અટકળો પર પૂર્ણવિરામ, હલ્દીરામ નહિ વેચાય: IPOની તૈયારીઓ થશે
Haldiram : દેશની ટોચની ફૂડ સ્નેકસ કંપની હલ્દીરામ કંપની પર છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલ અટકળો પર હવે પૂર્ણવિરામ લાગી રહ્યું છે. અહેવાલ હતી કે દેશના સૌથી મોટા જાયન્ટ બિઝનેસ સમૂહ ટાટા દ્વારા હસ્તાંતરણ કરવામાં આવશે ત્યારબાદ અહેવાલ આવ્યા કે દુનિયાનું સૌથી મોટું પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બ્લેકસ્ટોન ખરીદશે પરંતુ હવે 'હલ્દીરામ'ના વેચાણની અટકળો પર પૂર્ણવિરામ લાગી રહ્યું છે.
1930માં બિકાનેરમાં ગંગા બિશન અગ્રવાલે શરૂ કરેલ 'હલ્દીરામ'નો સ્નેક્સ કારોબાર માટે આજે ગ્લોબલ બ્રાન્ડ બની ગયો છે. રિપોર્ટ અનુસાર 'હલ્દીરામ'ને ટાટા ગ્રૂપ કે બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ પાસેથી અપેક્ષા મુજબનું મૂલ્યાંકન મળ્યું નથી. અંતે આ વાટાઘાટો સમાપ્ત થઈ છે અને વેચાણ પ્રસ્તાવ રદ્દ કરીને કંપની પોતાનો IPO લાવવાનું વિચારી રહી છે.
હલ્દીરામના IPOની સંભાવના :
'હલ્દીરામ' બ્રાન્ડ હાલમાં ત્રણ અલગ-અલગ કંપનીઓ દ્વારા નિયંત્રિત છે પરંતુ એકંદરે ‘હલ્દીરામ’નો બિઝનેસ માત્ર અગ્રવાલ પરિવાર પાસે જ છે. ત્રણમાંથી એક ભાગ કોલકાતામાં છે, જે પહેલાથી કોઈપણ વેચાણ સોદાનો ભાગ નથી. આ સિવાય દિલ્હીમાં હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને નાગપુરમાં હલ્દીરામ ફૂડ્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ પાસે બ્રાન્ડની ઓનરશિપ છે. આ બંને બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ સાથેની વાતચીત દરમિયાન મર્જ થવા જઈ રહી હતી. તેના આધારે કંપનીનું મૂલ્યાંકન 8 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું.
'હલ્દીરામ'નો દિલ્હીનો બિઝનેસ મનોહર અગ્રવાલ અને મધુસૂદન અગ્રવાલ પાસે છે, જ્યારે નાગપુરનો બિઝનેસ કમલકુમાર શિવકિશન અગ્રવાલ પાસે છે. મર્જર બાદ નવી કંપનીનું નામ હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઈવેટ લિમિટેડ થવાનું હતું પરંતુ હવે રિપોર્ટ છે કે દિલ્હીના હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકો જ તેનો આઈપીઓ લાવવા જઈ રહ્યા છે. હલ્દીરામનો એકમાત્ર રેસ્ટોરન્ટનો બિઝનેસ જ 1800 કરોડ રૂપિયાનો છે.
12 અબજ ડોલરનું વેલ્યુશન માંગ્યુ :
મીડિયા રિપોર્ટ અનુસાર 'હલ્દીરામ' ટાટા ગ્રુપ સાથે વાટાઘાટ કરી રહી હતી ત્યારે તેણે 10 અબજ ડોલરના વેલ્યુયેશન સાથે ચર્ચા કરી હતી. પછી બ્લેકસ્ટોન કન્સોર્ટિયમ સાથેની વાતચીત દરમિયાન હલ્દીરામ 12 અબજ ડોલરના વેલ્યુએશન પર સોદો ઈચ્છતા હતા પરંતુ માત્ર 8 અબજ ડોલરનું જ વેલ્યુએશન ઓફર થયું હતુ. સૂત્રો મુજબ હવે દિલ્હીનું 'હલ્દીરામ' 8થી 8.5 અબજ ડોલરના વેલ્યુએશન પર જ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ કરાવશે.