દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે જ્ઞાનેશ કુમાર, 19મીથી સંભાળશે ચાર્જ
New CEC : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નિવૃત્તી બાદ 19 ફેબ્રુઆરી 2025થી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ચાર્જ સંભાળશે.
દેશમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ચાર્જ સંભાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આગામી મુખ્ય ચૂંટણી કમિશનરના નામની ભલામણ કર્યા પછી તરત જ આ જાહેરાત કરવામાં આવી. આજે સોમવારે મળેલી પસંદગી સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના હતા. તેઓ મંગળવારે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. આમ રાજીવ કુમાર પછી જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધીનો છે.