હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ, સંપત્તિ પણ થશે જપ્ત!
અબ્દુલ મલિક હલ્દવાનીના સપા નેતાની હત્યાના કેસમાં સજા ભોગવી ચૂક્યો છે
Haldwani violence: ઉત્તરાખંડ હલ્દવાની હિંસાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરાખંડની પોલીસ ઘણાં સમયથી અબ્દુલ મલિકને શોધી રહી હતી. અબ્દુલ મલિક પર લોકોને ઉશ્કેરવા અને જમીન પર ખોટી રીતે કબજો કરવાનો આરોપ છે.
હલ્દવાની હિંસા બાદ અબ્દુલ મલિક ફરાર હતો
અઠમી ફેબ્રુઆરીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ભડકેલી હિંસા બાદથી અબ્દુલ મલિક ફરાર હતો. ઉત્તરાખંડ પોલીસે હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અબ્દુલ મલિકની શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઉત્તરાખંડ પોલીસને અબ્દુલ મલિક દિલ્હીમાં ક્યાંક છુપાયો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દિલ્હીમાં દરોડો પાડી તેનીની ધરપકડ કરી હતી.
અબ્દુલ મલિકની સંપત્તિ જપ્ત થશે
હિંસામાં હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને લગભગ રૂપિયા 2.65 કરોડનું નુકસાન થયું છે, જેની ભરપાઈ કરવા માટે હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટીસ જાહેર કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા હાલ અબ્દુલ મલિકની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
અબ્દુલ મલિક કોણ છે?
હલ્દવાની હિંસાનો આરોપી અબ્દુલ મલિક મુસ્લિમ સમુદાયના બંજારા પરિવારમાંથી આવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ હલ્દવાનીમાં થયું હતું. તેણે નૈનીતાલથી બીએ પૂર્ણ કર્યું છે. રાજકીય પહોંચ ધરાવતા અબ્દુલ મલિકનો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. તે ઉત્તર પ્રદેશથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેણે રેલવે કોન્ટ્રાક્ટમાં પણ હાથ અજમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ મલિકના હરિયાણા અને ચંડીગઢમાં પણ બિઝનેસ ચાલે છે. અબ્દુલ મલિક 25 વર્ષ પહેલા હલ્દવાનીના સપા નેતાની હત્યાના કેસમાં સજા ભોગવી ચૂક્યો છે, તેની વિરૂદ્ધ ઘણાં કેસ નોંધાયેલા છે.
જાણો શું છે સમગ્ર મામલો
આઠમી ફેબ્રુઆરીએ મદરેસામાં તોડફોડ બાદ બાનભૂલપુરામાં હિંસા ભડકી હતી. તે દિવસે સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં છ લોકોના મોત થયા હતા અને પોલીસકર્મીઓ સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારેબાદ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો હતો.