Get The App

ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું, પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ?: રાહુલ ગાંધી

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું, પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ?: રાહુલ ગાંધી 1 - image


Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, ત્યારે તમામ પાર્ટીના નેતાઓ દમદાર ચૂંટણી પ્રચાર કરવામાં જોતરાઈ ગયા છે. આ ક્રમમાં આજે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં રાજ્યમાં વિજય સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સોનીપતમાં જનસભા સંબોધી વડાપ્રધાન મોદી, ભાજપ, આરએસએસ, અદાણી અને અંબાણીનો ઉલ્લેખ કરી અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતા શેર છે, આરએસએસમાં દમ નથી. આ લોકો મને જોઈને છુપાઈ જાય છે. હું ભાજપ અને મોદીથી નફરત કરતો નથી.’ આ દરમિયાન રાહુલે બંધારણની ડાયરી પણ બતાવી હતી અને ગુજરાતમાં અદાણી પોર્ટ પર ઝડપાયેલું ડ્રગ્સ અને અંબાણી લગ્નનો ઉલ્લેખ પણ કર્યો હતો.

રાહુલે મોદી, આરએસએસ પર કર્યા આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ જનસભા સંબોધતી વખતે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે પણ હું લોકસભામાં ભાષણ આપું છું, ત્યારે વડાપ્રધાન મોદી ત્યાંથી જતા રહે છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ નેતા શેર છે, પરંતુ આરએસએસના લોકોમાં દમ નથી. તેઓ મને જોઈને છુપાઈ જાય છે.

રાહુલ ગાંધીએ અદાણી પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ જાહેરસભામાં અદાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વડાપ્રધાનને પૂછ્યું કે, ’ગુજરાતમાં અદાણીના પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું હતું, પરંતુ શું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ? તમે આ બાબત હરિયાણાની જનતાને જણાવો.’

બંધારણ પર ભાજપનો હુમલો : રાહુલ ગાંધી

તેમણે કહ્યું કે, ‘ભાજપ બંધારણ પર હુમલો કરી રહી છે. વડાપ્રધાન મોદી અદાણીને મદદ કરવા માટે ત્રણ કાળા કાયદા લાવી, ખેડૂતોની જિંદગી ખતમ કરવા માટે કાયદો લાવી, તેઓ આ કાયદાઓ લાવીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. અમે બંધારણની સુરક્ષા કરી રહ્યા છીએ. તમારા નાણાંથી અંબાણીના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો એક ખેડૂતે લગ્નનું આયોજન કરવું હોય તો તેણે દેવામાં ડૂબીને જ આયોજન કરવું પડે છે. આમ આ બંધારણ પર હુમલો નથી તો શું છે?’

રાહુલ ગાંધીએ સોનીપતમાં સંબોધી જાહેરસભા

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે બે દિવસથી રાજ્યની મુલાકાતે છે. રાહુલની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ યાત્રા 30 સપ્ટેમ્બરથી નારાયણગઢથી શરૂ થઈ હતી અને કુરુક્ષેત્રના થાનેસર પહોંચીને પૂર્ણ થઈ હતી. જ્યારે આજે બહાદુરગઢથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આજે બીજા દિવસે યાત્રા અનેક સ્થળેથી પસાર થઈ સોનીપત પહોંચી હતી, જ્યાં રાહુલ ગાંધીએ જાહેસભા સંબોધી હતી. આ સાથે જ યાત્રાનું સોનીપતના ગોહાનામાં સમાપન થયું હતું.

આ પણ વાંચો : 'LAC પર ભારત-ચીન વચ્ચે સંવેદનશીલ સ્થિતિ, હવે અમે કોઈપણ...', સેના પ્રમુખનું મોટું નિવેદન


Google NewsGoogle News