Get The App

સુરતમાં BRTS બસે 8 વાહનોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા, કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર, હિંદ મહાસાગરમાં ઈઝરાયલી જહાજ પર ડ્રોનથી હુમલો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
સુરતમાં BRTS બસે 8 વાહનોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા, કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર, હિંદ મહાસાગરમાં ઈઝરાયલી જહાજ પર ડ્રોનથી હુમલો 1 - image


ગુજરાતના રાજકારણ, શહેરો અને ગામડાઓની ક્રાઇમની ઘટનાઓ, પંચાયતથી લઇને વિધાનસભા સુધીની ખાસ માહિતી, લોકસભા-રાજ્યસભાની મહત્વની વાતો, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નોની વાચા, કૌભાંડ અને કૌભાંડીઓનો પર્દાફાશ, રાજનેતા અને સરકારી બાબુઓના સમાચાર સહિતની દિવસભરની તમામ મહત્વની ખબરો વાંચો...

સુરતમાં BRTS બસે 8 વાહનોને લીધા અડફેટે, 2 લોકોના મોતની આશંકા

સુરત અને અમદાવાદમાં BRTS દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. BRTS બસોના ડ્રાઈવરો કોઈ ડર વિના જ બેફામ બસ ચલાવે છે અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે. ત્યારે હવે સુરતમાં મોટા અકસ્માતની ધટના બની છે. સુરતમાં BRSTએ આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કતારગામના ગજેરા સર્કલ નજીક આ બનાવ બન્યો છે. BRTS બસની અડફેટે બાઈક, રિક્ષા સહિતના વાહનનો અડફેટે આવ્યા હતા. જે ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી છ ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ અને એક ઈજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. તો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય કાંતિ બલર હોસ્પિટલ પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. મહત્વનું છે કે, ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને અકસ્માત સર્જાતા સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો છે.

પ્રિયંકા ગાંધીની જગ્યાએ અવિનાશ પાંડે બન્યા UPના પ્રભારી, કોંગ્રેસમાં મોટા ફેરફાર

આગામી વર્ષ થનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી પ્રભારી પદ સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેની જગ્યાએ અવિનાશ પાંડેને યૂપી પ્રભારી બનાવાયા છે. તો સચિન પાયલટને છત્તીસગઢમાં મોટી જવાબદારી સોંપાઈ છે. સામે આવેલા સમાચાર અનુસાર, સચિન પાયલટને છત્તીસગઢના પ્રભાર મહાસચિવ નિયુક્ત કરાયા છે.

ભારત આવતા ઈઝરાયલી જહાજ પર હિંદ મહાસાગરમાં ડ્રોનથી હુમલો કરાયો

ઈઝરાયલી જહાજ પર એવા સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે હાલમાં જ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ રાતા સમુદ્રમાંથી પસાર થનારા ઈઝરાયલી જહાજોને ટાર્ગેટ કરવાની ચેતવણી આપી હતી. આ શિપ સઉદી અરબથી ભારતના મેંગ્લોર આવવા રવાના થયું હતું. સૂત્રો અનુસાર સોમનાથી આશરે 350 કિ.મી દૂર આ જહાજ પર હુમલો કરાયો છે. જેની તપાસ માટે ભારતીય તટરક્ષક દળના જહાજ ICGS Vikramને મોકલવામાં આવ્યું છે.

સુકમામાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ, એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી ઈજાગ્રસ્ત

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલો વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દાંતેવાડાની સરહદે નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું છે કે, પોલીસ અને નક્સલો વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અથડામણ સુકમા અને દંતેવાડા પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી છે. આ કાર્યવાહી સુકમા ડીઆરજી અને દાંતેવાડા ડીઆરજીમાં સીઆરપીએફ 2જી બટાલિયન અને સીઆરપીએફ 111 બટાલિયન દ્વારા સંયુક્ત રીતે કરાઈ છે. 

કાશ્મીરઃ સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો

ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ દરમિયાન ત્રણેય આતંકવાદી તેમના સાથીદારનો મૃતદેહ પાકિસ્તાન તરફ લઈ જતા દેખાયા હતા. આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ હતી. આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘ખૌર, અખનૂર અને આઈબી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. 22-23 ડિસેમ્બરની રાતે સર્વેલન્સ સાધનોમાં શંકાસ્પદ ગતિવિધિ નોંધાઈ હતી. ત્યાર પછી અમે ફાયરિંગ શરૂ કર્યું હતું. બાદમાં આતંકીઓ તેમના સાથીદારના મૃતદેહને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ઢસડીને લઈ જતા જોવા મળ્યા હતા.’

IND vs SA : અભિમન્યુ ઇશ્વરનને ઋતુરાજની જગ્યાએ ટીમમાં મળ્યું સ્થાન, રિંકુ સિંહને ભારત-Aમાં કર્યો સામેલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26મી ડિસેમ્બરથી 2 મેચોની ટેસ્ટ સિરીઝ શરુ થવાની છે. આ સિરીઝ પહેલા ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયો છે. BCCI તેના સ્થાને અભિમન્યુ ઇશ્વરનને ટીમમાં સામેલ કર્યો છે. હાલ તે ભારત-A ટીમનો ભાગ છે અને મુખ્ય ટીમ સાથે સાઉથ આફ્રિકામાં જ છે. BCCIએ ભારત-A ટીમમાં રિંકુ સિંહને સામેલ કર્યો છે. ઋતુરાજ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે અત્યાર સુધી સંપૂર્ણ રીતે ફિટ થઇ શક્યો નથી, જેના કારણે તેને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઇશ્વરનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યો છે. BCCI ટ્વિટ દ્વારા અંગે માહિતી આપી હતી. ટીમની કેપ્ટનશીપ અભિમન્યુને સોંપવામાં આવી છે. 

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તે કેનેડાની સાથે આખી દુનિયા માટે ચિંતાની વાત હશેઃ જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે. ટ્રુડોએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત થાય તો તે ચિંતાજનક બાબત હશે.કારણકે અત્યારે તમામ દેશોએ ભેગા મળીને પર્યાવરણને બચાવવા માટે આગળ વધવાનો સમય છે. ટ્રુડોએ કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જને લઈને ટ્રમ્પની જે વિચારધારા છે તે કેનેડા માટે જ નહીં પણ આખી દુનિયા માટે ખતરનાક છે. ટ્રુડોના નિવેદન પાછળનુ કારણ ટ્રમ્પનો રાષ્ટ્રપતિ તરીકેનો અગાઉનો કાર્યકાળ છે. આ દરમિયાન 2019માં ટ્રમ્પે પેરિસમાં થયેલા ક્લાઈમેટ ચેન્જ કરારમાંથી બહાર નીકળી જવાનુ એલાન કર્યુ હતુ અને ટ્રમ્પે કહ્યુ હતુ કે, ક્લાઈમેટ ચેન્જની આખી થીયરી જ બોગસ છે અને તેને ચીન દ્વારા વહેતી કરવામાં આવી છે. ક્લાઈમેટ ચેન્જ માટે થયેલા કરારની શરતોને ટ્રમ્પે અમેરિકાના હિતની વિરુધ્ધ ગણાવી હતી.

બિહારમાં કંસની સરકાર': 9 મહિના બાદ જેલમાંથી બહાર આવતા YouTuber મનીષ કશ્યપનું નિવેદન

પટના હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ બિહારના YouTuber મનીષ કશ્યપને મુક્ત કરી દેવામાં આવ્યો છે. મનીષને બિહારની બેઉર જેલમાં રાખવામાં આવ્યો હતો. 9 મહિના બાદ મનીષને જેલમાંથી મુક્તિ મળી છે. મનીષને પહેલા તમિલનાડુ લઈ જવાના હતા પરંતુ પટના સિવિલ કોર્ટના નિર્ણય બાદ બિહારમાં જ રાખવામાં આવ્યો. મનીષ કશ્યપે પટનાની બેઉર જેલમાંથી નીકળતા જ બિહાર સરકાર પર નિશાન સાધ્યુ છે. મનીષ કશ્યપે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, બિહારમાં કંસની સરકાર ચાલી રહી છે. મનીષે પોતાની ગાડીની આગળ ભારે ભીડ જોઈને કહ્યું કે, અહીં તમામને સુરક્ષા મળી જાય છે પરંતુ અમારા માટે રોડ ખાલી કરાવી દો. મનીષે પોતાની આગળ ચાલી રહેલા લોકોને કહ્યું કે, આગળ વધવા દો નહીંતર આ લોકો મારા પર ફરી કોઈ કેસ કરી દેશે.

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન ચૂંટણી પરિણામ 

ગુજરાત રાજ્યના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રમુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે. ગઈકાલે ગુજરાત રાજયના તમામ 272 બાર એસોસીએશનની ચૂંટણીઓ ભારે રસાકસી અને ઉત્સાહપૂણ વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન થઈ હતી. આજે આ પરિણામ જાહેર થયુ હતું જેમાં મુખ પદે બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટની જીત થઈ છે.  જ્યારે જોઈન્ટ સેકેટરી પદે ભાવિક પંડયા અને ખજાનચી તરીકે દર્શન દવે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાં ખુશી વ્યક્ત કરી હતી અને તમામ ઉમેદવારોએ જીતની ભવ્ય ઉજવણી પણ કરી હતી.

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા MLA ગેનીબેન અને શક્તિસિંહ રાજ્ય સરકાર પર ભડક્યા

ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી તે નિંદનિય છે. કોઇપણ માણસ ક્રાઈમ કરશે, કોઈને નુકસાન કરશે, દારુ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો છે.


સુરતમાં BRTS બસે 8 વાહનોને લીધા અડફેટે, 2ના મોતની આશંકા, કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર, હિંદ મહાસાગરમાં ઈઝરાયલી જહાજ પર ડ્રોનથી હુમલો 2 - image


Google NewsGoogle News