ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે સત્તાવાર નિયમો જાહેર, મધ્યપ્રદેશમાં વિભાગોની થઈ વહેંચણી, વિનેશ ફોગાટે પરત કર્યો પોતાનો અર્જુન એવોર્ડ
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
મધ્યપ્રદેશમાં વિભાગોની થઈ વહેંચણી
મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારમાં વિભાગોની વહેંચણી થઈ ચૂકી છે. મુખ્યમંત્રી, બંને નાયબ મુખ્યમંત્રી અને 28 મંત્રીઓને તેમના વિભાગ સોંપી દેવાયા છે. આ એલાન મુખ્યમંત્રી મોહન યાદવની શુક્રવારે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ થયું છે. આ બેઠકમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી પર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી મોહન યાદવે પોતાની પાસે સામાન્ય વહીવટ, ગૃહ, જેલ, ઔદ્યોગિક નીતિ અને રોકાણ પ્રોત્સાહન, જનસંપર્ક, નર્મદા ખીણ વિકાસ, ઉડ્ડયન, ખનિજ સંસાધન, જાહેર સેવા વ્યવસ્થાપન, પ્રવાસી ભારતીય વિભાગના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ સિવાય એવા તમામ વિભાગો જે અન્ય કોઈ મંત્રીને સોંપવામાં આવ્યા નથી, તે પણ મુખ્યમંત્રી પાસે રહેશે.
- નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરા: નાણા, વાણિજ્યિક કર, યોજના આર્થિક અને આંકડા વિભાગ.
- નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા: જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ.
- કુંવર વિજય શાહ: આદિજાતિ બાબતો, જાહેર સંપત્તિ વ્યવસ્થાપન, ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન વિભાગ.
- કૈલાશ વિજયવર્ગીને શહેરી વિકાસ અને આવાસ મંત્રી બનાવાયા
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ ગૃહ વિભાગે જાહેર કર્યા નિયમો
ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવાની મંજૂરી અપાઈ છે. ત્યારે આ મંજૂર મળતા જ વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમો જાહેર કરાયા છે.
મેડલ પરત કરવા PMO જઈ રહેલી વિનેશ ફોગાટને પોલીસે રોકી, તો કર્તવ્ય પથ પર જ મૂકી દીધો અર્જુન એવોર્ડ
બજરંગ પુનિયા બાદ આજે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ પોતાનો અર્જુન એવોર્ડ પરત કરી દીધો છે. જ્યારે તે સન્માન પરત કરવા જઈ રહી હતી, આ દરમિયાન તેમને પોલીસે કર્તવ્ય પથ પર રોકી લીધી. જોકે, વિનેશે પોતાનો અર્જુન એવોર્ડ પુરસ્કાર કર્તવ્યપથ બેરિકેડ્સ પર મૂકી દીધો. આ અગાઉ બજરંગ પુનિયા સાથે પણ આવું જ બન્યું હતું અને તેમણે પણ રોડ પર પોતાનો પદ્મશ્રી એવોર્ડ મૂકી દીધો હતો.
રાજસ્થાનમાં થયું મંત્રીમંડળનું વિસ્તરણ, ભજનલાલ શર્મા સરકારમાં 17 મંત્રીએ લીધા શપથ
રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું. ભજનલાલ શર્માના નેતૃત્વવાળી સરકારમાં 17 મંત્રી શપથ લઈ ચૂક્યા છે. જેમાં 12 કેબિનેટ અને 5 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) છે. લાંબા સમયથી મંત્રીમંડળ વિસ્તરણની રાહ જઈ રહ્યા હતા. પરંતુ આજે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ભજનલાલ સરકારમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગજેન્દ્ર સિંહ ખીંવસર, ડૉ. કિરોડી લાલ મીણા, મદન દિલાવર, જોગારામ પટેલ, બાબૂલાલ ખરાડી, સુરેશ સિંહ રાવત, અવિનાશ ગેહલોત, જોરારામ કુમાવત, હેમંત મીણા અને કનૈયાલાલ ચૌધરીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. જ્યારે સંજય શર્મા, ગૌતમ કુમાર, ઝબ્બર સિંહ ખર્રા, સુરેન્દ્ર પાલ સિંહ ટીટી, હીરાલાલ નગર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવાયો છે.
ISRO બનાવશે ન્યુક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ
ISRO હવે પરમાણુ ઈંધણ (Nucelar Powered Rocket) થી સંચાલિત થતાં રોકેટ પર કામ કરી રહ્યું છે. આ રોકેટની શરૂઆતની ડિજાઈન પણ તૈયાર થઇ ચૂકી છે. જો આગામી અમુક વર્ષોમાં આ ન્યૂક્લિયર એન્જિનથી ચાલતું રોકેટ તૈયાર થઇ જશે તો ભારત લાંબા અંતરે આવેલા કોઈપણ ગ્રહ સુધી ઓછામાં ઓછા સમયમાં પોતાનું સ્પેસક્રાફ્ટ પહોંચાડી શકશે.
ભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે? એ એક મોટો સવાલ છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (ACTREC) એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સીરપ (ઓરલ સસ્પેન્શન) તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. કીમોથેરેપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યૂરિન કે પછી 6-MP) નું નામ પ્રીવેલ (PREVALL) રખાયું છે. ACTRECના ડૉક્ટરોએ બેંગ્લુરુની IDRS લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે. ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબલેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે.
PM મોદી અયોધ્યામાં, દેશને મળી નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન કરશે. તેની સાથે 15700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે. આ દરમિયાન તેમણે રિનોવેટ કરાયેલા અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે જ દેશના જુદા જુદા સ્ટેશનોથી સંચાલિત થનાર 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી.
ગાઝામાં હવે મધ્યક્ષેત્રમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. અહીં અલ બુરેજ, નુસીરત અને મેઘાજીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસના લડાકૂઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ગાઝાના ઉત્તર અને દક્ષિણના વિસ્તાર બાદ ઈઝરાયલી સૈન્ય હવે મધ્ય ક્ષેત્રને નિયંત્રણમાં લેવા વ્યાકૂળ બની છે. તેણે કાર્યવાહી શરૂ કરતાં હવાઈ હુમલા વધારી દીધા છે. મેઘાજીના શરણાર્થી કેમ્પ રાફાહમાં શરણાર્થીઓના વસવાટ બાદ ગુરુવારે રાતે ખાન યુનિસમાં અનેક મકાનોને નિશાન બનાવાયા હતા જેમાં ઘણાં પરિવારો સૂઇ રહ્યા હતા. જેના લીધે અનેક બાળકો અને મહિલા-પુરુષો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઈઝરાયલના ગોળીબાર અને બોમ્બમારામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. તે બધાને મિલાવીને શુક્રવારે કુલ 187 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે ગાઝામાં હવે મૃત્યુઆંક 21507ને વટાવી ગયો છે. જોકે ઘાયલોની સંખ્યા 56000ને વટાવી ગઈ છે.
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર ધુમ્મસે જાણે કબજો કરી લીધો હોય તેમ જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. યુપીમાં પણ કોલ્ડવેવની ચેતવણી ઉચ્ચારમાં આવી છે. અત્યાર સુધીના અહેવાલ અનુસાર વંદે ભારત સહિત 150થી વધુ ટ્રેનો 20 કલાક કરતાં પણ વધુ સમય સુધી મોડી ચાલી રહી છે અને અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ્સ કરવાની ફરજ પડી હતી.
ખાલિસ્તાન સમર્થકો પર ભારતનો જોરદાર પ્રહાર! BKE લીડર લખબીર સિંહ લાંડા આતંકી જાહેર
બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને (Lakhbir Singh landa) ભારત સરકારે આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત સરકારે આ નિર્ણય ગેરકાનૂની પ્રવૃત્તિઓ કાયદા હેઠળ લીધો છે. લાંડા પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાશી છે. તે હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી છે.
અમેરિકાના ઉત્તર-પશ્ચિમ મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના, 6 લોકોના ઘટનાસ્થળે મોત, 26 ઘવાયા
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે ઉત્તર-પશ્ચિમી મેક્સિકોમાં ગોળીબરની ઘટના બની હતી જેમાં 6 લોકો માર્યા ગયા હતા. જ્યારે 26 અન્ય ઘવાયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સોનોરા રાજ્યના એટોર્નીના કાર્યાલયે કહ્યું કે શરૂઆતની તપાસમાં જાણ થઈ કે આ હુમલો એક ગુનાઈત સમૂહના નેતા પર કરાયો હતો જેના પર હત્યાના પ્રયાસ સહિત અનેક મામલે ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે બંદૂકધારીઓનો મેક્સિકોમાં સામાજિક સમારોહને નિશાન બનાવવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જ્યં 2006થી નશીલી દવાઓ સંબંધિત હિંસામાં 420000થી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.