બોટાદમાં ચાર લોકોએ ટ્રેન સામે કુદીને કર્યો આપઘાત!, મહારાષ્ટ્રમાં જંગલમાં રેવ પાર્ટી કરતા 100 યુવકોને પોલીસે દબોચ્યા, કેડિલાના CMD સામે દુષ્કર્મની ફરિયાદ
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
બોટાદમાં બે મહિલા અને બે પુરૂષના ટ્રેન અડફેટે આવી જતાં મોત, આપઘાત કર્યાની આશંકા
બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશન નજીક 4 લોકોના ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બે પુરુષ અને બે મહિલાના મોત થયા છે. આ ચારેય લોકોએ આપઘાત કર્યાની ચર્ચા છે. નિગાળા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેનની અડફેટે ચાર લોકોના મોત થતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. આ ઘટના અંગે રેલવે પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ મૃતકોની માહિતી મેળવવામાં આવી રહી છે. ચારેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.
જંગલમાં ખુલ્લેઆમ ડ્રગ અને દારૂપાર્ટી કરતા 100 યુવકો ઝડપાયા
મહારાષ્ટ્રના થાણે પોલીસે એક જગંલમાં દરોડા પાડીને રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અને દારૂ સાથે જંગલમાં ખુલ્લેઆમ ચાલી રહેલી પાર્ટીમાં 100 યુવકોને ઝડપી પડાયા છે. પોલીસે આ માહિતી રવિવારે આપી છે. થાણે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, ઘોડબંદર રોડ પર કાસારવડવલી ગામની પાસે મૈંગ્રોવના જંગલામાં રેવ પાર્ટી ચાલી રહી છે. રાત્રે અંદાજિત બે વાગ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસની ટીમે પાર્ટી પર દરોડા પાડ્યા. ત્યાં ડીજેના તાલે અને બ્લૂ લાઈટિંગ વચ્ચે અનેક યુવક અને યુવતીઓ નાચગાન કરી રહ્યા હતા. એક તરફ દારૂ પિરસાઈ રહ્યો હતો, તો બીજી તરફ કેટલાક યુવાનો પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા નજરે પડી રહ્યા હતા.
પોલીસે મોડું કર્યા વિના જ આ પાર્ટી પર દરોડા પાડી દીધા. પોલીસને જોતા જ પાર્ટીમાં અફરા-તફરી મચી ગઈ. યુવક-યુવતીઓ આમતેમ ભાગવા લાગ્યા. જંગલમાં કોઈ ઝાડ, તો કોઈ ઝાડીઓ પાછળ છૂપાવા લાગ્યા. પરંતુ પોલીસે કોઈને ન છોડ્યા. એક-એક કરીને 100થી વધુ યુવક-યુવતીઓની ત્યાંથી ધરપકડ કરાઈ. આ પાર્ટીનું આયોજન કરનારા બે યુવકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ઉંમર 19 અને બીજાની ઉંમર 23 વર્ષ છે. બંને કલાવા અને ડોંબિવલીના રહેવાસી છે. પોલીસે અહીંથી 29 ટુવ્હીલર વાહનો પણ જપ્ત કર્યા છે. પોલીસના અનુસાર, પાર્ટી સ્થળેથી 0.41 ગ્રામ એલએસડી, 70 ગ્રામ ચરસ, ગાંજાની સાથે ચિલમ, દારૂ, બીયર જેવા નશીલા પદાર્થ પણ જપ્ત કર્યા છે.
કેડિલાના CMD સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
અંતે અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હવે હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મણિપુરમાં પહાડોની પાછળ છુપાઈને આતંકીઓએ રોકેટ લોન્ચરથી કર્યો હુમલો, 4 કમાન્ડોને ઈજા
મણિપુરના સરહદી શહેર મોરેમાં ઉગ્રવાદીઓએ શનિવારે (30 ડિસેમ્બર)ની રાત્રે મણિપુર પોલીસ કમાન્ડો પર તેમના બેરેકમાં હુમલો કરી દીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલામાં ચાર કમાન્ડો ઈજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન હુમલામાં સામેલ ઉગ્રવાદીઓએ Rocket Propelled Grenade પણ છોડ્યા. જેમાં પોલીસ બેરેક જર્જરિત થયું જેને લઈને ચાર કમાન્ડોને સામાન્ય ઈજા થઈ છે. મહત્વનું છે કે, જ્યાં હુમલો થયો છે તે જગ્યાએ 4 ડિસેમ્બરના રોજ 13 લોકો માર્યા ગયા હતા. આ હુમલા અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, બપોરની ઘટના બાદ સ્થિતિ નિયંત્રણમાં હતી. પરંતુ અડધી રાત્રે ઉગ્રવાદીઓએ બેરેકની અંદર ઉંઘી રહેલા કમાન્ડો પર હુમલો કરવા માટે RPG ફાયરિંગ કર્યું અને ભારે ફાયરિંગ કર્યું. જેમાં ચાર જેટલા જવાનોને ઈજા પહોંચી છે. વિસ્ફોટકોના વિસ્ફોટના કારણે તેમાંથી એકના કાનને નુકસાન થયું છે.
સરકારે 16માં નાણાપંચનું કર્યું એલાન, અરવિંદ પનગઢિયા હશે અધ્યક્ષ
કેન્દ્ર સરકારે 16માં નાણાપંચની રચના કરી દીધી છે. નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાને નાણાપંચના અધ્યક્ષ બનાવાયા છે. આ સિવાય ઋત્વિક રંજનમ પાંડેને આયોગના સચિવ બનાવાયા છે. આયોગના અન્ય સભ્યોના નામ બાદમાં જાહેર કરાશે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશનના હિસાબથી આયોગના સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર, 2025 સુધી અથવા રિપોર્ટ રજૂ કરવાની તારીખ સુધી હશે.
સૌથી પહેલા આ દેશમાં થયું ન્યૂ યર 2024નું ગ્રાન્ડ વેલકમ
દુનિયામાં ન્યૂ યરની શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા વર્ષ 2024નું સ્વાગત્ થઈ ચૂક્યું છે અને ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો અડધી રાત્રે પોતાના ઘરની બહાર નીકળી અને ન્યૂ યરની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રેસ્ટોરન્ટ, પબ, ડિસ્કો અને જાહેર જગ્યાઓ પર પાર્ટીઓ કરીને જશ્ન મનાવી રહ્યા છે. ઑકલેન્ડના સ્કાય ટાવરથી રંગીન આતશબાજી કરવામાં આવી રહી છે. દુનિયામાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની સત્તાવાળા ટોંગા નામના આઈલેન્ડ પર આવે છે.
31 ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદમાં કોરોનાના 60 એક્ટિવ કેસ
દેશમાં કોરોના વાયરસ અને તેના સબ વેરિયન્ટ JN.1ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદમાં કોરોનાના નવા 21 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. જેમાં 15 પુરૂષ અને 6 મહિલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 21 દર્દીઓમાંથી 8 દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદ શહેરના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરામાં નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 60 પર પહોંચી ચૂકી છે. આમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
જમ્મુ-કાશ્મીરના 'તહરીક-એ-હુર્રિયત' સંગઠન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ) સંગઠન બાદ હવે કેન્દ્ર સરકારે તહરીક-એક-હુર્રિયત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, આતંકવાદી ગતિવિધિઓના કારણે આ સંગઠન પર UAPA હેઠળ પ્રતિબંધ લગાવાયો છે.
દેશમાં 227 દિવસ પછી કોરોનાના આવ્યા સૌથી વધુ કેસ, શું નવા વર્ષમાં વધુ એક લહેરની આશંકા?
દેશમાં કોરોના સંક્રમણના રોજિંદા કેસ હવે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારવા લાગ્યા છે. છેલ્લા 10 દિવસના આંકડા પર નજર કરીએ તો જાણ થાય છે કે દરરોજના સરેરાશ 500-600 નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા પણ ડરામણાં હતા. માહિતી અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા હતા. આ આંકડો છેલ્લાં 227 દિવસો પછી સર્વોચ્ચ હતો. તેની સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 4309 પર પહોંચી ગઇ છે. અગાઉ 19મેના રોજ સૌથી વધુ 865 કેસ નોંધાયા હતા.
PM મોદીએ 108મી વખત કરી 'મન કી બાત'
વડાપ્રધાન મોદીએ વર્ષ 2023માં અંતિમ વખત મન કી બાત કાર્યક્રમને સંબોધ્યો. આ તેમનો 108મો કાર્યક્રમ હતો. જેમાં તેમણે લોકોને વૉકલ ફોર લૉકલનું આહ્વાન કર્યું હતું અને સાથે સાથે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલી મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે યુદ્ધમાં અત્યાર સુધી ગાઝાના લગભગ 70 ટકા ઘર-ઈમારતો નષ્ટ થઇ ચૂકી છે. આ દાવો સેટેલાઈટ તસવીરો અને અન્ય રિમોટ સેન્સિંગ રીતના વિશ્લેષણના હવાલાથી કરાયો છે. માહિતી અનુસાર તસવીરોના વિશ્લેષણથી જાણ થઇ કે નષ્ટ થયેલી ઈમારતોમાં લોકોના મકાન, ફેક્ટરીઓ, મસ્જિદ, સ્કૂલ, શોપિંગ મોલ અને હોટેલ સામેલ છે. જ્યારે ગાઝાની 36 હોસ્પિટલોમાંથી હવે ફક્ત 8 જ હોસ્પિટલો બાકી રહી ગઈ છે જે દર્દીને સ્વીકારવાની હાલતમાં છે. બાકી હોસ્પિટલોમાં પાણી, વીજળી અને કમ્યુનિકેશન સહિતની પાયાની વ્યવસ્થા પણ પડી ભાંગી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી ગયું છે. રશિયાના તાજેતરના હવાઈ હુમલાના જવાબમાં યુક્રેની સૈન્યએ શનિવારે રશિયન શહેર બેલગોરોડમાં ભારે બોમ્બમારો કરી અફરાતફરી મચાવી દીધી હતી. આ હુમલામાં 2 બાળકો સહિત 20 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. રશિયાના અધિકારીઓનું કહેવું છે કે બેલગોરોડમાં ક્લસ્ટર બોમ્બ વડે તાબડતોબ હુમલા કરાયા હતા. યુક્રેનના હુમલામાં રશિયાના 111 લોકોના ઘાયલ થયાની માહિતી મળી રહી છે.
ઈન્ડોનેશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ, સુનામીની ચેતવણી નહીં
ઈન્ડોનેશિયામાં ભૂકંપના ભીષણ આંચકા અનુભવાયા હતા. હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 મપાઈ હતી. આ આંચકા પાપુઆ વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં હેન્ડ ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ગંભીર રીતે દાઝી ગયેલા 6 લોકોનાં મોત
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે 6 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આગની ઘટના એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. અગાઉ આ ફેક્ટરીની આગમાં પાંચ લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી
ઇમરાન ચૂંટણી નહીં લડી શકે, ચૂંટણી પંચે ઉમેદવારીપત્ર રદ કર્યા
વર્ષ 2024માં પાકિસ્તાનમાં સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે પૂર્વે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મોટો ઝાટકો લાગ્યો છે. ઇમરાન ખાન બે બેઠકો પર ઉમેદવારી કરવા જઇ રહ્યા છે, જોકે આ નિર્ણયને પાક.ના ચૂંટણી પંચે નકારી દીધો છે. ઇમરાન ખાને લાહોર અને મીઆનવાલી એમ બે બેઠકો પર ઉમેદવારીપત્ર ભર્યા હતા. જોકે પાકિસ્તાનના ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે આ ઉમેદવારીપત્રોને નકારી દીધા છે. તોશખાના કેસમાં ઇમરાન ખાનને દોષી ઠેરવવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ દ્વારા ઇમરાન ખાનની ઉમેદવારી સામે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઇમરાન ખાનને દોષી ઠેરવવાના આદેશને હાઇકોર્ટે સસ્પેન્ડ કરી દીધો છે. જોકે તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને હજુ પલટાવવામાં નથી આવ્યો.