HAL દ્વારા સંપૂર્ણ સ્વનિર્મિત યુદ્ધ વિમાન LAC માર્ક-1 આ મહિનાના અંતે એર ફોર્સને મળી જશે
- સંરક્ષણ મંત્રાલયે આ માટે 2021ના ફેબ્રુઆરીમાં HAL સાથે રૂ. 48 હજાર કરોડનો સોદો કર્યો હતો
નવી દિલ્હી : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પહેલું સ્વદેશી યુદ્ધ વિમાન એલ.એ.સી. તેજસ માર્ક-૧ આ માસના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને મળવાનું છે. તે વિમાનો ૩૧ માર્ચ સુધીમાં વાયુસેનાને મળી જાય તે માટે હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.) પૂરી મહેનત કરી રહ્યું છે. આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલ.એ.સી.) તેજસ-માર્ક-૧ તેનાં તમામ ઇન્ટીગ્રેશન (સંયોજનો) સાથે વાયુ સેનાને મળવાનાં છે.
વાસ્તવમાં સંરક્ષણ મંત્રાલયે એચ.એ.એલ સાથે ફેબ્રુઆરી ૨૦૨૧માં આ માટે રૂ. ૪૮ હજાર કરોડનો સોદો કર્યો હતો. તે પ્રમાણે એચ.એ.એલ. ૮૩ તેજસ માર્ક-૧ યુદ્ધ વિમાનો સંરક્ષણ મંત્રાલયને તા. ૩૧મી માર્ચ સુધીમાં આપવાનાં હતાં. એચ.એ.એલે તે સમય મર્યાદા બરોબર ધ્યાન રાખી છે.
તમોને આ નાનકડાં પરંતુ અતિસક્ષમ વિમાનની ગતિમર્યાદા જાણીને આશ્ચર્ય થશે. તેની ગતિ કલાકના ૨,૨૦૦ કીમીની છે. અને કોમ્બેટ રેન્જ ૭૩૯ કી.મી.ની છે. તેની એક સૌથી મોટી ટુકડી રાજસ્થાનમાં બિકાનેર પાસેનાં પાકિસ્તાન સરહદ પાસેનાં નાબ એરબેઝ ઉપર સૌથી પહેલાં મુકવામાં આવશે.
નિરીક્ષકો કહે છે કે આ ૮૩ તેજસ માર્ક-૧ ભારતીય વાયુદળમાં જોડાતાં વાયુદળની પ્રહાર શક્તિ ઘણી વધી જશે. આ યુદ્ધ વિમાન રણપ્રદેશમાં જેટલાં ઉપયોગી છે તેટલાં જ હિમાલયન બોર્ડર ઉપર પણ ઉપયોગી છે. તે ૧૪ હજાર ફીટની ઉંચાઈ સુધી જઇ શકે છે તેથી લડાખ તેમજ અરૂણાચલ પ્રદેશમાં ચીની આક્રમણ સામે પ્રચંડ પડકારરૂપ બની શકે તેમ છે.