ટિકિટ વહેંચણી મુદ્દે આ રાજ્યમાં RSS-ભાજપ વચ્ચે માથાકૂટ, 36 સીટો પર કોયડો ગુંચવાયો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ટિકિટ વહેંચણી મુદ્દે આ રાજ્યમાં RSS-ભાજપ વચ્ચે માથાકૂટ, 36 સીટો પર કોયડો ગુંચવાયો 1 - image


Haryana Assembly Election 2024, RSS VS BJP: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે. રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થશે અને મતગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે. આ વચ્ચે કોંગ્રેસ અને ભાજપે રાજ્યમાં પ્રચાર અને ચૂંટણી વ્યૂહનીતિ બનાવવા અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને જ પાર્ટીઓમાં ટિકિટ વહેંચણી અંગે પણ મંથન ચાલી રહ્યું છે. 

ટિકિટ વહેંચણી મુદ્દે RSS-ભાજપ વચ્ચે માથાકૂટ

આ વચ્ચે હવે રાજ્યમાં RSS-ભાજપ વચ્ચે માથાકૂટ ચાલી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપ અને RSS ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંઘ ઈચ્છે છે કે, ગ્રાઉન્ડ સર્વેના આધારે 40% નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. RSSએ રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો અંગે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં ઘણા વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો સામે જનતામાં ભારે અસંતોષ છે. આવી સ્થિતિમાં સંઘ ઈચ્છે છે કે, 40% નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. સૂત્રોનું માનીએ તો સંઘ 36 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવા માંગે છે, પરંતુ ભાજપ તેમને રિપીટ કરવા માંગે છે. આમ હરિયાણામાં 36 બેઠકો પર કોયડો ગુંચવાયો છે. 

ભાજપ નેતૃત્વએ સંઘનો રિપોર્ટ નકારી કાઢ્યો

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપે સંઘનો રિપોર્ટ નકારી કાઢ્યો છે. ભાજપ નેતૃત્વ ઈચ્છે છે કે, જૂના નેતાઓ પર જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે. ભાજપે દરેક બેઠક માટે દાવેદારોની લિસ્ટ તૈયાર કરી છે. ગુરુગ્રામમાં રાજ્ય ચૂંટણી સમિતિની બેઠકમાં આ લિસ્ટ પર ચર્ચા કરવામાં આવશે. ગુરુગ્રામમાં આવતીકાલે યોજાનારી બેઠકમાં એક બેઠક માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે અને આખી લિસ્ટ કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે. આવી સ્થિતિમાં પાર્ટી 23 ઓગસ્ટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજીને પ્રથમ યાદી પર મહોર લગાવે તેવી શક્યતા છે.

અમિત શાહ ફાઈનલ કરશે નામ

ભાજપ હાઈકમાન્ડ આ વખતે ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માગે છે પરંતુ દિગ્ગજ નેતાઓ પોતાના પરિવારના લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવા માગે છે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હરિયાણામાં ટિકિટોને ફાઈનલ ટચ આપવામાં અમિત શાહ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમને હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવી જવાબદારી સોંપવામાં આવી છે. 


Google NewsGoogle News