હરિયાણામાં ભાજપે આ રીતે પલટી બાજી, ગ્રામીણ vs શહેરી મતોના કારણે થયો ખેલ
Haryana Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપ જંગી બહુમત સાથે આગળ ચાલી રહ્યું છે, જે હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા તૈયાર છે. જો કે, સવારે કોંગ્રેસ બહુમત સાથે આ રેસમાં આગળ હતી. 1.15 વાગ્યા સુધીમાં ભાજપ 51 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર બહુમત ધરાવે છે. હરિયાણામાં આશરે 66.02 ટકા મતદાન થયું હતું.
કોંગ્રેસે ફરિયાદ કરી
હરિયાણા ચૂંટણીના મતદાનની ગણતરી સવારે આઠ વાગ્યે શરુ થઈ ત્યારે કોંગ્રેસ તરફી વલણ જોવા મળ્યું હતું. જો કે, બાદમાં નવ વાગ્યાથી ભાજપ આ રેસમાં સતત આગેકૂચ કરી રહ્યું છે. જેથી કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે કે, લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં પણ ચૂંટણી પંચ ધીમી ગતિએ ડેટા અપડેટ કરી રહ્યું છે. શું ભાજપ જૂના ડેટા અને ભ્રામક વલણો દ્વારા વહીવટીતંત્ર પર દબાણ લાવવા માંગે છે?
આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ વિનેશ ફોગાટની જીત, 6000 મતોની સરસાઈથી ભાજપને પછાડી
ભાજપે કેવી રીતે બાજી મારી?
ભાજપની જીતનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે, ગ્રામીણ અને શહેરી મતદારો ભાજપના સમર્થનમાં હતા. અત્યારસુધી જેટલા પણ પરિણામ આવ્યા છે, તેમાં હરિયાણાની 30 શહેરી બેઠકોમાંથી 21 પર ભાજપ આગળ છે, જે દર્શાવે છે કે, શહેરી વિસ્તારના 70 ટકા મતદારો ભાજપના સમર્થનમાં છે. જ્યારે કોંગ્રેસ માત્ર સાત બેઠકો લેવામાં જ સફળ થઈ શકે છે. ગ્રામીણ બેઠકોની વાત કરીએ તો, ભાજપ હાલ 28 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે તે અગાઉ ભાજપ પાસે માત્ર 19 ગ્રામીણ બેઠકો હતી.