હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
સાઉદી અરેબિયા સાથેના દ્વિપક્ષીય કરાર મુજબ આ વર્ષ માટે ભારતનો હજ ક્વોટા 1,75,025
આ વખતની હજમાં 4314 મુસ્લિમ મહિલાઓ મહરમ (સંબંધીઓ) વગર હજ યાત્રા પર જશે
નવી દિલ્હી, તા.29 માર્ચ-2023, બુધવાર
મુસ્લિમ સમાજમાં હજ યાત્રા ખૂબ જ પવિત્ર મનાય છે. દરેક મુસ્લિમ પોતાના જીવનમાં એકવાર હજ કરવાનો પ્રયાસ કરે છે. ભારતથી હજ યાત્રાએ જતા હજયાત્રીઓને સરકાર ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે અને હજયાત્રીઓ સરકારની દેખરેખ હેઠળ હજ પર જાય છે. સાઉદી અરેબિયા સાથેના દ્વિપક્ષીય કરાર મુજબ આ વર્ષ માટે ભારતનો હજ ક્વોટા 1,75,025 નક્કી કરાયો છે.
કોઈ VIP પ્રતિનિધિમંડળ નહીં જાય સાઉદી અરેબિયા
આ વખતે ભારત સરકારે હજ યાત્રાને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા છે. લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આ વખતે હજ માટેનો VIP ક્વોટા સમાપ્ત કરી દેવાયો છે. અગાઉ VIP સરકારી ખર્ચે સાઉદી અરેબિયા જતા હતા, પરંતુ આ વખતે એવું નહીં થઈ શકે. ઉપરાંત આ વખતે કોઈ VIP પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા જશે નહીં.
4314 મુસ્લિમ મહિલાઓ સંબંધીઓ વિના જશે હજ પર
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આ વખતની હજમાં 4314 મુસ્લિમ મહિલાઓ મહરમ (સંબંધીઓ) વગર હજ યાત્રા પર જશે. ઉપરાંત આ વખતે ભારતીય હજ યાત્રીઓ માટે લઘુમતી બાબતોના મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છે. અગાઉ લઘુમતી બાબતોનું મંત્રાલય કામ જોતું હતું. આરોગ્ય મંત્રાલય પણ આ કામગીરીમાં જોડાતા હજ યાત્રીઓના પ્રાઈવેડ મેડિકલ ટેસ્ટ પણ સરકારી થઈ શકશે.
સાઉદી જશે આરોગ્ય મંત્રાલયની એક ટીમ
લઘુમતી બાબતોના મંત્રી વધુમાં કહ્યું કે, આ તમામ મેડિકલ ટેસ્ટ ફ્રીમાં કરાશે અને આ ટેસ્ટ તમામ રાજ્યોમાં થઈ શકશે. ઉપરાંત વેક્સીન ન મેળવી શક્યા હોય તેવા હજયાત્રીઓ માટે રાજ્ય સરકાર કેમ્પનું આયોજન કરશે અને તમામ હજ યાત્રીઓને વેક્સીન લગાવશે... આ સાથે જ તમામ પ્રતિબંધિત સ્થળો પર આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલી ટીમ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ આરોગ્ય મંત્રાલયની એક ટીમ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરોમાં પણ જશે અને ભારતીય હજ યાત્રીઓને ધ્યાને રાખી ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે. તેમણે જણાવ્યું કે, હજ યાત્રીઓ માટે આ તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે.
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય
- આ વખતે હજ માટેનો VIP ક્વોટા સમાપ્ત કરી દેવાયો છે.
- આ વખતે કોઈ VIP પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા જશે નહીં.
- હજ યાત્રીઓ માટે લઘુમતી બાબતોના મંત્રાલય સાથે આરોગ્ય મંત્રાલય પણ સાથે કામ કરશે
- હજ યાત્રીઓના પ્રાઈવેડ મેડિકલ ટેસ્ટ પણ સરકારી થઈ શકશે, જે ફ્રીમાં કરાશે
- યાત્રીઓના મેડિકલ ટેસ્ટ તમામ રાજ્યોમાં થઈ શકશે
- વેક્સીન ન મેળવી શક્યા હોય તેવા હજયાત્રીઓ માટે રાજ્ય સરકાર કેમ્પનું આયોજન કરશે
- રાજ્ય સરકાર દ્વારા યોજાતા કેમ્પમાં તમામ હજ યાત્રીઓને વેક્સીન લગાવાશે
- તમામ પ્રતિબંધિત સ્થળો પર આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલી ટીમ ઉપસ્થિત રહેશે.
- આરોગ્ય મંત્રાલયની એક ટીમ સાઉદી અરેબિયાના મક્કા અને મદીના શહેરોમાં પણ જશે
- ભારતીય હજ યાત્રીઓને ધ્યાને રાખી આરોગ્ય મંત્રાલયની ટીમ ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે.