મણિપુરમાં ફરી હિંસા ભડકી, બે જૂથો વચ્ચે ગોળીબાર થતાં એકનું મોત, ચાર ઘાયલ
મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસા હજુ પૂરી રીતે અટકી નથી
સુરક્ષા દળ ધટનાસ્થળે પહોંચ્યા બાદ બંને જૂથો પાછળ હટી ગયા
Manipur Violence : મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસા હજુ પૂરી રીતે અટકી નથી. રાજ્યમાં શનિવારે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શનિવારે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લાની પૂર્વ સરહદની વચ્ચે બની હતી. ઘટના બાદ સુરક્ષાદળો વિસ્તારમાં પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળો પહોંચતા બંને જૂથો છુટા પડી ગયા હતા
બંને જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બાદ જ્યારે સુરક્ષા દળ ધટનાસ્થળે પહોંચ્યા બાદ બંને જૂથો છુટા પડી ગયા હતા. એક પોલીસ અધિકારીને ટાંકીને સૂત્રોએ અહેવાલમાં જણાવ્યું હતું કે ઘાયલોમાંના એક વ્યક્તિ પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજાને સાથળમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં, જમીન, પ્રાકૃતિક સંસાધનો અને રાજકીય પ્રતિનિધિત્વને લઈને મતભેદને લઈને કુકી અને મેઈતી સમુદાયો વચ્ચે ગયા વર્ષે મે મહિનામાં હિંસા શરૂ થઈ હતી. ત્યારથી રાજ્યમાં અનેક લોકોના મોત થયા છે. વિપક્ષી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધે છે કે 60 હજાર કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરી હોવા છતાં, મણિપુર સંકટ આઠ મહિના પછી પણ સમાપ્ત થઈ શક્યું નથી.
શું છે મણિપુર વિવાદ ?
મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઘણા લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.