Get The App

ચૂંટણીની 'ઋતુ'માં શ્રમિકોને લ્હાણી! દરરોજ કામ વિના 800થી 1000ની કમાણી, ભોજન પણ મફત!

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ચૂંટણીની 'ઋતુ'માં શ્રમિકોને લ્હાણી! દરરોજ કામ વિના 800થી 1000ની કમાણી, ભોજન પણ મફત! 1 - image


Haryana Assembly Election 2024: મિલેનિયમ સિટીના નામથી ઓળખાતા ગુરુગ્રામનો 'લેબર ચોક' હાલમાં વેરાન લાગી રહ્યો છે. એટલા માટે નહીં કે કોઈ તહેવાર નજીક આવી રહ્યો છે જેના કારણે શ્રમિકો રજા પર ગયા છે. બાંધકામની ગતિવિધિઓ પર પણ કોઈ પ્રતિબંધ નથી. લેબર ચોક વેરાન હોવાનું કારણ એ છે કે, ચૂંટણીની 'ઋતુ'માં શ્રમિકોને 'દિહાડી'ના બદલે રાજકીય રેલીમાં સામેલ થવાનો શ્રેષ્ઠ વિકલ્પ મળી ગયો છે. દરરોજ સવારે શ્રમિકો શહેરમાં ચિહ્નિત સ્થળો પર એકઠા થાય છે જેને લેબર ચોક કહેવામાં આવે છે. જેને પણ શ્રમિકોની જરૂર હોય તે લેબર ચોક પહોંચીને ત્યાંથી વેતન વગેરે નક્કી કર્યા બાદ શ્રમિકોને કામ માટે લઈ જાય છે. હવે હરિયાણામાં 5 ઑક્ટોબરના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓને પોતાના મોટા નેતાઓની રેલીઓમાં ભીડ દેખાડવાની હોય છે. તેથી આ રેલીમાં ભીડ એકઠી કરવા માટે આ શ્રમિકોની ખૂબ માગ છે. 

સામાન્ય રીતે તહેવારો પહેલા લેબર ચોક વેરાન નજર આવતો હોય છે કારણ કે, આ દરમિયાન શ્રમિકો પોતાના વતન જતાં રહે છે. શિયાળામાં જ્યારે દિલ્હી-એનસીઆર વાયુ પ્રદૂષણ સાથે સંઘર્ષ કરે છે ત્યારે બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. આ સમય દરમિયાન પણ લેબર ચોક વેરાન નજર આવે છે. જો કે, હરિયાણામાં 5 ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. રાજકીય પાર્ટીઓને પોતાના મોટા નેતાઓની રેલીઓમાં ભારે ભીડ દેખાડવી પડે છે. આ રેલીઓમાં ભીડ એકઠી કરવા માટે આ શ્રમિકોની ખૂબ માગ છે અને આ માટે રાજકીય પાર્ટીઓ તેમેને 'દિહાડી' પર હાયર કરી રહી છે. 

દરેક રેલીના 800થી 1000 રૂપિયા મળે છે

8 વર્ષથી ગુરુગ્રામમાં રહેલા બિહારના શ્રમિક સુંદરે જણાવ્યું કે, મોટા ભાગની પાર્ટીઓ અને ઉમેદવારોને પોતાની રેલીઓમાં ભીડની જરૂર હોય છે. અને આ કામ અમારા માટે ઓછી મહેનતવાળું છે અને અમને એક દિવસની મજૂરી સમાન પૈસા મળી જાય છે. દરેક રેલી માટે અમને 800થી 1000 રૂપિયા મળે છે. જો અમે મજૂરી કામ માટે જઈએ તો આખો દિવસ સખત મહેનત કર્યા બાદ અમને આટલા પૈસા મળે છે. તેથી હું અને મારો પરિવાર હાલમાં લેબર ચોક પર નથી જતાં અને રાજકીય રેલીમાં ભાગ લઈ રહ્યા છે. 

પોતાના પરિવારના સભ્યો સાથે રેલીમાં સામેલ થઈ રહ્યા

સુંદર ગુરુગ્રામમાં મતદાતા નથી. તેમણે કહ્યું કે કાં તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ રેલીઓમાં ભીડ એકઠી કરવા માટે અમારા મજૂર સંઘના નેતાઓનો સંપર્ક કરે છે અથવા શ્રમિક સીધા ઉમેદવારોની ઑફિસમાં જાય છે. મારી પત્ની ઘરોમાં ડોમેસ્ટિક હેલ્પ તરીકે કામ કરે છે. પરંતુ હાલમાં મારી પત્ની પણ મારી સાથે રાજકીય રેલીઓમાં સામેલ થઈ રહી છે. મારી પત્ની માટે રજા લેવી મુશ્કેલ છે. તે જે ઘરોમાં કામ કરે છે ત્યાં રજા પર પૈસા કાપવામાં આવે છે. જો કે, એક દિવસની રજાના તેના જેટલા પૈસા કપાય છે તેના કરતાં વધુ સારા પૈસા રેલીઓમાં સામેલ થવા પર મળે છે, અને તેની સાથે મફત ભોજન પણ મળે છે. 

અન્ય એક શ્રમિક જે ઉત્તર પ્રદેશના બલિયાના રહેવાસી છે, તેમણે ગત વર્ષે ગુરુગ્રામમાં મતદાર તરીકે નોંધણી કરાવી હતી. તેમણે જણાવ્યું કે, કન્સ્ટ્રક્શનનું કામ હવામાન પ્રમાણે ચાલે છે. વરસાદ શરુ થયા બાદ કામ પણ ઓછું થઈ જાય છે. ઑક્ટોબર અને નવેમ્બર દિવાળી અને છઠના મહિના છે, તેથી કામદારો લાંબી રજાઓમાં તેમના વતન જતાં રહે છે. શિયાળા દરમિયાન પ્રદૂષણને કારણે બાંધકામ ઠપ થઈ જાય છે અને તે દરમિયાન અમને કામ પણ નથી મળતું. તેથી હું આ રેલીઓમાં સામેલ થાઉં છું. જરૂરી નથી કે, એક જ પાર્ટીની રેલીમાં સામેલ થાઉં, હું અલગ-અલગ પાર્ટીઓની રેલીમાં સામેલ થાઉં છું. 

કાર્યકર્તાઓ પર ભીડ એકઠી કરવાની જવાબદારી

એક રાજકીય પાર્ટીના જિલ્લા સ્તરીય કાર્યકર્તાએ રેલીઓ માટે શ્રમિકોને હાયર કરવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે કેન્દ્રીય નેતૃત્વના મોટા નેતા આવી રહ્યા છે, ત્યારે શક્તિ પ્રદર્શન માટે રેલીમાં ભીડ હોવી જોઈએ. રેલીઓમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવા માટે અમે ગ્રાઉન્ડ પર અમારા નેટવર્કિંગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમારે ભીડ બતાવવા માટે કેટલીક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો પડે છે. પંજાબ-હરિયાણા બોર્ડર પરના એક ટેક્સી ઓપરેટરે જણાવ્યું કે, રાજકીય રેલીઓમાં હંમેશા પૈસા ચૂકવવાવાળી ભીડની માગ રહે છે. 

તેમણે આગળ કહ્યું કે, હરિયાણામાં ગમે ત્યાં મોટી રાજકીય રેલીઓ માટે વાહનો તેમજ ભીડ એકત્ર કરવા માટે ટેક્સી ઓપરેટરોનો સંપર્ક કરવામાં આવે છે. પાર્ટી સ્થાનિક રેલીઓ માટે લેબર ચોકમાંથી મજૂરોને ઉઠાવે છે. મજૂરો પર કોઈ જવાબદારી નથી હોતી કે તેઓ કોને મત આપશે તેમને તેમના દૈનિક વેતનના આધારે પૈસા ચૂકવવામાં આવે છે. સામાન્ય રીતે આ લોકો ગ્રુપ બનાવીને રહે છે. જેથી પાર્ટીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ એક સાથે 50-100 લોકો સુધી પહોંચી શકે. હરિયાણામાં 90 સભ્યોની વિધાનસભા માટે 5 ઑક્ટોબરે મતદાન થશે અને 8 ઑક્ટોબરના રોજ મતગણતરી થશે. 


Google NewsGoogle News