સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે ખુશખબર, ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષા અને વર્ગ 3ની ભરતી અંગે મોટા સમાચાર, દેશમાં કોરોનાના 797 કેસ અને 5 દર્દીના મોત
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
આ છે અયોધ્યા ધામનું મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન થશે. ત્યારે હવે આ એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરી દેવાયું છે. બે દિવસથી ચર્ચા હતી કે, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ બાબતે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ ફેસબુક પર એરપોર્ટની તસવીરો શેર કરતા લખ્યું છે કે, આવતીકાલે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન થશે. તે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારતના સાંસ્કૃતિક સિદ્ધાંતો સાથે જોડે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે ખુશખબર, વ્યાજદરોમાં કરાયો વધારો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે યોજનાના વ્યાજ દરોને 8 ટકાથી વધારીને 8.2 ટકા કરી દેવાયા છે. આ સિવાય 3 વર્ષની મર્યાદા વાળા ડિપોઝિટ પર વ્યાજને 7 ટકાથી વધારીને 7.1 ટકા કરી દેવાયું છે. પરંતુ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કરાયો. ખાસ કરીને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFના રોકાણકારોને ફરી નિરાશા સાપડી છે.
ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા અંગે મોટા સમાચાર
રાજ્યમાં વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ માટે 15 દિવસમાં ભરતીની જાહેરાત થશે તેવું હસમુખ પટેલે એલાન કર્યું છે. ત્યારબાદ રાજ્યમાં પરીક્ષાને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.
કોરોનાથી વધુ 5 મોત, 225 દિવસ બાદ નોંધાયા રેકોર્ડ 797 કેસ
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ JN.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજી તરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 797 નવા કેસો નોંધાયા છે, જે 225 દિવસ બાદ સૌથી વધુ છે. અગાઉ 19 મેએ દેશમાં કોરોનાના 865 કેસ નોંધાયા હતા. હાલ સક્રિય કેસોની સંખ્યા 4091 છે. મંત્રાલય દ્વારા આજે સવારે 8 કલાકે અપાયેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં વધુ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1 મોત નિપજ્યું છે.
રાઘવ ચઢ્ઢા નહીં બની શકે રાજ્યસભામાં AAPના નેતા
રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના નેતા નિયુક્ત કરવાના પાર્ટીની અપીલને શુક્રવારે ફગાવી દીધી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખતા કહ્યું કે, આ અસ્વીકાર કરવામાં આવે છે. જોકે, આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રાઘવ ચઢ્ઢાને નેતા નિયુક્ત કરવાની અપીલ કરી હતી.
ગુજરાતમાં વર્ગ 3 માટે 15 દિવસમાં 5 હજારની ભરતી જાહેર થશે
ગુજરાતમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી 15 દિવસમાં વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે. આ અંગે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ વર્ગ 3ની ભરતી માટે રાજ્ય સરકારે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.
જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહનું રાજીનામું
જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) ના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા થઇ રહી હતી. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ જેડીયુની કમાન સંભાળશે. લલન સિંહે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પોતાનું રાજીનામું આપ્યું હતું.
Binance સહિત 9 ક્રિપ્ટો એક્સચેન્જ સામે ભારત સરકાર લાલઘુમ, ફટકારી નોટીસ, બ્લોક થઈ શકે છે URL!
ભારતીય નાણા મંત્રાલય (Ministry of Finance) એ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર Binance સહિત 9 ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને શૉ કોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત IT મિનિસ્ટ્રીને પણ કહ્યું છે કે સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએસ (URL) બ્લોક કરી દેવામાં આવે. કુલ 9 ક્રિપ્ટો એક્સચેન્જને આ નોટિસ મોકલવામાં આવી છે જેમાં Binance, Kucoin, Huobi, Kraken, Gate.io, Bittrex, Bitstamp, MEXC Global અને Bitfinex નો સમાવેશ થાય છે.
ગુજરાતના ભૂગર્ભજળ અંગે ચિંતાજનક અહેવાલ
ગુજરાતમાં ભૂગર્ભજળમાં ફલોરાઇડ,આર્સેનિક, સીસુ, આર્યન, નાઇટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે જેના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. આ તરફ, ગુજરાતમાં આડેધડ રીતે બોરવેલથી ભૂગર્ભજળ ઉલેચાઇ રહ્યુ છે ત્યારે કોઇ જોનાર નથી. આ ઉપરાંત ફલોરાઇડ, આર્સેનિક સહિત અન્ય માનવ સ્વાસ્થયને ગંભીર નુકશાન કરે એવા તત્વો મૌજુદ હોવાથી ભૂગર્ભજળ જોખમી બન્યુ છે તેમ છતાંય ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભજળ પીવાના પાણી તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ સરકાર ભલે દાવો કરે છેકે, ઘર ઘર સુધી પીવાનું પાણી પહોચ્યુ છે. પણ હકીકત એછેકે, છેવાડાના ગામના લોકો ભૂગર્ભજળનો ઉપયોગ કરવા મજબૂર છે.
પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુની રાજકારણની પીચ પર એન્ટ્રી, CM જગન મોહન રેડ્ડીની પાર્ટી જોડાયા
ભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ (Ambati Rayudu) રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી (Jagan Reddy)ની પાર્ટી YSRમાં જોડાઈ ગયા છે.
chatGPT પર કન્ટેન્ટ ચોરીનો આરોપ, OpenAI-માઈક્રોસોફ્ટ સામે કેસ દાખલ, જાણો કોણે મૂક્યો આરોપ
અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડેલ chatGPT બનાવનાર કંપની openAI અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના AI ચેટબોટ મોડેલને વિકસાવ્યું છે.
કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને 1163 કરોડની કરી કમાણી
ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત પ્રથમ દેશ બન્યો હતો. આ સમગ્ર મિશનનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયા થયો હતો. જો કે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને કોરોડની કમાણી કરી લીધી છે. કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી છે. સરકારે ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે રૂપિયા 1,163 કરોડની કમાણી કરી છે જ્યારે આ વર્ષે સરકારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ રૂપિયા 557 કરોડની કમાણી કરી છે. આ રીતે સરકારે માત્ર ભંગાર વેચીને 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
CISFના પ્રથમ મહિલા DG બન્યાં નીના સિંહ, નીરવ મોદીના કેસમાં કર્યા હતા અનેક ખુલાસા, જાણો તેમના વિશે
પહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓમાં મહત્વના પદો પર રહી ચૂકેલા નીના સિંહને હવે CISFના નવા ડાયરેક્ટર જનરલ (DG) બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી નીના સિંહે પણ નીરવ મોદી કૌભાંડની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે નોબેલ વિજેતાઓ સાથે પુસ્તકો પણ લખ્યા છે.
કોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૈને (Maine) રાજ્યમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. મૈનેના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યના પ્રાયમરી બેલેટથી અયોગ્ય જાહેર કરી દીધા છે. મૈને એ બીજું રાજ્ય છે જેણે 6 જાન્યુઆરી, 2021 ના રોજ અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મૈનેના સેક્રેટરી ઓફ સ્ટેટ શેનાઈ બેલોસે આ મામલે કહ્યું કે 2024માં રિપબ્લિકન પાર્ટી વતી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મુખ્ય ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં છેતરપિંડી મામલે જુઠ્ઠાં દાવા ફેલાવીને વિદ્રોહ ભડકાવ્યો અને પછી પોતાના સમર્થકોને સાંસદો વોટ પ્રમાણિત કરવાથી રોકવા માટે અમેરિકી કેપિટલ પર કૂચ કરવા આગ્રહ કર્યો. ટ્રમ્પ પર આ કાર્યવાહી અમેરિકી બંધારણની વિદ્રોહ કલમ હેઠળ કરાઇ છે.
યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત ફરી પેલેસ્ટાઈનની વહારે, શરણાર્થીઓની મદદ માટે આપ્યા ફરી 20 કરોડ
ગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટિની નાગરિકોની મદદ માટે 25 લાખ ડૉલર (આશરે 20 કરોડ) રૂપિયા આપ્યા છે. આ ભારત વતી અપાતી 50 લાખ ડૉલરની વાર્ષિક મદદની અડધી રકમ છે. ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટિની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપે છે. પેલેસ્ટિની શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર 1950થી કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તેના માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો પોતાની ઇચ્છાથી સહયોગની રકમ આપે છે. અગાઉ નવેમ્બરમાં ભારત સરકારે સહાયતાની રકમ 25 લાખ ડૉલરનો પહેલો હપ્તો ચૂકવ્યો હતો.
કોરોનાના પાપે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાવાની ભીતિ
કોરોના વાયરસના પાપે વિશ્વમાં જાણે કે હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાઈ હોય તેટલી હદે હૃદય બંધ પડી જવાના કિસ્સા વધી શકે છે તેવી ચેતવણી જાપાનના વિજ્ઞાાનીઓએ આપી છે. જાપાનની સંશોધન સંસ્થા રિકેનનના વિજ્ઞાાનીઓએ આપેલી ચેતવણી અનુસાર કોવિડના એક પછી એક નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. ભવિષ્યમાં એવી કેટલીય બીમારીઓ જોવા મળશે કે હાલની બીમારીઓ એવાં કેટલાંય સ્વરુપે જોવા મળશે જેની આપણે હાલ કલ્પના કરી શકતા નથી. તેમણે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરના કિસ્સા એક મહામારીના પ્રમાણ જેટલા વધી શકે છે.