આગામી હજ યાત્રાને લઈને મોટો નિર્ણય, પૈસા જમા ન કરાવી શકનારા લોકોને કમિટીએ આપી રાહત
Hajj 2025: જો તમે પણ હજ કરવા માંગો છો પરંતુ હજુ સુધી પૈસા જમા કરાવ્યા નથી તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હજ કમિટી દ્વારા હજ કરવા માટે ફી જમા કરાવવા માટેના પ્રથમ હપ્તાની તારીખ લંબાવવામાં આવી છે. હજ એ ઈસ્લામ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે, જે શારીરિક અને આર્થિક રીતે સક્ષમ દરેક મુસ્લિમ માટે ફરજિયાત ગણવામાં આવે છે. હજ યાત્રા સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં થાય છે, જે ઈસ્લામ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ છે. અહીં સ્થિત 'કાબા' મુસ્લિમો માટે ઈબાદતનું કેન્દ્ર માનવામાં આવે છે અને આ કાબાનો તવાફ (પરિક્રમા) એ હજનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
હજનું મહત્ત્વ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતું મર્યાદિત નથી. આ એક અનુભવ છે જે મુસ્લિમોમાં ભાઈચારો, સહિષ્ણુતા અને એકતાનો સંદેશ ફેલાવે છે. અહીં વિશ્વના વિવિધ દેશોના લોકો એકસાથે ઈબાદત કરે છે, જેના કારણે જાતિ, ભાષા અને સાંસ્કૃતિક ભિન્નતા હોવા છતાં દરેક એકતાનો અનુભવ કરે છે. આ પવિત્ર યાત્રા દ્વારા મુસ્લિમો તેમની આધ્યાત્મિકતાને વધુ ઊંડાણથી સમજે છે અને અલ્લાહ પ્રત્યે તેમની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરે છે. આમ હજ એ ઈસ્લામમાં ઊંડું મહત્ત્વ ધરાવે છે.
આ પણ વાંચો: ‘મુસ્લિમોને નુકસાન થયું તો...’ વક્ફ બિલ મુદ્દે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને ચેતવણી
નોંધનીય છે કે, હજ યાત્રા 2025 માટે પ્રથમ હપ્તો જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 11 નવેમ્બર કરવામાં આવી છે. અગાઉ આ તારીખ 31મી ઑક્ટોબર સુધી હતી. આ અંગે માહિતી આપતાં હજ મિશનના આસિસ્ટન્ટ ઑફિસરે જણાવ્યું કે, 'હજ 2025ના હજ યાત્રીઓએ પ્રથમ હપ્તા તરીકે 1,30,300 રૂપિયા જમા કરાવવાના હતા, પરંતુ કેટલાક હજ યાત્રીઓ હજુ સુધી હપ્તો જમા કરાવી શક્યા નહોતા. જે કારણસર હવે હજ કમિટીએ હપ્તો જમા કરાવવાની તારીખ 11 નવેમ્બર સુધી લંબાવી છે. હજ કમિટી ઑફ ઇન્ડિયાના પરિપત્ર નંબર 11 મુજબ, હજ કરવા માંગતા લોકોએ તેમના દસ્તાવેજો રાજ્ય હજ કમિટીને 14 નવેમ્બર સુધી મોકલવા ફરજિયાત છે.'