પેટ્રોલ-ડિઝલના ભાવ રૂ.6થી 10 ઘટાડવાની વિચારણા । રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાથી રૂ.50,000 કરોડનો વેપાર થશે । ગુજરાતના આ વિસ્તારોમાં દારૂની મંજૂરીના સંકેત
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
પેટ્રોલ-ડિઝલના ભાવ 6થી 10 રૂપિયા ઘટવાની સંભાવના
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાની ટુંક સમયમાં જાહેર કરી શકે છે. પેટ્રોલ અને ડિઝલમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો થવાની વિચારણા શરૂ કરાઈ છે. પેટ્રોલિયમ મંત્રાલય અને નાણાં મંત્રાલય કિંમતોને લઈ ચર્ચા કરી રહી છે. ઉપરાંત ઓઈલ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.
દેશમાં કોરોનાના વધુ 700 કેસ, 6ના મોત
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1ના અત્યાર સુધીમાં 157 કેસો નોંધાયા છે. સૌથી વધુ કેરળ અને ગુજરાતમાં કેસો નોંધાયા છે. કેરળમાં 78, ગુજરાતમાં 34, ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 અને દિલ્હીમાં 1 કેસ સામે આવ્યો છે. જ્યારે દેશમાં ગુરુવારે કોરોનાના 700થી વુ કેસ સામે આવ્યા છે. આજે વધુ 6ના મોત નિપજ્યા છે.
અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાથી રૂ.50,000 કરોડનો બિઝનેસ થશે
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. પ્રાણપ્રતિષ્ઠાની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ ઐતિહાસિક શરૂઆતની સાથે જ અયોધ્યાવાસીઓને કમાણીના અવસરની તકો શરૂ થશે. તો ઘણી મહિલાઓ પણ સરળતાથી રોજગાર મેળવી શકશે. ઉપરાંત દેશભરને પણ રામના આગમનથી ફાયદો થશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ દેશ પર લક્ષ્મીનો વરસાદ શરૂ થઈ જશે. આ કાર્યક્રમના કારણે જાન્યુઆરીમાં 50 હજાર કરોડથી વધુનો ફાયદો થવાનો અંદાજ છે.
ગુજરાતના આ વિસ્તારોમાં દારૂની મંજૂરીના સંકેત
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. આ વિવાદો વચ્ચે ગઈ કાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,‘કચ્છના ધોરડો, ડાંગના સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર-વિમર્શ થઈ રહ્યો છે.’ આ નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
કતારની જેલમાં બંધ 8 ભારતીયોના મૃત્યુદંડ પર સ્ટે
કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓની મોતની સજા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
જાપાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.3 હોવાની વિગતો સામે આવી છે. જાપાનના કુરિલ ટાપુઓમાં આંચકો અનુભવાયો છે. હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. મીડિયા અહેવાલો મુજબ છેલ્લા 3 દિવસમાં આજે ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે. 26 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે જાપાનના ઇઝુ ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો. બીજા દિવસે 27 ડિસેમ્બરે જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે ત્રીજા દિવસે કુરિલ ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ગુજરાત હાઈકોર્ટનો રાજ્યની તમામ કોર્ટોને નિર્દેશ, કોર્ટના કામકાજ અંગે સર્ક્યુલર બહાર પાડ્યો
ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલર બહાર પાડી મહત્વનો નિર્ણય લીધો છે. સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ કોર્ટના કામકાજના કલાકોનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. કોર્ટના કામકાજના દિવસોમાં હાઈકોર્ટની મુલાકાત ન લેવા પણ નિર્દેશ અપાયો છે. ઉપરાંત ન્યાયીક અધિકારીઓ કામના કલાકો દરમિયાન હાઈકોર્ટ પરિસરની મુલાકાત ન લે, મહાનુભાવોને ભેટ અર્પણ ન કરવા કે ભેટ ન સ્વિકારવાની સૂચના અપાઈ છે. નિર્દેશોનું પાલન ન કરનાર અધિકારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. કામકાજના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ કરાયો છે. કોર્ટના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના અપાઈ છે.
દેશમાં ઠંડી સાથે કોરોનાના કેસ પણ વધ્યા
દેશમાં ફરી ધીમા પગલે કોરોનાનો પગપેસારો શરુ થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં 692 કેસ નોંધાતા એક્ટિવ કેસ 4 હજારથી થઈ ગયા છે જ્યારે સબ વેરિયન્ટ JN.1ના અત્યાર સુધી 109 કેસ મળી આવ્યા છે. દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ છે જ્યારે કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક મૃત્યુ થયા છે.
ઉમેદવારો સામે GETCO સત્તાધીશો ઝૂક્યા
ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી. જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આમ છતા જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જોકે ઉમેદવારોના રોષ સામે સત્તાધીશોને ઝૂકવુ પડયુ છે. જેટકો દ્વારા પોલ ટેસ્ટ તો યથાવત રખાયો છે પણ 7 જાન્યુઆરીએ લેવાનારી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે.
લાઈબેરિયામાં અકસ્માત બાદ પ્રચંડ વિસ્ફોટમાં 40નાં મોત
પશ્ચિમ આફ્રિકાના લાઇબેરિયા (liberia)માં એક મોટી દુર્ઘટના બની છે જેમાં ટ્રક સાથે અથડાયા બાદ એક ઓઈલ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થતા 40 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
માનવ તસ્કરી મામલે ફ્રાન્સમાં ફસાયેલા વધુ 25 મુસાફરો મુંબઈ રવાના
ફ્રાન્સમાં માનવ તસ્કરીના આરોપમાં ફસાયેલા 303 લોકોમાંથી 276 યાત્રીઓને લઈને એક ફ્લાઈટ મુંબઈ આવી પહોંચ્યા બાદ ફ્રાન્સે ત્યાં જ રોકાયેલા વધુ 25 ભારતીયો સાથેની ફ્લાઈટ મુંબઈ રવાના કરી દીધી છે. આ તમામ ફ્રાન્સમાં આશ્રય મેળવવાના ઉદ્દેશ્યથી ત્યાં રોકાઈ ગયા હતા.
INDIA ગઠબંધનમાં સામેલ થવા બસપાની મોટી શરત
દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાનાર છે અને તેને લઈને વિપક્ષી ગઠબંધન સતત પોતાના સમૂહને વધારવાના પ્રયાસમાં છે ત્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થવાને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના નજીકના ગણાતા એક નેતાએ ગઠબંધનમાં સામેલ થવા અંગે એક શરત રાખી છે. અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલૂક નાગરે કહ્યું હતું કે જો ગઠબંધન I.N.D.I.A ખરેખર ભાજપને હરાવવા માંગે છે તો માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવા જોઇએ અને જો આમ નહીં કરવામાં આવે તો મોદીને હરાવવા શક્ય નથી.
જાણીતા અભિનેતા અને DMDK પ્રમુખ વિજયકાંતનું કોરોનાથી નિધન
અભિનેતામાંથી રાજનેતા બનેલા DMDKના ચીફ વિજયકાંતનું નિધન થયું છે. તેમની પાર્ટીના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટરમ પર રાખવામાં આવ્યા હતા.
રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ઉગ્ર બનશે! US કીવને વર્ષની છેલ્લી સહાયરૂપે 250 મિલિયન ડૉલરની કરશે મદદ
અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે ચાલુ વર્ષે સહાયના છેલ્લાં પેકેજ તરીકે યુક્રેનને 250 મિલિયન ડૉલરના હથિયારો અને અન્ય ઉપકરણો પૂરાં પાડશે. અમેરિકી પ્રમુખ જો બાયડેને કોંગ્રેસને યુક્રેનને 61 બિલિયન ડૉલરની સહાય પૂરી પાડવા કહ્યું છે, પરંતુ રિપબ્લિકન અમેરિકા-મેક્સિકો સરહદ પર સુરક્ષા કડક કરવા ડેમોક્રેટ્સ સાથે કરાર કર્યા વિના સહાયને મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યા છે.
ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેસમાં કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં બે લોકોની ધરપકડ કરી શકે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં બે લોકોની ધરપકડ કરી શકે છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ બે વ્યક્તિઓ હત્યામાં સામેલ હોઈ શકે છે. કેનેડાથી આવેલા અહેવાલો અનુસાર બંને શકમંદો પોલીસ દેખરેખ હેઠળ છે અને થોડા અઠવાડિયામાં તેની ધરપકડ થાય તેવી અપેક્ષા છે. એક અહેવાલમાં ત્રણ અનામી સ્ત્રોતોને ટાંકીને જણાવાયું હતું કે નિજ્જરની હત્યા પછી શંકાસ્પદ હત્યારાઓ ક્યારેય કેનેડા ગયા ન હતા અને મહિનાઓ સુધી પોલીસની દેખરેખ હેઠળ રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે આરોપ ઘડવામાં આવશે ત્યારે પોલીસ કથિત હત્યારાઓની સંડોવણી અને ભારત સરકારની સંડોવણી અંગે સ્પષ્ટતા કરશે.
મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માતમાં 13 મુસાફરોના મોત
ગુનાથી આરોન જતી સિકરવાર બસમાં બુધવારે રાતે આશરે 08:30 વાગ્યે એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી છે.
યુદ્ધની તૈયારી ? પાકિસ્તાને ભારતીય સરહદ પાસે એરફીલ્ડ બનાવ્યા, ચાઈનીઝ તોપો તૈનાત
પાકિસ્તાને ભારતીય સરહદથી લગભગ 20 કિલોમીટર દૂર નવું એરફીલ્ડ બનાવ્યું છે, જ્યાં ચાઈનીઝ H-15SP હૉવિત્ઝર તોપો પણ તૈનાત કરાઈ છે. આ એરફીલ્ડ લાહોર પાસે બનાવાયું છે. પાકિસ્તાન એરફિલ્ડનો ઉપયોગ ફ્લાઈટ માટે કરશે કે પછી મિલિટ્રી માટે, તેની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પાકિસ્તાની અધિકારીઓ અને સેનાના લોકોએ પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એરફીલ્ડ ટ્રેનિંગ સ્કુલ માટે બનાવાઈ છે અને તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરશે. એવી પણ માનવામાં આવી રહ્યું છે કે, આ એરફીલ્ડનો હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય વિમાનો માટે ઉપયોગ કરાશે. જોકે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ એરફિલ્ડનો ઉપયોગ ચીન અને તુર્કેઈથી મંગાવાયેલા ડ્રોન માટે કરવામાં આવશે. ઉપરાંત આ એરફીલ્ડ ભારતીય સરહદથી 20 કિલોમીટર દૂર છે, તેથી ત્યાંથી UAV લોન્ચ કરવાનું સરળ રહેશે.