રામલલ્લાનાં દર્શન માટે હનુમાનજી પધાર્યા ? 'ગર્ભગૃહ'માં અચાનક વાનર જોઈ આશ્ચર્ય

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
રામલલ્લાનાં દર્શન માટે હનુમાનજી પધાર્યા ? 'ગર્ભગૃહ'માં અચાનક વાનર જોઈ આશ્ચર્ય 1 - image


- 'બાબરી' ધ્વંસ પૂર્વે વાનરે તે પર કેસરી ધ્વજ પકડી રાખ્યો

- એક વાનર દક્ષિણ દ્વારમાંથી ગૂઢ મંડપમાં થઈ ગર્ભગૃહમાં પ્રવેશી રામની મૂર્તિ પાસે પહોંચી ગયો

અયોધ્યા : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશ્યલ મીડીયા પર આશ્ચર્યજનક તસ્વીરો પ્રસારિત કરી છે, જેમાં એક વાનર દક્ષિણ દ્વાર દ્વારા ગૂઢ મંડપમાં થઈ ગર્ભગૃહમાં પ્રવેશી જતો દેખાય છે. પછી તે ભગવાન શ્રીરામની મૂર્તિ સમક્ષ ઘડીભર બેસી રહ્યો હતો. આથી ત્યાં પહોંચેલા દર્શનાર્થીઓ પૈકી ઘણા તો એમ માનવા લાગ્યા કે સ્વયં હનુમાનજી પોતે ભગવાન શ્રીરામનાં દર્શને સામાન્ય વાનરનું રૂપ લઈ ત્યાં પહોંચી ગયા હશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશ્યલ મીડીયા પર ગઈકાલે આ માહિતી પ્રસિદ્ધ કરી છે. તેમાં લખ્યું છે, 'આજે સાંજે આશરે ૫.૫૦ વાગે એક વાનર મંદિરનાં દક્ષિણ દ્વારમાંથી મંદિરનાં ગૂઢ-મંડપ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી ગર્ભગૃહમાં પ્રવેશી ગયો, અને ઉત્સવ મૂર્તિ સુધી પહોંચી ગયો હતો.'

આ જોઈ સલામતી અધિકારીઓને લાગ્યું કે ક્યાંક તે વાનર મૂર્તિ ન પછાડી દે. તેઓ જેવા ગર્ભગૃહ તરફ ગયા કે તુર્ત જ વાનર ગર્ભગૃહમાંથી બહાર નીકળી ઉત્તર દ્વાર તરફ ગયો. પરંતુ તે દ્વાર બંધ હોવાથી પૂર્વ તરફ ગયો અને દર્શનાર્થીઓ વચ્ચેથી કોઈને પણ કશી ઈજા કર્યા વિના પૂર્વ દ્વારથી નાસી ગયો.

સલામતી અધિકારીઓનું કહેવું હતું કે, અમોને તો તેમજ લાગ્યું કે જાણે સ્વયં હનુમાનજી જ ભગવાનનાં દર્શન કરવા પહોંચી ગયા હશે.

આજે આશરે પાંચેક લાખ લોકોએ ભગવાન શ્રીરામનાં દર્શન કર્યા હતા.

આ તબક્કે ઉલ્લેખનીય છે કે બાબરી ધ્વંસ થયો તે પૂર્વે તે મસ્જિદ ઉપર કેસરી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેઓ તે ધ્વજ ફરકાવવા ગયા હતા તેઓની ઉપર ત્યારની મુલાયમ સરકારની એસ.આર.પી.એ ગોળીબારો કર્યા હતા તેમ છતાં ધ્વજ તો ફરકાવવામાં આવ્યો પછી સૌ ઘુમ્મટ ઉપરથી નીચે કૂદી પડયા ત્યાં એક વાનર અચાનક આવી પહોંચ્યો. તેણે ધ્વજ પકડી રાખ્યો ત્યારે એક અધિકારીએ 'ફાયર'નો હુકમ આપ્યો. પરંતુ એસ.આર.પી.ના માણસોએ કહ્યું અમે વાનર ઉપર ગોળી છોડીશું નહીં. તે સમયે મુલાયમ સરકારના પણ હાથ હેઠા પડી ગયા હતા.


Google NewsGoogle News