ કાંબોજે સમર્થકોની બેઠકમાં ભાજપના ઉમેદવાર શ્યામ સિંહ રાણાને દેશદ્રોહી ગણાવ્યા હતા અને તેમના પર 2014ની ચૂંટણીમાં ખોટી એફિડેવિટ આપવાનો આરોપ લગાવ્યો. તો ભાજપને પોતાની માતા ગણાવતા કાંબોજે કહ્યું કે, તેઓ પાર્ટીમાં જ રહેશે, પરંતુ જો પાર્ટી બે દિવસમાં ઉમેદવાર નહીં બદલે તો ચોક્કસ ચૂંટણી લડશે.
ગુડગાંવઃ ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જીએલ શર્માએ તેમના સમર્થકો સાથે પાર્ટી છોડી દીધી.
કરનાલ: નિવર્તમાન મેયર રેણુ બાલા ગુપ્તાએ ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 8 સપ્ટેમ્બરે બેઠક બાદ નિર્ણય લેવાની વાત કરી હતી. સ્વચ્છ ભારત મિશનના ઉપાધ્યક્ષ સુભાષ ચંદ્રાએ પણ ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ રવિવારે એક બેઠક પણ કરવાના છે.
પાનીપત: પૂર્વ શહેરી વિધાનસભા કાઉન્સિલર લોકેશ નાંગરુએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પૂર્વ સાંસદ સંજય ભાટિયા પણ તેમને સમજાવવા આવ્યા હતા, પરંતુ તેમણે કાર્યકર્તાઓ પર નિર્ણય છોડ્યો છે તેવું કહીને તેમની વાત ટાળી હતી.
સામલખાઃ પ્રદેશ કારોબારી સભ્ય સંજય છોક્કરે શુક્રવારે સવારે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. અર્બન બોર્ડના પ્રમુખ નરેશ કૌશિક સહિત 49 લોકોએ સામૂહિક રાજીનામું આપ્યું છે. કૌશિક 8 સપ્ટેમ્બરે ચૂંટણી લડવા અંગે નિર્ણય કરી શકે છે.
કાલકાઃ પૂર્વ ધારાસભ્ય લતિકા શર્મા કાર્યકરોને સંબોધિત કરતી વખતે રડી પડ્યા હતા. જો કે, તેમણે હાલમાં કોઈ નિર્ણય લીધો નથી.
બહાદુરગઢઃ પૂર્વ ધારાસભ્ય નરેશ કૌશિક ટિકિટ ન મળતા સમર્થકોની બેઠકમાં રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે જો પાર્ટી 9 સપ્ટેમ્બર સુધી પોતાનો નિર્ણય નહીં બદલે તો 10 સપ્ટેમ્બરે તેઓ મોટો નિર્ણય લઈ શકે છે.
કમળનું ફૂલ એક જ છે, સાથે મળીને કામ કરોઃ સીએમ સૈની
મુખ્યમંત્રી નાયબ સૈની બપોરે લગભગ 3 કલાકે રાજ્ય કાર્યાલય પર પહોંચ્યા હતા. અહીં પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન, પ્રદેશ પ્રભારી ડૉ.સતીશ પુનિયા, પ્રદેશ પ્રમુખ મોહન લાલ બડોલી, પ્રદેશ સંગઠન મહાસચિવ ફણીન્દ્ર નાથ શર્મા, પ્રદેશ મહાસચિવ સુરેન્દ્ર પુનિયા, ડૉ.અર્ચના ગુપ્તા અને ક્રિષ્ના બેદી સાથે સાંજના 6 વાગ્યા સુધી બેઠક ચાલી હતી.