VIDEO: જગદગુરુ રામભદ્રાચાર્યએ નીતીશ કુમારને કહ્યાં પલટુરામ, વિભીષણ સાથે સરખામણી કરી

ભાજપના સમર્થન સાથે નીતીશ કુમાર નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
VIDEO: જગદગુરુ રામભદ્રાચાર્યએ નીતીશ કુમારને કહ્યાં પલટુરામ, વિભીષણ સાથે સરખામણી કરી 1 - image


Bihar Politics: બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ ત્રણ વર્ષમાં સત્તા પરિવર્તન થયું છે. નીતીશ કુમારે એનડીએ ગઠબંધન સાથે બિહારમાં સરકાર બનાવી છે. આજે જેડીયુ પ્રમુખના એનડીએમાં જોડાવા પર જગદગુરુ રામભદ્રાચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે.

નીતીશ કુમારને લઈને તુલસી પીઠના સ્થાપક અને વડા જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘જે પણ થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે. રાજકારણમાં આવું થતું રહે છે. નીતીશ કુમારને ત્યાં સન્માન મળી રહ્યું ન હતું. જ્યારે રાવણનો ભાઈ વિભીષણ રામ પાસે આવી શકે છે, તો નીતીશ કુમારના એનડીએમાં જોડાવા પર શું ફરક પડશે. નીતીશ ચોક્કસ પલટુરામ છે, પરંતુ આ વખતે તે શ્રી રામના ચરણોમાં સમર્પિત થઈ ગયો છે.'

વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી

રાજભવનમાં રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ભાજપના વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અન્ય આઠ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં જેડીયુના ત્રણ વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ અને પ્રેમ કુમારે શપથ લીધા હતા. તો હિન્દુસ્તાની અવામ મોર્ચાના સંતોષ કુમાર સુમન (સંતોષ માંઝી) અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા હતા.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપવા અંગે નીતીશ કુમારે કહ્યું કે, 'આ સ્થિતિ એટલા માટે આવી કારણ કે બધું બરાબર ચાલી રહ્યું ન હતું. હું દરેકનો અભિપ્રાય લેતો હતો. મેં તેમની બધી વાત સાંભળી. લોકો જે પ્રકારના દાવા કરી રહ્યા હતા તે પક્ષના નેતાઓને ખરાબ લાગતું હતું, તેથી મેં રાજીનામું આપી દીધું.'


Google NewsGoogle News