જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ
Parliament News : ‘રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી’ના રાષ્ટ્રીય સંયોજક અને રાજસ્થાનની નાગૌર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ હનુમાન બેનીવાલે દેશના હાઈવે પરના ટોલનાકા દ્વારા મચાવાતી લૂંટનો પર્દાફાશ કર્યો છે. લોકસભામાં સવાલ ઉઠાવતા બેનીવાલે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે, ‘જ્યારે વાહન ખરીદતી વખતે જ રોડ ટેક્સ લઈ લેવામાં આવે છે, તો પછી ટોલના નામે વધારાના રૂપિયા શા માટે વસૂલાય છે? જયપુર-દિલ્હી હાઈવેની હાલત ખરાબ છે, પરંતુ સરકારે રૂ. 12 હજાર કરોડ જેટલો ટોલ વસૂલી લીધો છે. જો રસ્તા ખરાબ હોય તો સામાન્ય લોકો કેમ ટોલ ભરે?’
ખરાબ રસ્તા હોવા છતાં ટોલની અવિરત વસૂલાત
બેનીવાલે જયપુર-દિલ્હી વચ્ચેના નેશનલ હાઈવે નંબર 48 પર કરાયેલા ખર્ચ અને એ હાઈવે પર વસૂલાતા ટોલની માહિતી માંગી હતી. બેનીવાલે કહ્યું હતું કે, ‘ટોલ વસૂલતા હોવા છતાં નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. ખરાબ રસ્તાના કારણે રોજ અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે રસ્તા ખરાબ છે તો પછી સામાન્ય લોકોએ કેમ ટોલ ભરવો જોઈએ? પરંતુ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીની પણ સરકાર પર કોઈ અસર થઈ નથી. સરકારે ટોલટેક્સ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.’
આ રજૂઆતો કરીને બેનીવાલે દેશમાં વસૂલાતા ટોલ અંગે માહિતી માંગી હતી.
ગડકરીએ લોકસભામાં આપેલો જવાબ
બેનીવાલની માંગના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જે આંકડા આપ્યા એ આશ્ચર્યજનક છે.
- ગુડગાંવથી જયપુર સુધીનો હાઈવે બનાવવાનો ખર્ચ 6430 કરોડ રૂપિયા થયો છે અને એના પરના ટોલ બૂથ દ્વારા અત્યાર સુધીમાં 9218.30 કરોડ રૂપિયા વસૂલ કરી લેવામાં આવ્યા છે.
- દિલ્હીથી ગુડગાંવ સુધીના હાઈવેનો ખર્ચ 2489.45 કરોડ રૂપિયા છે, અને એના પરની ટોલ વસૂલાત 2727.50 કરોડ રૂપિયા છે.
- એટલે કે ઉપરોક્ત બે હાઈવે બનાવવાનો કુલ ખર્ચ 8919.45 કરોડ રૂપિયા હતો અને એના પરની ટોલ વસૂલાત 11,945.80 કરોડ રૂપિયા થઈ છે. કુલ ખર્ચ કરતાં લગભગ 3000 કરોડ રૂપિયા વધુ વસૂલાત થઈ ગઈ હોવા છતાં હજુ પણ ટોલ બેરોકટોક વસૂલવામાં આવી રહ્યો છે.
દેશમાં સૌથી વધુ ટોલ વસૂલી ઉત્તર પ્રદેશમાં
આ તો ફક્ત બે હાઈવેના આંકડા છે. દેશમાં સેંકડો હાઈવે છે જેના પર ટોલના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. દેશમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં વસૂલવામાં આવે છે. આ બાબતે રાજસ્થાન બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે.
વર્ષ 2023-24 માં આ ત્રણ રાજ્યો ટોલ વસૂલાતમાં અગ્રેસર
- ઉત્તર પ્રદેશ - રૂ. 6695.40 કરોડ
- રાજસ્થાન - રૂ. 5889.03 કરોડ
- મહારાષ્ટ્ર - રૂ. 5352.52 કરોડ