અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મોત, દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટ પરત કરશે પોતાના એવોર્ડ, RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં...
અમદાવાદમાં કોરોનાથી વૃદ્ધાનું મોત
રાજ્યમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફરી ડરામણો બની રહ્યો છે. અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોનાથી દર્દીનું મોત થયાના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વુદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, વૃદ્ધા એકથી વધુ બીમારીથી પીડિત હતા.
બૃજભૂષણ સિંહના વિરોધમાં વિનેશ ફોગાટ પરત કરશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ
ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ વિરોધ હજુ પણ યથાવત્ છે. હવે રેસલર વિનેશ ફોગાટે પોતાના એવોર્ડ પરત કરવાનું એલાન કર્યું છે. ફોગાટે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું કે, હું પોતાનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. આ પરિસ્થિતિ સુધી પહોંચાડવા માટે ખુબ ખુબ આભાર. આ પત્રને તેમણે સોશિયલ મીડિયા X પર શેર કર્યો છે.
દિલ્હીમાં ઈઝરાયલી એમ્બેસીની પાછળ વિસ્ફોટ થયાનો આવ્યો કોલ
દિલ્હીમાં ઈઝરાયલી એમ્બેસીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. અહીં ઈઝરાયલી એમ્બેસીની પાછળના ખાલી પડેલા પ્લૉટમાં વિસ્ફોટ થયો હોવાનો કોલ આવ્યો હતો. 6 વાગ્યે ફાયર વિભાગને કોલ આવ્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળે સ્પેશિયલ સેલ ટીમ પહોંચી હતી. આસપાસના વિસ્તારને પોલીસે ઘેરી લીધો છે. ફાયર વિભાગ અને પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લેતા એક કલાક સુધી તપાસ કરી હતી. પરંતુ હજુ સુધી કંઈ પણ મળ્યું નથી. જોકે, ઈઝરાયલી એમ્બેસીએ જણાવ્યું છે કે, સાંજે અંદાજિત 5 વાગ્યે ધમાકાનો અવાજ આવ્યો હતો. બીજી તરફ વિસ્ફોટનો કોલ કોણે કર્યો અને શા માટે કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
RBI ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરાઈ છે. RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ તમામ સ્થળે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું. એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરાઈ છે.
હુમલાખોરોને પાતાળમાંથી શોધી લાવીશું : રાજનાથ સિંહની ચેતવણી
શનિવારે ભારત આવી રહેલા માલવાહક જહાજ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર આ હુમલાને ગંભીરતાથી લઈ રહી છે, જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું. મંગળવારે INS Imphalના કમિશનિંગ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આજકાલ દરિયામાં હલચલ કંઈક વધારે થઈ રહી છે. ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતોએ કેટલીક તાકાતોને ઈર્ષ્યા અને દ્વેષથી ભરી દીધી છે. અરબ સાગરમાં હાલમાં થયેલા MV કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા અને કેટલાક દિવસો પહેલા લાલ સાગરમાં MV સાઈ બાબા પર થયેલા હુમલાને ભારત ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. ભારતીય નૌસેનાની દરિયાઈ દેખરેખ વધારી દેવાઈ છે. જેમણે પણ આ હુમલાને અંજામ આપ્યો છે. તેમને અમે દરિયાના પેટાળમાંથી શોધી લાવીશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં ઊછાળો, ગોવા-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી નોંધાયા
દેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજી તરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, જેના કારણે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ચિંતિત બની ગઈ છે. નવા વેરિયન્ટના રોજબરોજ કેસો વધી રહ્યા છે, સોમવારે પણ વધુ 69 કેસો સામે આવ્યા છે. જ્યારે રવિવારે 63 કેસો નોંધાયા હતા. મોટાભાગના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે.
આતંકી હુમલા અંગે ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.
ઉત્તરાખંડમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં 6 મજૂરોના મોત
ઉત્તરાખંડના રુરકીમાં ભયાવહ દુર્ઘટના સર્જાઈ હતી. મંગલૌર પોલીસ સ્ટેશનની હદમાં લહબોલી ગામે સવારે ઈંટના ભઠ્ઠામાં કાંચી ઈંટો શેકવા માટે શ્રમિકો દીવાલ ઊભી કરી રહ્યા હતા. ત્યારે અચાનક દીવાલ પડી જતાં શ્રમિકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 6 લોકો મૃત્યુ પામ્યા જોકે અન્ય 7 શ્રમિકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.
IPL 2024માંથી બહાર થઇ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડીઓ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા તેના ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હકના ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન તરફથી રમવાને બદલે પોતાના અંગત હિતોને પ્રાથમિકતા આપવાના કારણે ત્રણેય ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ( વધુ અહેવાલ માટે Click here)
નેતન્યાહૂએ કેમ જિનપિંગ-પુટિનની મદદ માગવી પડી?
ગાઝામાં ઈઝરાયલી સૈન્ય IDF અને હમાસના આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ (Benjamin netanyahu Controversy) હવે ઘરમાં ઘેરાતા જઈ રહ્યા છે. હમાસની કેદમાં રહેલા બંધકોના પરિજનોએ સંસદમાં જ ભાષણ આપી રહેલા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને અધવચ્ચે અટકાવીને હોબાળો મચાવતા એવો સવાલ કરી લીધો કે તેઓ એક ચુપ થઈ ગયા હતા અને પછી સુરક્ષાદળોએ દરમિયાનગીરી કરવી પડી હતી. નેતન્યાહૂએ કહ્યું કે તેમણે બંધકોને મુક્ત કરાવવા અને હસ્તક્ષેપ કરવા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે સંપર્ક કર્યો છે અને તેમની પત્ની સારાએ પોપને પણ અપીલ કરી છે. નેતન્યાહૂની ચીન અને રશિયા પાસે મદદ માગવાથી ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત મળી રહ્યા છે. ( વધુ અહેવાલ માટે Click here)
પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડશે, ખૈબર પખ્તુનખ્વાંના બુનેરથી ઉમેદવારી નોંધાવી
પાકિસ્તાનમાં પણ આવતા વર્ષે એટલે કે 2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાંના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અહેવાલ મુજબ સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું હતું. હિંદુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવીરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવીરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સભ્ય પણ રહી ચૂક્યા છે. ( વધુ અહેવાલ માટે Click here)
સમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમને સંબોધતા મૌર્યએ કહ્યું હતું કે હિન્દુ ધર્મ કોઈ ધર્મ નહીં પણ એક દગો છે. નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં સ્વામીએ કહ્યું કે જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ તે અમુક લોકો માટે ધંધો છે. જ્યારે આપણે કહીએ છીએ કે આ અમુક લોકો માટે ધંધો છે તો આખા દેશમાં ભૂકંપ આવી જાય છે. ( વધુ અહેવાલ માટે Click here)
ફ્રાન્સમાં ફસાયેલું વિમાન 276 લોકોને લઈને મુંબઈ પહોંચ્યું, માનવ તસ્કરીની હતી આશંકા, 25 ક્યાં ગયા?
માનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે 276 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે એરબસ A340 સવારે 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું. આ વિમાને પેરિસના વેટ્રી એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે ઉડાન ભરી હતી. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિમાને જ્યારે મુંબઈ માટે ટેકઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. જોકે, બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં પણ આ લોકો ફ્રાન્સમાં જ છે. ઉલ્લેખનીય છે કે આ વિમાન અટકાવાયું હતું ત્યારે તેમાં કુલ 303 મુસાફરો હતા જેમની પૂછપરછ અને તપાસ હેતુસર અટકાયત કરાઈ હતી. માનવ તસ્કરીની આશંકા હેઠળ આ ઘટના બની હતી.
ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં IRCGના સિનિયર કમાન્ડર ઠાર, ઈરાને બદલો લેવાના લીધા સોગંદ, યુદ્ધ ભડકશે!
ઈરાનના ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એક સિનિયર કમાન્ડર અને સીરિયા તથા લેબેનોન ઓપરેશનના ઈન્ચાર્જ સૈય્યદ રેઝા મોસાવી (Sayyed Reza Mousavi Killed) સીરિયામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઈરાની સરકારની માલિકી હેઠળના પ્રેસ ટીવીએ મૌસાવીના મૃત્યુની પુષ્ટી કરતાં જણાવ્યું કે મૌસાવી સીરિયામાં એક વરિષ્ઠ સલાહકાર હતા. મૌસાવી કુદ્સ બ્રિગેડના પૂર્વ પ્રમુખ કાસિમ સુલેમાનીના નજીકના સાથી હતા. કાસિમ જાન્યુઆરી 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. ઈરાને મૌસાવીના મોતનો બદલો લેવાના સોગંદ લઈ લીધા છે. પ્રેસ ટીવીને આપેલા એક નિવેદનમાં ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ કહ્યું કે હવે ખરેખર યહૂદીઓની સરકારે આ અપરાધની કિંમત ચૂકવવી પડશે. આ કાર્યવાહી કબજાવાળા યહૂદી શાસનની હતાશા અને અક્ષમતાનું વધુ એક સંકેત છે.
આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ગયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપના આંચકા રાતે 1.10 વાગ્યે 5 કિ.મી.ની ઊંડાઈએ અનુભવાયા હતા.
બેંગ્લુરુમાં 28 ફેબ્રુઆરી સુધીમાં દુકાનોના બોર્ડ કન્નડ ભાષામાં લગાવવાનો આદેશ
મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં હોવાની માગ મનસેના વડા રાજ ઠાકરે સહિતના અનેક લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યાં હતાં. આ દરમિયાન બૃહત બેંગ્લુરુ મહાનગર પાલિકા (બીબીએમપી)ના ચીફ કમિશનર તુષાર ગિરિ નાથે આગામી વર્ષ ફેબ્રુઆરીની અંત સુધી બેંગ્લુરુમાં કોમર્શિયલ સ્ટોર્સના 60 ટકા સાઇનબોર્ડ કન્નડમાં કરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન ન કરવા પર સ્ટોર્સનું ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે.