પ્રદૂષણ સામે હરિયાણા સરકારની મોટી કાર્યવાહી: પરાળી સળગાવવા મામલે 24 અધિકારી સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 18 ખેડૂતોની ધરપકડ
Image Source: Twitter
Stubble Burning Cases: દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં પરાળી સળગાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હરિયાણાના કૃષિ વિભાગે આ મામલે બેદરકારી બદલ અલગ-અલગ જિલ્લામાં તહેનાત 24 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી ડાયરેક્ટર પાસેથી મળેલી ભલામણોના આધારે સરકારે આ કાર્યવાહી કરી છે.
18 ખેડૂતોની ધરપકડ
આ ઉપરાંત હરિયાણા સરકારે છેલ્લા થોડા દિવસોમાં કૈથલ જિલ્લામાં ખેતરમાં પરાળી સળગાવવાના આરોપમાં 18 ખેડૂતોની ધરપકડ કરી છે. દિલ્હીમાં ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન પ્રદૂષણનું સ્તર વધવા માટે હરિયાણા અને પાડોસી પંજાબમાં પરાળી સળગાવવાને જવાબદાર ઠેરવવામાં આવે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં 18 ખેડૂતોની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા કારણ કે આ જામીનપાત્ર ગુનો છે.'
આ પણ વાંચો: મમતા, યોગી કે તેજસ્વી... કોનો કેટલો દબદબો? પેટા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની અગ્નિ પરીક્ષા
ખેતરોમાંથી નીકળતો આ ધુમાડો દિલ્હી-એનસીઆર સુધી પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય પરિબળ
હરિયાણાના કૈથલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક બીરભાને જણાવ્યું કે વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ પરાળી સળગાવવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. પાનીપત, યમુનાનગર અને અંબાલા સહિત કેટલાક અન્ય જિલ્લાઓમાં પણ પરાળી સળગાવવા બદલ તાજેતરમાં જ FIR નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડાંગરના કાપણી બાદ ખેડૂતો મોટા પાયે ખેતરોમાં પરાળી સળગાવી દે છે, જેથી ખેતરોને આગામી પાક માટે તૈયાર કરી શકાય. પરંતુ તેના કારણે મોટા પાયે વાયુ પ્રદૂષણ થાય છે. પંજાબ-હરિયાણાના ખેતરોમાંથી નીકળતો આ ધુમાડો દિલ્હી-એનસીઆર સુધી પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય પરિબળ છે.
સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર
હરિયાણાના મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે રવિવારે ડેપ્યુટી કમિશનરોને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો કે, પરાળી સળગાવવાની ઘટનાઓને અસરકારક રીતે કાબૂમાં લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે બુધવારે હરિયાણા અને પંજાબની સરકારોને પરાળીને સળગાવવાના કેસમાં ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી ન કરવા બદલ ફટકાર લગાવી હતી.