જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા બંધ નહીં થાય, મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો ઝટકો
કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું, જ્યાં સુધી 17 જાન્યુઆરીના આદેશને પડકારાયો નથી, ત્યાં સુધી 31 જાન્યુઆરીના આદેશ પર સુનાવણી કરવી અયોગ્ય
Allahabad High Court On Gyanvapi Case : જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના મામલે મુસ્લિમ પક્ષ દ્વારા કરાયેલી અરજી પર અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કહ્યું છે કે, ભોંયરામાં પૂજા-અર્ચના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવાશે નહીં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારને સ્થળને સુરક્ષા પુરી પાડવાનો તેમજ ત્યાં કોઈપણ પ્રકારનું નુકસાન અથવા નિર્માણ ન થાય તેનું પણ ધ્યાન રાખવા આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વ્યાસજીના ભોંયરામાં 30 વર્ષ બાદ બુધવારે મોડી રાત્રે પ્રથમવાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
જ્ઞાનવાપી કેસમાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વચગાળાની સ્ટે એપ્લિકેશનને નામંજૂર કરી છે. કોર્ટે મસ્જિદ સમિતિને 6 ફેબ્રુઆરી સુધીમાં પોતાની અપીલ પર સંશોધન કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આખરે રિસીવર નિયુક્ત કરવાની ઉતાવળ કેમ હતી. સુનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલે દલીલ કરી કે, 17 જાન્યુઆરીએ હિન્દુ પક્ષની અરજીમાં રિસીવર (વારાણસી ડીએમ)ની નિમણૂક કરવાની મંજૂરી આપી દેવાઈ, ત્યારબાદ 31 જાન્યુઆરીએ પૂજાની મંજૂરી આપવાનો આદેશ પસાર કરાયો.
કોર્ટે મુસ્લિમ પક્ષને શું કહ્યું ?
કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 4 ભોંયરા છે, પરંતુ હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે, તે અંગે કોઈ દાવો નથી. મુસ્લિમ પક્ષે કોર્ટને પૂછ્યું કે, હિન્દુ પક્ષ ચાર ભોંયરામાંથી એક, જેમાં વ્યાસજીનું ભોંયરુ છે, તે માંગી રહ્યું છે. કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે, તમે 17 જાન્યુઆરીના ડીએમને રિસીવર નિયુક્ત કરવાના આદેશને પડકાર્યો નથી. 31 જાન્યુઆરીનો આદેશ પરિણામલક્ષી આદેશ છે, જ્યાં સુધી તે આદેશને પડકારવામાં ન આવે, ત્યાં સુધી આ અપીલ કેવી રીતે સુનાવણી માટે યોગ્ય કહેવાશે? કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે, તમે તેને પૂરક સોગંદનામા દ્વારા રજુ કર્યું છે. આ કોઈ રિટ પિટિશન નથી. કોર્ટે ત્યાંની વર્તમાન સ્થિતિ અંગે પૂછતા એડવોકેટ જનરલે કહ્યું કે, ત્યાં કાયદો અને વ્યવસ્થા છે. કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું કે, તમે રિસીવરની નિમણૂક બાદ આદેશ 7 નિયમ 11 (વાદીનો અસ્વીકાર) હેઠળ અરજી દાખલ કરી છે. તમારો મામલો એ નથી કે, અરજી પર પહેલા સુનાવણી કરવામાં આવે. મુસ્લિમ પક્ષના વકીલ એસએફએ નકવીએ દલીલ કરી કે, 7 દિવસનો સમય અપાયો હતો અને ડીએમ દ્વારા 7 કલાકમાં કાર્યવાહી કરાઈ છે, તે અંગે અમારી ચિંતા છે. અમે સુધારાની અરજી રજૂ કરીશું પરંતુ અમે નિર્ણય અટકાવવા માંગીએ છીએ અને ત્યાં યથાવત્ રહેવું જોઈએ.
કોર્ટમાં હિન્દુ પક્ષની દલીલ
બીજીતરફ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીનો વિરોધ કરતા દલીલ કરી કે, મુસ્લિમ પક્ષે 17 જાન્યુઆરીના આદેશને પડકાર્યો નથી, જ્યારે 31 જાન્યુઆરીવાળો આદેશ યોગ્ય છે અને મુસ્લિમ પક્ષની અરજી સુનાવણી માટે યોગ્ય નથી. હિન્દુ પક્ષે કહ્યું કે, ભોંયરામાં કોઈપણ દરવાજો ન હતો. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે, મહેરબાની કરીને, ત્યાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં રાખે, કોઈ ઘટના ન બનવી જોઈએ, ડીએમ પોતે સુરક્ષા પર નજર રાખશે.
યુપી પોલીસે ખડક્યો કાફલો
ઉલ્લેખનીય છે કે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપ્યા બાદથી પોલીસ એલર્ટ પર છે. ગુરુવારે વ્યાસજીના ભોંયરામાં પૂજા પણ કરવામાં આવી હતી. જેના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે પણ અહીં પોલીસબળ તૈનાત કરાયું છે.
મુસ્લિમ પક્ષોએ કર્યું બંધનું એલાન
બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદની અંજુમન ઈન્તેજામિયા કમિટી દ્વારા વ્યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી આપતા જિલ્લા જજના આદેશ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને તેના પગલે આજે મુસ્લિમોને બંધ પાળવાનું આહ્વાન કરાયું હતું. આ સાથે લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી હતી. અંજુમન ઈન્તેજામિયા કમિટીના જનરલ સેક્રેટરી અબ્દુલ બાતિન નોમાનીએ એક પત્ર જારી કર્યો હતો. જેમાં જણાવ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી આપવાને લઈને મુસ્લિમોમાં નારાજગી છે. આ નિર્ણયના વિરોધમાં મુસ્લિમો શુક્રવારે શાંતિપૂર્ણ રીતે તેમના ધંધા-રોજગાર બંધ રાખશે.