'મારે CM બનવું છે..' ચૂંટણી પહેલાં ભાજપમાં બબાલના એંધાણ! પૂર્વ ગૃહમંત્રીએ કર્યો મોટો દાવો
Haryana Assembly Elections 2024: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે રવિવારે (15મી સપ્ટેમ્બર) મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, 'જો ભાજપ ચૂંટણી જીતશે તો હું મુખ્યમંત્રી બનીશ. કારણ કે, હું પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છું.'
હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ બિજે કહ્યું કે, 'હું જ્યાં પણ ગયો છું ત્યાં બધા મને કહે છે કે તમે સિનિયર મોસ્ટ છો તો તમે સીએમ કેમ ન બન્યા? આવી સ્થિતિમાં લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી બનવાનો દાવો કરીશ. જો સરકાર બનશે અને પાર્ટી મને સીએમ પદ આપશે તો હું હરિયાણાનું ભાગ્ય અને ચિત્ર બંને બદલી નાખીશ.'
અનિલ વિજ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે
અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજનું નિવેદન એટલા માટે પણ મહત્ત્વનું બની જાય છે કારણ કે તેઓ વરિષ્ઠ નેતા છે અને છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, 'હું સૌથી સિનિયર ધારાસભ્ય છું અને મેં ક્યારેય પાર્ટી પાસેથી કંઈ માંગ્યું નથી.'
આ પણ વાંચો: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી છૂટતા હરિયાણામાં કોંગ્રેસને નુકસાન, ભાજપને ફાયદો!
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં વિધાનસભાની 90 બેઠક માટે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે અને આઠમી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી અને કોંગ્રેસે 30 બેઠકો જીતી હતી.