હિમાચલમાં અમદાવાદી યુવતીનું પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં મોત, પાઈલટ સારવાર હેઠળ
Image Source: Twitter
Dharamshala Paragliding Tragedy: ગોવાની જેમ હિમાચલ પ્રદેશમાં પણ પેરાગ્લાઈડિંગની વધુ એક દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ગુજરાતી યુવતીએ જીવ ગુમાવ્યો છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે ગયેલી એક ગુજરાતી યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બની હતી. ટેક ઓફ પોઈન્ટ પરથી ટુરિસ્ટ યુવતી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
યુવતી પોતાના પરિવાર સાથે ધર્મશાળા ફરવા ગઈ હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ટુરિસ્ટ યુવતી ગુજરાતના અમદાવાદથી ધર્મશાળા પહોંચી હતી. આ દરમિયાન ધર્મશાલાના ઇન્દ્રુ નાગમાં પેરાગ્લાઇડિંગ કરતી વખતે પાઈલટ સાથે ટેક-ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગઈ હતી, નીચે પટકાતાં આ યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જોકે, બીજી તરફ પેરાગ્લાઈડિંગ પાઈલટનો બચાવ થયો છે. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને પણ પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ યુવતી પોતાના પરિવાર સાથે ધર્મશાળા ફરવા આવી હતી.
પાઈલટ સારવાર હેઠળ
મૃતક યુવતીની ઓળખ ખુશી ભાવસાર તરીકે થઈ છે. જેની ઉંમર 19 વર્ષ હોવાની માહિતી મળી રહી છે. આ યુવતી સહજાનંદ એવન્યુ, ટોરેન્ટ પાવર લિમિટેડ, નારણપુરા અમદાવાદની રહેવાસી હતી. બીજી તરફ દુર્ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટ મુનીશ કુમાર (29 વર્ષ) દુર્ઘટનામાં ઘાયલ થયો છે. પાઈલટ ધર્મશાલાનો રહેવાસી છે. પાઈલટને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ ટાંડામાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ કેસ ધર્મશાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
એએસપી જિલ્લા કાંગડા વીર બહાદુરે આ ઘટના અંગે જણાવ્યું કે, 'ધર્મશાળામાં ઇન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઇટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં પેરાગ્લાઈડિંગ પાઈલટ અને એક યુવતી ટેક ઓફ કરતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓ બંને ખાઈમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 19 વર્ષની યુવતીનું મોત થઈ ગયું છે. મૃતદેહને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળા લાવવામાં આવ્યો છે જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ રવિવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પાઈલટ સુરક્ષિત છે. પોલીસ ઘટના સ્થળે જઈને દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'