હરિયાણા ચૂંટણી: ગઠબંધનમાં કોંગ્રેસ 7 બેઠકો આપવા તૈયાર, AAPને 10 જોઈએ, શું વિનેશ-બજરંગ હશે ઉમેદવાર?
Haryana Assembly Election 2024 : હરિયાણાની 90 વિધાનસબા બેઠકો માટે પાંચમી ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે. તમામ પક્ષો રણનીતિ બનાવવામાં અને ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં લાગી ગઈ છે, જોકે હાલ તમામની નજર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ગઠબંધન પર છે. ગઠબંધન માટે બંને પાર્ટીએ સતત બેઠકો કરી રહી છે. બંને વચ્ચે ઘણા રાઉન્ડની બેઠકો યોજાઈ ગઈ છે, જોકે હજુ સુધી બેઠક વહેંચણી મુદ્દે કમઠાણ ચાલી રહી છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની ચર્ચાઓ ચાલી રહી છે.
કોંગ્રેસ સાત બેઠકો આપવા તૈયાર, આપે રાખી 10ની ડિમાન્ડ
સૂત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી હરિયાણામાં 10 બેઠકોની માંગ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સાત બેઠકો આપવા તૈયાર છે. AAPના સૂત્રોના જણાવ્યા મુજબ હરિયાણાની નવ લોકસભા બેઠકોમાંથી આપે એક બેઠક પર ચૂંટણી લડી હતી, તેથી આ આધાર મુજબ આપ 10 વિધાનસભા બેઠકોની માંગ કરી રહી છે. દરમિયાન એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે, ગઠબંધન અંગે છેલ્લો નિર્ણય અરવિંદ કેજરીવાલ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ અને આપના નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચે આવતીકાલે બુધવારે ત્રીજા તબક્કાની બેઠક થવાની સંભાવના છે.
CECની બેઠકમાં શું ચર્ચા થઈ
હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસ ચૂંટણી સમિતિને બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં 49 સીટો અંગે ચર્ચા થઈ, જેમાંથી લગભગ 30થી 35 બેઠકો પરના ઉમેદવારોના નામ અંગે ફાઈનલ વાતચીત થઈ ગઈ છે. હરિયાણા કોંગ્રેસ પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું કે, આવતીકાલે પણ સીઈસીની બેઠક યોજાશે. અમે પરમ દિવસ સુધીમાં તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દઈશું. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતચીત હાલ શરૂઆતના તબક્કામાં છે. વાતચીત ચાલી રહી છે.
વિનેશ-બજરંગ અંગે કોંગ્રેસે શું કહ્યું?
દીપક બાબરિયાએ કહ્યું કે, આજે કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 41 બેઠકો અંગે ચર્ચા થઈ હતી. જ્યારે ગઈકાલે અમે 49 બેઠકો અંગે ચર્ચા કરી હતી. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને ટિકિટ આપવા અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે એક-બે દિવસમાં સ્પષ્ટ જવાબ આપશે. આજે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી.