હનુમાન જયંતી રેલી હિંસાઃ દિલ્હી પહોંચી CRPFની 5 ટુકડીઓ, 14ની ધરપકડ
- પોલીસે ફાયરિંગ કરનારા શખ્સને ઝડપી લીધો અને તેના પાસે રહેલી પિસ્તોલ જપ્ત કરી
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022, રવિવાર
ઉત્તર પશ્ચિમી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતીના પ્રસંગે યોજવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા બાદ હિંસા ભડકી ઉઠી હતી. દિલ્હી પોલીસે આ મામલે 15 શકમંદોને કસ્ટડીમાં પુર્યા છે.
14 આરોપીની ધરપકડ
DCP નોર્થ-વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે, જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. એક સબ ઈન્સ્પેક્ટરને ગોળી વાગી છે જેમની સ્થિતિ હાલ સ્થિર છે. પોલીસે ફાયરિંગ કરનારા શખ્સને પણ ઝડપી લીધો છે અને તેના પાસે રહેલી પિસ્તોલ જપ્ત કરી છે.
આવી રીતે વકર્યો વિવાદ
જહાંગીરપુરી ખાતે તૈનાત ઈન્સ્પેક્ટર રાજીવ રંજને FIRમાં જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા ચાલી રહી હતી. તેઓ સૌ સી-બ્લોક મસ્જિદ પાસે પહોંચ્યા તો એક વ્યક્તિ પોતાના 4-5 માણસો સાથે મળીને શોભાયાત્રામાં સામેલ લોકો સાથે વિવાદ કરવા લાગ્યો અને બાદમાં પથ્થરમારો શરૂ થઈ ગયો.
જહાંગીરપુરીમાં દિલ્હી પોલીસની સાથે રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત શાંતિ જાળવી રાખવા માટે DCP નોર્થ-વેસ્ટ દ્વારા જહાંગીરપુરીના કુશાલ ચોક ખાતે થાણા જહાંગીરપુરી, થાણા મહેન્દ્ર પાર્ક અને થાણા આદર્શ નગરની અમન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી.
હનુમાન જયંતી રેલી હિંસાઃ દિલ્હીમાં 6 પોલીસકર્મી સહિત 7 ઘાયલ, 9ની ધરપકડ
CRPFની વધુ 5 કંપનીઓ તૈનાત
ગૃહ મંત્રાલયના અહેવાલ પ્રમાણે જહાંગીરપુરી હિંસા મામલે CRPFની વધુ 5 કંપનીઓ મોકલી આપવામાં આવી છે. 500 જવાનો દિલ્હીના વિભિન્ન વિસ્તારોમાં તૈનાત રહેશે. CRPF આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા માટે દિલ્હી પોલીસને સહયોગ આપશે. RAFની 2 કંપનીઓને ગઈકાલથી જ લો એન્ડ ઓર્ડરમાં તૈનાત કરી દેવામાં આવી છે.