રાહુલ ગાંધીના શિખો અંગેના વિવાદાસ્પદ નિવેદનને ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું સમર્થન

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીના શિખો અંગેના વિવાદાસ્પદ નિવેદનને ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું સમર્થન 1 - image

Pannun Support Rahul Gandhi Statement: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં શિખો પર ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઊભો કરી દીધો છે. વોશિંગ્ટન ડીસીમાં એક ભાષણ દરમિયાન તેમણે ભારતમાં શિખોની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કાર્યક્રમમાં ઘણા ખાલિસ્તાની ચરમપંથી હતા. આ નિવેદનને લઈને ભારતમાં હંગામો મચ્યો છે. ભાજપે તેમને યાદ અપાવ્યું કે એ કોંગ્રેસ જ હતી જેના શાસન દરમિયાન દેશમાં 3000  શિખોની હત્યા કરવામાં આવી હતી. હવે ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ આતંકવાદી ગુરપતવંત પન્નુએ રાહુલ ગાંધીના આ નિવેદનને સમર્થન આપીને વિવાદને વધુ વેગ આપ્યો છે.

એક અહેવાલ પ્રમાણે અલગતાવાદી નેતા પન્નુએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, ભારતમાં શિખો માટે અસ્તિત્વનો ખતરો છે. રાહુલનું નિવેદન માત્ર સાહસિક જ નથી પરંતુ તે 1947થી ભારતમાં શિખોએ જે પરિસ્થિતિનો સામનો કર્યો છે તેના તથ્યાત્મ ઈતિહાસ પર પણ આધારિત છે. આ શિખ માતૃભૂમિ ખાલિસ્તાનની સ્થાપના કરવા માટે જનમત સંગ્રહના લક્ષ્ય પર SFJના સ્ટેન્ડની પણ પુષ્ટિ કરે છે. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

અમેરિકામાં રાહુલ ગાંધીએ પોતાના એક સંબોધનમાં કહ્યું હતું કે, 'ભારતમાં શિખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ અને તે ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે કેમ તે મુદ્દે લડાઈ સમાપ્ત થઈ નથી. સૌથી પહેલા આપણે સમજવું પડશે કે લડાઈ શું છે. લડાઈ રાજકારણની નથી. તે સુપરફિસિયલ છે. તમારું નામ શું છે? એક શીખ તરીકે તેને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ, શીખ તરીકે તેને ભારતમાં કડા પહેરવાની છૂટ આપવામાં આવશે કે નહીં અથવા શીખ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકશે કે નહીં તે અંગે લડાઈ ચાલી રહી છે. આ લડાઈ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ધર્મોની લડાઈ છે.'

રાહુલ ગાંધી આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યા

આ નિવેદનને લઈને દેશમાં રાહુલની ભારે ટીકા થઈ રહી છે. સરકારી સૂત્રોએ આને કોંગ્રેસના સાંસદના વિવેકહીન વ્યવહારનું વધુ એક ઉદાહરણ ગણાવ્યું છે. એક સૂત્રએ કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે તમે બ્રિફિંગ વિના બોલવાનું શરૂ કરો છો. દેશની બહાર બોલવાથી પન્નુ જેવા લોકોને પ્રોત્સાહન મળે છે. ભારતમાં કોઈ પણ શિખ દુ:ખી નથી અને આંતરિક બાબતોને આંતરિક રીતે ઉકેલવામાં આવશે.


Google NewsGoogle News