Get The App

ડો. હરગોવિંદ ખુરાનાએ વિશ્વનો પહેલો કૃત્રિમ જિન બનાવ્યો હતો

Updated: Jan 9th, 2022


Google NewsGoogle News
ડો. હરગોવિંદ ખુરાનાએ વિશ્વનો પહેલો કૃત્રિમ જિન બનાવ્યો હતો 1 - image


100મી જન્મજયંતીએ વૈજ્ઞાાનિકોએ યાદ કર્યા

ડો. હરગોવિંદને જેનેટિક કોડ અને પ્રોટીન ક્ષેત્રે કામગીરી બદલ નોબેલ મળ્યો હતો 

નવી દિલ્હી : નવમી જાન્યુઆરીએ દેશના વૈજ્ઞાાનિકોએ જાણિતા વૈજ્ઞાાનિક અને નોબેલ વિજેતા ડો. હરગોવિંદ ખુરાનાને 100મી જન્મજયંતીએ યાદ કર્યા હતા. 9 જાન્યુઆરી, 1922માં જન્મેલા ડો. હરગોવિંદનું જીવન સંઘર્ષમય રહ્યું. એક સામાન્ય ગામમાં જન્મ્યા અને વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કર્યો ને નોબેલ વિજેતા બનવા સુધીનો સંઘર્ષ કર્યો હતો. તેમણે વિશ્વનો પહેલો કૃત્રિમ જિન બનાવ્યો હતો.

ડો. હરગોવિંદનો જન્મ રાયપુર નામના એક ગામમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે. 1943માં તેઓએ લાહોરની પંજાબ યુનિ.માંથી ગ્રેજ્યુએશન પુરૂ કર્યું, બાદમાં અહીંથી જ પીજી પણ પૂર્ણ કર્યું. 1948માં તેઓએ પીએચડીની ડીગ્રી લીધી, જે બાદ તેમને ભારત સરકારે સ્કોલરશીપ આપી અને બ્રિટન વધુ અભ્યાસ માટે તેઓ ગયા. બ્રિટનની લિવરપૂલ યુનિ.માં વધુ અભ્યાસ કર્યો. 

1952માં તેઓ કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ગયા. અહીં જ તેઓએ બાયોલોજીમાં કામ શરૂ કર્યું. જેના થકી તેમને બાદમાં આ ક્ષેત્રમાં નોબેલ પુસ્કાર મળ્યો હતો. અહીં તેઓ 1959 સુધી રહ્યા. બાદમાં 19૬0માં તેઓ અમેરિકા પહોંચ્યા જ્યાં તેઓ વિસ્કોન્સિસ યુનિ. સાથે જોડાયા, તેમને અમેરિકાની નાગરિક્તા પણ મળી હતી. જેના બે વર્ષ બાદ તેઓને મેડિસિન ક્ષેત્રનો નોબેલ મળ્યો હતો.

આ નોબેલ તેમને જેનેટિક કોડ અને પ્રોટીન સંશ્લેષણમાં તેમની ભૂમિકાની વ્યાખ્યા માટે મળ્યો હતો. તેમની અન્ય એક સિદ્ધી એ પણ છે કે તેઓએ પ્રથમ કૃત્રિમ જીનનું નિર્માણ કર્યું હતું. જે સિદ્ધી તેમણે 1972માં મેળવી હતી. તેઓને અમેરિકાએ નેશનલ એકેડમી ઓફ સાઇંસના સભ્ય બનાવ્યા હતા. જે સૃથાન અમેરિકાના માત્ર કેટલાક વૈજ્ઞાાનિકોને જ મળ્યું છે. નવેમ્બર 2011માં તેઓએ અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતા.


Google NewsGoogle News