Get The App

નવા વેરિયન્ટ JN.1થી કર્ણાટકમાં 3ના મોત, રાષ્ટ્રપતિએ 3 નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી, સરકારી ભરતી અંગે મુખ્ય સચિવનું મોટું નિવેદન

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
નવા વેરિયન્ટ JN.1થી કર્ણાટકમાં 3ના મોત, રાષ્ટ્રપતિએ 3 નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી, સરકારી ભરતી અંગે મુખ્ય સચિવનું મોટું નિવેદન 1 - image


ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં... 

કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી કર્ણાટકમાં ત્રણ લોકોના મોત

કોરોના વાયરસ ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. આ વખતે કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 મુશ્કેલી વધારી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસ સતત સામે આવી રહ્યા છે. સોમવારે કર્ણાટકમાં જ્યારે 34 કેસ નોંધાયા છે, તો ત્રણ દર્દીઓના મોત પણ થયા છે. બીજી તરફ કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે. કારણ કે, કેરળમાં એક જ દિવસમાં 115 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો કર્ણાટકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના અનુસાર, રાજ્યમાં JN.1 વેરિયન્ટના કુલ 34 કેસ નોંધાયા છે. જેમાંથી 20 કેસ બેંગલુરુમાં, ચાર કેસ મૈસૂરમાં, ત્રણ કેસ માંડ્યામાં અને એક-એક કેસ રામનગર, બેંગલુરુ ગ્રામ્ય, કોડાગુ અને ચામરાજા નગરામાં કેસ નોંધાયા છે. નવા JN.1 વેરિયન્ટને લઈને ત્રણ દર્દીઓના મોત પણ થયા છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બિલને આપી મંજૂરી

સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય બિલ હવે કાયદો બની જશે. હવે ભારતીય દંડ સંહિતા (IPC) હવે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) હવે ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) સંહિતા બનશે.

જમ્મૂ-કાશ્મીરઃ પુંછમાં ત્રણ નાગરિકોના મોત મામલે સેનાએ બ્રિગેડિયર કમાન્ડર પર લીધા એક્શન

જમ્મૂ-કાશ્મીરના પુંછમાં થયેલા ત્રણ નાગરિકોના મોત મામલે સેનાના બ્રિગેડિયર લેવલના એક અધિકારી પર તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ તેના પર એક્શન લેતા તેમને અટેચ કરી દેવાયા છે. ભારતીય સેનાના સૂત્રોના અનુસાર, 13 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને અટેચ કરાયા છે. સાથે જ અટેચ કરાયેલા અધિકારીના વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થવાની ઘટનાઓની પણ તપાસ કરવામાં આવશે.

સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ : મુખ્ય સચિવ

રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા મુદ્દે મુખ્ય સચિવ રાજકુમારે મોટું નિવેદન આપ્યું છે. સુશાસન દિવસે તેમણે જણાવ્યું છે કે, સરકારી કચેરીઓમાં 40થી 60 ટકા કર્મચારીઓની ઘટ છે. વિવિધ વિભાગોમાં સ્ટાફની ઘટ છે. આવતા વર્ષ સુધીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા શરુ કરીશું. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા માટે સરકાર પ્રયત્નશીલ છે. ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો પ્રયોગ સફળ રહ્યો. ઓનલાઈન પરીક્ષાથી પારદર્શિતા વધી છે. ભરતીમાં ગેરરીતિ કરનારા સામે કડક કાયદો લાવ્યા છીએ.


MPમાં મંત્રીમંડળનું થયું વિસ્તરણ, કુલ 28 ધારાસભ્ય બન્યા મંત્રી

મધ્યપ્રદેશમાં ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પર જ જીતી શકી. ત્યારબાદ ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં કુલ 28 ધારાસભ્યને મંત્રી બનાવાયા છે.  28માંથી 12 OBC કોટાથી મંત્રી બન્યા છે. આ 28 મંત્રીઓમાંથી 18 કેબિનેટ મંત્રી છે. કૈલાશ વિજયવર્ગીય, પ્રદ્યુમ્ન સિંહ તોમર, પ્રહ્લાદ સિંહ પટેલ અને વિશ્વાસ સારંગને કેબિનેટમાં જગ્યા મળી છે.

સુરતમાં પાંચ અને રાજકોટમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત!

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં વધારો થયો છે. ત્યારે એકજ દિવસમાં સુરતના પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. પાડેસરમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે મસ્તી કરતા અચાનક ઢળી પડ્યો હતો. આ પાંચેયના મોત થયા હતા, જે તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ત્રણ લોકોના હૃદય બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જામનગરથી પતિની આંખનું ઓપરેશન કરાવવા આવેલા વૃદ્ધા, ખાનગી કોલેજની બસના ડ્રાઈવર અને પ્રોઢાનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમાં નંબરે

ભારતમાં 24 ડિસેમ્બરે કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને 3742 થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 54 એક્ટિવ કેસ છે. જે દેશમાં પાંચમાં ક્રમે છે. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા.આ નવા કોરોનાના કેસ સાથે અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા છે. જોકે, ત્રણ લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેરળમાં 128 એક્ટિવ કેસ છે. ત્યારબાદ કર્ણાટકમાં 271, તમિલનાડુમાં 123, મહારાષ્ટ્રમાં 103, ઓડિસામાં 55 અને ગુજરાતમાં 54 એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે. હાલ દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ-ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર અલર્ટ મોડ પર છે.

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.

ક્રિસમસના દિવસે જ ઈઝરાયલની ગાઝા પર એર સ્ટ્રાઈક

આજે સમગ્ર વિશ્વ ક્રિસમસનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયલે ક્રિસમસના દિવસે ગાઝા પર મોટી એર સ્ટ્રાઈક કરી હતી. ઈઝરાયલે ક્રિસમસની પૂર્વ સંધ્યાથી લઈને આજે સવાર સુધી ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 70 લોકોના મોત થઈ ગયા હતા.

ફરી ઉછળ્યો મિમિક્રી વિવાદ 

તૃણૂમલ સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું. આ વખતે તેમાં તૃણમૂલ નેતાએ ધનખડની સાથે જ પીએમ મોદીની પણ મિમિક્રી કરી હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મેં તો સંસદની બહાર મિમિક્રી કરી હતી પણ પીએમ મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી હતી. તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સામે આરોપ મૂકતાં કહ્યું કે તેમણે એક સામાન્ય વાત પર દેશથી લઈને વિદેશ સુધી રડી નાખ્યું. આ સાથે ટીએમસી નેતા બેનર્જીએ ધનખડની તુલના સ્કૂલના નાના બાળકો સાથે કરી હતી. 

ફ્રાન્સે ભારતીયો સહિતના 303 મુસાફરોથી ભરેલા વિમાનને ઉડાન ભરવા આપી લીલીઝંડી 

માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવાયેલા લિજેન્ડ એરલાઈન્સના વિમાનને આખરે ત્રણ દિવસ બાદ ઉડાન ભરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વિમાનમાં કુલ 303 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના હતા.


તેલંગાણાના CMની મોટી જાહેરાત  

તેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. 10 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી છે.  રેવંત રેડ્ડીએ રાજ્યમાં કાર્યરત શ્રમિકો માટે પણ 5 લાખ રૂપિયાની આકસ્મિક નીતિ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

શું રામમંદિરના નિર્માણ પહેલાં કપિલ સિબ્બલ ખરેખર આત્મદાહ કરશે?

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારબાદ મંદિરને ભક્તો માટે ખોલવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કપિલ સિબ્બલે રામ મંદિરના નિર્માણ પહેલા આત્મહત્યા કરવાની વાત કરી હતી. જેના પર કપિલ સિબ્બલે પોતે પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને આ પોસ્ટને ફેક ગણાવી હતી. વાયરલ પોસ્ટને ફરીથી શેર કરતી વખતે કપિલ સિબ્બલે તેને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે આ પોસ્ટ પણ ફેક છે. આ પહેલા અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે આ ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આ બતાવે છે કે આપણા દેશમાં રાજકીય ચર્ચાનું સ્તર કેટલું નીચે ગયું છે.

ક્યૂએસ સસ્ટેનેબિલિટી રેન્કિંગમાં DU દેશમાં ટોચના ક્રમે 

દિલ્હી યુનિવર્સિટી (DU) એ તાજેતરમાં જાહેર કરાયેલા ક્યૂએસ સસ્ટેનિબિલિટી રેન્કિંગમાં વિશ્વભરમાં 22મું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ડીયુએ દેશની તમામ IITને પાછળ કરી દીધી છે. ગત બે વર્ષોમાં યુનિવર્સિટીએ રિસર્ચ ક્ષેત્ર, ગુડ ગવર્નેન્સ અને જ્ઞાનની આપ-લે માટે અભૂતપૂર્વ પગલાં ભર્યા હતા.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વકર્યું, બોમ્બમારા-ગોળીબારમાં 6 યુક્રેનીઓના મોત, અનેક ઈમારતોને નુકસાન

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલ મળ્યાં છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોર્લિવકામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ઈઝરાયલે યુદ્ધ બાદ પ્રથમવાર ગાઝા પટ્ટીમાં 2 દિવસમાં ગુમાવ્યા સૌથી વધુ સૈનિકો

ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા (Gaza) પટ્ટીમાં ભારે ખુંવારી સર્જાઈ છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, શુક્રવારે અને શનિવારે સંઘર્ષમાં 13 ઈઝરાયેલી સૈનિકોના મોત થયા છે. ઓક્ટોબરના અંતે ઈઝરાયલે જમીન પર હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયલી સૈનિકોના મોતનો આ સૌથી વધુ આંકડો છે અને એવા પણ સંકેત છે કે, યુદ્ધને લાંબો સમય વિતવા છતાં હમાસ હજુ સુધી યુદ્ધ લડી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે જમીન પર હુમલા શરૂ થયા બાદ ઈઝરાયલના કુલ 152 સૈનિકોના મોત થયા છે.

મુંબઈ ઈન્ડિયન્સની ચિંતા દૂર થઈ! હાર્દિક પંડ્યાની ઈજા અંગે આવ્યું મોટું અપડેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ 10 ફ્રેન્ચાઇઝીએ જોરદાર રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજા થઈ ગયા અને સંપૂર્ણપણે ફિટ છે.


Google NewsGoogle News