અયોધ્યા જંક્શન હવે 'અયોધ્યા ધામ' જંક્શન તરીકે ઓળખાશે, ફ્રોડ લોન એપ્સ અને સટ્ટાબાજી એપની જાહેરાત હટાવવા સરકારનો આદેશ, સેન્સેક્સ પહેલીવાર 72,000ને પાર થઈ બંધ
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
અયોધ્યા જંક્શન હવે 'અયોધ્યા ધામ' જંક્શન તરીકે ઓળખાશે, રેલવેએ નામ બદલવાનો આદેશ જાહેર કર્યો
અયોધ્યા જંક્શન હવે અયોધ્યા ધામ જંક્શન તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા પૂર્ણ થઈ છે. રેલવેએ સ્ટેશનનું નામ બદલવા માટે બુધવારે આદેશ જાહેર કર્યા. હવે અયોધ્યા જંક્શન અયોધ્યા ધામ જંક્શનના નામથી ઓળખાશે. ભાજપ સાંસદ લલ્લૂ સિંહે સોશિયલ મીડિયા પર આ અંગે એક ટ્વિટ પણ કર્યું. ગત દિવસોમાં અયોધ્યા જંક્શનનું નિરીક્ષણ કરતા સ્ટેશનનું નામ બદલવાની મુખ્યમંત્રી યોગીએ ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ લલ્લૂ સિંહે વડાપ્રધાન મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે. મહત્વનું છે કે, 30 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે.
એક અઠવાડિયામાં તમામ ફ્રોડ લોન એપ્સ અને સટ્ટાબાજી એપ હટાવવા કેન્દ્ર સરકારનો આદેશ
ઓનલાઈન ફ્રોડના વધતા કેસને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ફ્રોડ લોન એપ્સ અને સટ્ટાબાજી એપ પર મોટા એક્શન લેવાયા છે. આ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. મંગળવારે મંત્રાલયે ગેરકાયદે લોન એપ્સ અને સટ્ટાબાજી એપ્સને રિમૂવ કરવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો રોકવા પર કામ કરી રહ્યા છીએ. કેટલાક પ્લેટફોર્મ્સ પર આ રીતે ફ્રોડ લોન્સ એપ્સની એડ આવે છે. ઇલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મથી ફ્રોડ લોન એપ્સની જાહેરાત હટાવવાની ચેતવણી આપી દીધી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જો જનતાની સાથે કોઈ પ્રકારે છેતરપિંડી થાય છે તો પોતાના પ્લેટફોર્મ પર આ એપ્સની જાહેરાત બતાવનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ તેના માટે જવાબદાર હશે.
કુશ્તી સંઘનું કામ જોશે એડહૉક કમિટી, ભૂપિંદર બાજવાને ઓલમ્પિક એસોસિએશને સોંપી કમાન
ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)એ બુધવાર (27 ડિસેમ્બર)એ મોટો નિર્ણય લીધો છે. IOAએ ત્રણ સભ્યોવાળી એડહૉક કમિટીની રચના કરી છે. કમિટીના ચેરમેન ભૂપિંદર સિંહ બાજવાને બનાવાયા છે. આ સિવાયના સભ્ય એમએમ સૌમ્યા અને મંજુશા કુંવર હશે.
ઓલમ્પિક સંઘે આ નિર્ણય ભારતીય કુશ્તી મહાસંઘ(WFI)ને સસ્પેન્ડ કર્યાના ત્રણ દિવસ બાદ લીધો છે. મહત્વનું છે કે, કેન્દ્રીય રમત મંત્રાલયે રવિવાર (24 ડિસેમ્બર)ના રોજ WFIને સસ્પેન્ડ કરી દીધું હતું. મંત્રાલયે કહ્યું હતું કે, નવનિર્મિત સંસ્થાએ પ્રક્રિયાનું પાલન ન કર્યું અને પહેલવાનોને તૈયારી માટે જરૂરી સમય આપ્યા વગર અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આયોજનની ઉતાવળમાં જાહેરાત કરી દીધી.
શેરબજાર ઐતિહાસિક હાઈ પર થયું બંધ, સેન્સેક્સ પહેલીવાર 72,000ને પાર થયું બંધ
ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ 72,000ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ઉંચાઈ પર પહોંચ્યું. બેંક નિફ્ટી પણ નવા ઉંચાઈને પહોંચવામાં સફળ થઈ છે. આજનો વેપાર પૂર્ણ થયા પર BSE સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 અને NSEનું નિફ્ટી 206 પોઇન્ટના ઉછાળા સાથે 21,647 પોઈન્ટ પર બંધ થયું છે.
મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે બુધવાર (27 ડિસેમ્બર)ના રોજ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ (MKJK-MA) પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ કાર્યવાહી UAPA હેઠળ કરી છે. સંગઠન પર આરોપ છે કે, તેમના સભ્ય જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકવાદી જૂથોનું સમર્થન કરી રહ્યા હતા. આ વાતની માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
કોવિડ-19ના સબ વેરિયન્ટ JN.1ના ગુજરાતમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ N.1 થી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ગઈકાલે સબ વેરિયન્ટના વધુ ચાલીસ કેસો નોંધાતા હતા, આ સાથે જ સમગ્ર દેશમાં નવા વેરિયન્ટના કેસની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા હતા. મોટાભાગના દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નીતિ આયોગના સભ્ય ડૉ વી કે પૉલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સબ વેરિયન્ટની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેમણે રાજ્યોને પરીક્ષણ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્ર કાઢશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીથી પગપાળા ચાલીને જમ્મુ-કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા 150 દિવસ ચાલી હતી અને 3,570 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું ત્યારે હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે. જે મણિપુરથી મુંબઈ સુધી 14 રાજ્યોમાંથી પસાર થઈને 6200 કિલોમીટરનું અંતર કાપશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી યોજાશે.
રાહુલ ગાંધી કુશ્તીબાજોના અખાડામાં પહોંચ્યા
કુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે ઘણા કુશ્તીબાજો સાથે મુલાકાત કરી હતી. છારા કુશ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. અખાડામાંથી રાહુલની તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ કુશ્તીબાજો સાથે બેઠા છે. બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે યૌન શોષણના આરોપી બ્રૃજભૂષણ શરણસિંહ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ
મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર (Saurabh Chandrakar)ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. આ અંગે કેટલાક મીડિયા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દુબઈમાં સૌરભ ચંદ્રાકરને તેમના જ ઠેકાણા પર નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને પોતાના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને છોડવામાં આવશે તો તે ભાગી શકે છે. UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.
આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા
આસામના તેજપુરમાં આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હીમાં ઈઝરાયેલના દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપતા એક એડવાઈઝરી આપવામાં આવી છે. આ એડવાઈઝરીમાં યહૂદી નાગરિકોએ મોલ અને બજારો તેમજ ભીડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે, આ ઉપરાંત લોકોને રેસ્ટોરાં, હોટલ, પબ અને અન્ય સ્થળો સહિત જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ક્યાંક જાય તો તમારી ઓળખ સામાન્ય લોકો સાથે શેર ન કરો અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળો. ઇઝરાયેલ દૂતાવાસના પ્રવક્તાનું કહેવું છે કે દૂતાવાસની નજીક સાંજે લગભગ 5:48 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી 22 લોકોના મોત
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોના કસાઈ-મધ્ય પ્રાંતમાં ગઈકાલે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી મોટો તારાજી સર્જાઈ છે જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. ઘરો, ચર્ચો અને રસ્તાઓ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા. વરસાદ અને પૂરને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. ગવર્નર જ્હોન કાબેયાએ જણાવ્યું હતું કે કાનંગાનો સમુદાય સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે વરસાદ સ્થાનિક સમય અનુસાર સવારે 1 વાગ્યે શરૂ થયો અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.