900 વીઘા જમીન મુક્ત કરાવવા તંત્રએ 60 બુલડોઝર-600 કર્મચારીઓ ઉતાર્યા, ભૂમાફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી
MP Guna Land freed From Mafia: મધ્યપ્રદેશના ગુનામાં પ્રશાસને જમીન માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના આદેશ પર 600 વહીવટી કર્મચારીઓએ જમીનને અતિક્રમણથી મુક્ત કરવા માટે 60 બુલડોઝર ચલાવ્યા હતા. રાજ્યમાં માફિયાઓ સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, ગુનાના ચાચૌડાના કમલપુર અને ડેડલા ગામમાં જમીન માફિયાઓએ 900 વીઘા જંગલની જમીન પર અતિક્રમણ કર્યું હતું. આ અંગેની ફરિયાદ અધિકારીઓને મળતાં તેમણે અતિક્રમણ હટાવવાની તૈયારી કરી હતી. 60 બુલડોઝર અને 600 કર્મચારીઓની મદદથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચોઃ પેપર લીક કરવું પણ ભ્રષ્ટાચાર, વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઇ જાય છે, CJI ખન્નાનું મોટું નિવેદન
જંગલોમાં અતિક્રમણ દૂર કરાયા
60 બુલડોઝરે જંગલની જમીનમાંથી અતિક્રમણ હટાવવાનું શરૂ કર્યું ત્યારે માફિયાઓએ વિરોધ કર્યો હતો. પરંતુ વહીવટીતંત્રની આકરી કાર્યવાહીથી અતિક્રમણ કરનારાઓનું મનોબળ પડી ભાંગ્યુ હતું. વન વિભાગ અને પોલીસે બુલડોઝર સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 900 વીઘા જમીન માફિયાઓના સકંજામાંથી મુક્ત કરાવી હતી.
2016માં માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો
વર્ષ 2016માં વન વિભાગની ટીમે ડેડલા ગામમાં અતિક્રમણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે માફિયાઓએ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ વખતે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું હતું. પોલીસ અને વન વિભાગના 600 કર્મચારીઓએ સાથે મળીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ કાર્યવાહીને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ખૂબ જ સક્રિય હતા. આ મોટા ઓપરેશનને પાર પાડવા માટે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ તૈનાત કરવામાં આવી હતી. ગુનાના ડીએફઓ અક્ષય રાઠોડે જણાવ્યું હતું કે, 60 બુલડોઝર સાથે માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.