રિપબ્લિક પરેડમાં ગુજરાતે સતત બીજા વર્ષે મેદાન માર્યું
રિપબ્લિક પરેડ-૨૦૨૪માં ફરી વખત પીપલ્સ ચોઈસ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોએ મેદાન માર્યું હતું. ધોરડો દુનિયાનું શ્રેષ્ટ પ્રવાસન ગામડું એ થીમ પર બનેલા ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો હતો. ૨૦૨૩માં પણ ગુજરાતના ગ્રીન એનર્જીના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો હતો. ગુજરાતમાં રિપબ્લિક ડે પરેડ પછી વોટિંગ માટે કેમ્પેઈન ચલાવવામાં આવે છે તેની સારી એવી અસર થાય છે અને લોકો ઓનલાઈન વોટિંગ કરે છે. તેના કારણે રાજ્યની પ્રસ્તૃતિ અવ્વલ નંબરે રહે છે. રાજ્ય પ્રમાણે કેન્દ્ર સરકાર જેને ક્રમ આપે છે એમાં ઓડિશાની સંસ્કૃતિ દર્શાવતા ટેબ્લોને પ્રથમ નંબર અપાયો હતો. ઓડિશાના ટેબ્લોમાં રાજ્યની સંસ્કૃતિની ઝલક બહુ જ ઝીણવટથી દર્શાવવામાં આવી હતી. ઓડિશાના આ કલરફુલ પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઓડિશાની સંસ્કૃતિમાં ભગવાન જગન્નાથનો ખૂબ પ્રભાવ જોવા મળે છે. ચિત્રોથી લઈને લોકગીતો સુધી બધે જ ભગવાન જગન્નાથની ઉપસ્થિતિ દેખાય છે. ટેબ્લોમાં પણ ભગવાન જગન્નાથની ઝલક દેખાતી હતી. મંત્રાલયોના ટેબ્લોની સ્પર્ધા થાય છે ને એમાંથી મંત્રાલયોને નંબર આપવામાં આવે છે. સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લો ભારત : મધર ઓફ ડેમોક્રેસીને મંત્રાલયોની કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.
સૂર્યગ્રહણ જોઈ લેવા દો! પાછું દેખાશે ત્યારે અમે મોટા થઈ જઈશું!
૮મી એપ્રિલે અમેરિકામાં સંપૂર્ણ સૂર્યગ્રહણ હતું. અમેરિકાના બાળકોમાં સાયન્ટિફિક અપ્રોચ કેળવવા માટે સૂર્યગ્રહણ જોવા માટે ખાસ વ્યવસ્થા થાય છે અને બાળકોને ગમે એવા રંગ-બેરંગી માસ્કના શેપમાં ચશ્મા આપવામાં આવે છે. મિશિગનની એક સ્કૂલના બાળકોએ આ રીતે સૂર્યગ્રહણ નીહાળ્યું હતું. આ સૂર્યગ્રહણ ખાસ એટલા માટેય હતું કે પછી આ પ્રકારનું સંપૂર્ણ સૂર્યગ્રહણ છેક ૨૦૪૪માં દેખાશે. ત્યારે આ બાળકો મોટા થઈ ગયા હશે. અમેરિકામાં ૩૨૦૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં એક સાથે આ સૂર્યગ્રહણની અસર થઈ હતી.
બ્રિજમાં જહાજ ટકરાયું, બે અબજ ડોલરનો ખર્ચ થયો
અમેરિકાના બાલ્ટિમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજમાં સિંગાપોરનું એક જહાજ ટકરાયું હતું. જહાજમાં વીજળી ગૂલ થઈ જતાં એ કાબૂ બહાર ગયું અને એક સ્તંભ સાથે ટકરાયું હતું. તેમાં છ લોકોનાં મોત થયા હતા અને બ્રિજ તાકીદની અસરથી બંધ કરવાની સાથે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. દરરોજ ૩૦ હજાર જેટલાં લોકો આ બ્રિજ પરથી પસાર થતા હતા. ચાર લેનનો લોખંડનો આ મજબૂત બ્રિજ તૂટી જતાં એના રિપેરિંગ પાછળ બે અબજ ડોલરનો ખર્ચ થયો હતો. ૧૯૭૨માં એ બન્યો ત્યારે તે પ્રકારનો એ જગતનો સૌથી લાંબો બીજા ક્રમનો બ્રિજ હતો. રસપ્રદ બાબત એ હતી કે આ બ્રિજનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનારા ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રખાયું હતું.
અંતરીક્ષની અદ્ભુત તસવીર : યે કૌન ચિત્રકાર હૈ...
નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપથી લીધેલી તારામંડળની તસવીર ૨૯મી એપ્રિલે જાહેર કરી હતી. તેને હોર્સહેડ નેબ્યુલા નામ અપાયું હતું. ધૂળની ડમરી અને ગેસથી બનેલી આ સંરચના એટલી અદ્ભુત દેખાતી હતી કે દિવસો સુધી એ તસવીર ચર્ચામાં રહી. ઘોડાના માથાના આકારની આ નિહારિકા પૃથ્વીથી ૧૩૦૦ પ્રકાશવર્ષ દૂર છે. ગેસ અને ધૂળની આ સંરચનાને જોઈને લોકોએ કહ્યું હતું કે આને જ કદાચ સ્વર્ગ કહેવાતું હશે. એક રીતે આ વાદળનું જ વિસ્તૃત ફોર્મેટ છે, પણ વાદળથી તેના બંધારણના કારણે અલગ પાડી શકાય છે અને સૌથી પહેલા તેને નેબ્યુલા કહેવાનું ૧૬મી સદીમાં શરૂ થયું હતું. તેને નવા તારા માટે નર્સરી પણ કહેવાય છે. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપની આ તસવીર જોઈને થાય કે દુનિયાના બધા જ ચિત્રકારોમાં કુદરતની ચિત્રકારી સર્વશ્રેષ્ઠ છે.
ધ ફર્સ્ટ જમ્પ : ઊંડા પાણીમાં ખાબકો ને તરતા શીખો!
એન્ટાર્ક્ટિકાના પેંગ્વિન ઘણી બધી રીતે યુનિક છે. ઠંડા પાણીના આ સજીવો કુશળ તરવૈયા છે, તેની પાંખો હલેસાં જેવી હોવાથી એ તેને અન્ય સજીવોથી અલગ પાડે છે. આ તસવીર એ પ્રકારની પ્રથમ તસવીર છે. આ તસવીરમાં દેખાતા પેંગ્વિનના બચ્ચાં પ્રથમ વખત જમ્પ લગાવી રહ્યા છે અને એ પણ ૫૦ ફૂટ ઊંચી હિમશીલા પરથી. કોઈ એક સાહસિક બચ્ચું એની પહેલ કરે છે અને પછી તેની પાછળ પાછળ અન્ય બચ્ચાંઓ પણ સીધા નીચે ખાબકે છે. આ દુર્લભ ઘટના ડ્રોનની મદદથી નેશનલ જ્યોગ્રાફિકે ઝીલી હતી. એના પર ડોક્યુમેન્ટરી પણ બનાવાઈ રહી છે, જે ૨૦૨૫ની શરૂઆતમાં રીલિઝ થાય એવી શક્યતા છે.
બુલફાઈટની બબાલ : મોતના ખેલ સામે મોરચો
મેક્સિકોમાં ૪૦૦ વર્ષથી બુલફાઈટની પરંપરા છે. આખલા સામે લડાઈની આ રમત એટલી પોપ્યુલર છે કે મેક્સિકોમાં જ બુલફાઈટની સૌથી મોટી રિંગ છે અને મેક્સિકો સિટીમાં આવેલા ગ્રાઉન્ડમાં ૪૨ હજાર દર્શકો આ ખેલ જોઈ શકે છે. ૨૦૨૨માં એનિમલ રાઈટ્સ માટે લડતા સંગઠનોએ એનો વિરોધ કર્યો હતો. તેના કારણે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને ૨૦૨૨થી એક પણ ખેલ ખેલાયો ન હતો. આખરે જાન્યુઆરીમાં બુલફાઈટની તરફેણમાં ચુકાદો આવ્યો એટલે ૨૮મી જાન્યુઆરીએ વિખ્યાત બુલફાઈટર જોસેલિટો એડમનો ખેલ યોજાયો હતો. એમાં છ આખલાઓ જોસેલિટો સામે લડયા હતા અને એકનું મૃત્યુ થયું હતું. એ પછી ફરીથી વ્યાપક દેખાવો થયા હતા. એનિમલ રાઈટ્સ માટે લડતા લોકોની દલીલ છે કે કોઈ પણ સંસ્કૃતિ કે પરંપરામાં પ્રાણીઓને મારવાનો અધિકાર મળી જતો નથી. આ મોતનો તમાશો બંધ કરવો જોઈએ.