Get The App

હવે ભારતીય ઓલિમ્પિક સંઘ WFIને ચલાવશે, 24 કલાકમાં એડહોક કમિટી બનાવાશે, દેશમાં 656 નવા કોરોનાના કેસ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
હવે ભારતીય ઓલિમ્પિક સંઘ WFIને ચલાવશે, 24 કલાકમાં એડહોક કમિટી બનાવાશે, દેશમાં 656 નવા કોરોનાના કેસ 1 - image


ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં... 

મોટો નિર્ણયઃ હવે ભારતીય ઓલિમ્પિક સંઘ WFIને ચલાવશે

કુશ્તી સંઘ ચલાવવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ 24 કલાકમાં એડહૉક કમિટી બનાવશે. આ એક ત્રણ સભ્યોની કમિટી હશે, જેમાં એક મહિલા પણ સામેલ હશે. આ કમિટીને બનાવવાનું એલાન એવા સમયે થયું છે, જ્યારે રમત મંત્રાલયે રવિવારે ભારતીય કુશ્તી મહાસંઘની માન્યતા રદ્દ કરી દીધી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 656 નવા કેસ, એક દર્દીનું મોત

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં આજે કોરોના વાયરસના 656 નવા કેસ નોંધાયા છે. હાલ કુલ 3742 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. મહત્વનું છે કે, ગઈકાલે (23 ડિસેમ્બર) કોરોનાના 752 કેસ નોંધાયા હતા. જે 21 મે 2023 બાદના સૌથી વધુ કેસ હતા. 

વટામણ ચોકડી પર બેકાબૂ ટ્રેલર પલટી ખાઇ જતા નીચે દબાઈ જવાથી બે વ્યકિતનાં મોત

ધોળકા તાલુકામાં વટામણ ચોકડી ખાતે બેકાબુ ટ્રેલર પલટી જતા સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં ધોળકાના વટામણ અને ભોળાદ ગામના બે વ્યકિતનાં ટ્રેલર નીચે દબાઈ જવાથી મોત થયા છે. જ્યારે 5થી 7 લોકો ટ્રેલરની અડફેટે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બગોદરા તરફથી પુરપાટ આવતું એક ટ્રેલર વટામણ સર્કલ પાસે જ પલટી મારી જતાં રોડ લારી- ગલ્લાવાળાઓ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. આ બનાવની જાણ 108ને થતા એમ્બ્યુલન્સો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

ઈસ્લામાબાદમાં બલૂચોના ઉગ્ર દેખાવ, 1600 કિ.મી. સુધી રેલી યોજી પાકિસ્તાનની રાજધાનીનો કર્યો ઘેરાવ

ભારત અને પાકિસ્તાનનું વિભાજન વર્ષ 1947માં થયું હતું. જો કે તે સમયે બલૂચિસ્તાન એક અલગ દેશ બનાવવાની રાહ પર હતો પરંતુ પાકિસ્તાની સેનાના ઈરાદા કઈક બીજા જ હતા. તેઓએ બલૂચિસ્તાન પર હુમલો કરીને કબજો કરી લીધો. ત્યારબાદથી જ બલૂચિસ્તાન પોતાના અધિકારો માટે અને અલગ દેશ માટે પાકિસ્તાન સામે દેખાવો કરી રહ્યું છે. હાલના કેટલાક દિવસોમાં બલૂચિસ્તાનીઓએ પાકિસ્તાની શાસકો વિરુદ્ધ પોતાના વિરોધને વધુ ઉગ્ર બનાવી દીધો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ 23 વર્ષના બલૂચ યુવકની હત્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાની સુરક્ષા દળોએ મોલા બક્ષની હત્યા કરી નાખી હતી. 20 નવેમ્બરે તેની અટકાયત કરવામાં આવી હતી અને 23 નવેમ્બરના રોજ શૂટઆઉટમાં મારી નાખવામાં આવ્યો હતો. ત્યારથી બલૂચ લોકો સતત પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બલૂચ લોકોએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઘેરાબંધી કરવાનું શરૂ કરી દીધુ છે. આ દરમિયાન તેમણે બલૂચિસ્તાનથી ઈસ્લામાબાદ સુધી 1600 કિમી લાંબી રેલી કાઢી અને રાજધાનીનો ઘેરાવ કરવાનું શરૂ કરી દીધુ છે. 

ખેલ મંત્રાલયની મોટી કાર્યવાહી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની કાર્યકારિણી સસ્પેન્ડ કરી 

ખેલ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(WFI)ની નવી કાર્યકારિણીને જ ભંગ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ અધ્યક્ષ બનતાં જ વિવાદ થઈ ગયો હતો અને અનેક ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ અંડર 15 જૂનિયર ચેમ્પિયનશિપ યોજવાના સંજય સિંહના નિર્ણય સામે પણ વિવાદ થતાં આખરે ખેલ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી હતી. તેણે ભારતીય કુશ્તી સંઘને જ સસ્પેન્ડ કરી દીધું. સંજય સિંહનું અધ્યક્ષ પદ પણ છીનવાઈ ગયું છે. 

આગામી બજેટમાં શ્રમ કાયદો લાવવાની જાહેરાત કરશેે સરકાર?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે આ મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ ગણાશે. આ બજેટમાં સરકાર શ્રમ કાયદો લાવવા અંગે જાહેરાત કરવાની તૈયારી કરતી હોવાની ચર્ચા છે. સરકાર લાંબા સમયથી સમગ્ર દેશમાં શ્રમ કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહી છે પરંતુ હજુ સુધી તેનો અમલ કરી શકી નથી. દેશમાં શ્રમ કાયદો લાગુ થવાથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટો ફાયદો થશે. તેમની પેઇડ લીવ અને લીવ એન્કેશમેન્ટ સંબંધિત નિયમો બદલાઈ શકે છે. 

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ પહેલાં વિરાટ કોહલીની વાપસી 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થવાની છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફર્યો હતો. પરંતુ હવે અહેવાલો મુજબ કોહલી ભારતીય ટીમ સાથે ફરી જોડાઈ ગયો છે. મીડિયા અહેવાલો મુજબ BCCIને કોહલીના જવાની પહેલાથી જ જાણ હતી. જો કે ટીમ માટે સારી વાત એ છે કે તે વાપસી કરી ચૂક્યો છે. કોહલી સેન્ચુરિયન(Virat Kohli Joins Team India)માં યોજાનારી મેચમાં ભાગ લેશે.

મણિપુરમાં હિંસા ભડકાવવાના કાવતરાંનું ભાંડાફોડ, સર્ચ ઓપરેશનમાં વિસ્ફોટક અને હથિયારોનો ભંડાર પકડાયો 

આસામ રાઈફલ્સે મણિપુર પોલીસની સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન મોટી હિંસાના કાવતરાંનું ભાંડાફોડ કર્યું. નોની જિલ્લાના કોબુરુ રિજમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં કોરાનાના વધુ 12 નવા કેસ, એક્ટિવ કેસ 44

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને હવે 44 થઈ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ રાજ્યમાં કોરોનાના પાંચ કેસ હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ 287 સાથે મોખરે, કર્ણાટક 175 સાથે બીજા, તામિલનાડુ 117 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 68 સાથે ચોથા જ્યારે ઓડિશા 54 સાથે પાંચમાં ક્રમે છે.

જમ્મુ-કાશ્મીરમાં મસ્જિદ પર આતંકી હુમલો, અઝાન આપી રહેલાં પૂર્વ SSPનો લીધો જીવ   

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ નાપાક હરકત કરતાં બારામુલ્લાના ગેંટમુલ્લા, શીરી ખાતે એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેઓ મસ્જિદમાં જ્યારે અઝાન આપી રહ્યા હતા તે સમયે જ આ કૃત્ય કરાયું હતું અને તેમને ગોળી ધરબી દેવામાં આવી. આ દરમિયાન ઘાયલ થયા હતા જે બાદમાં સારવાર વખતે મૃત્યુ પામી ગયા. 

અમેરિકામાં વધુ એક ગોળીબારની ઘટના, ફ્લોરિડામાં અજાણ્યા શખ્સે મોલમાં કર્યું ફાયરિંગ, એકનું મોત

અમેરિકામાં અવારનવાર ગોળીબારની ઘટનાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગોળીબારની ઘટના ફ્લોરિડામાં બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી, સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યો શખ્સ ગોળીબાર કરીને ફરાર થયો હતો.

કોરોનાની ખતરનાક સાઈડ ઈફેક્ટ, 15 વર્ષની છોકરીએ પોતાનો અવાજ ગુમાવ્યો, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો 

કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 હવે માત્ર ચીન-સિંગાપોરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોને લપેટમાં લઈ રહ્યો છે.  આ નવા વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં ભરડામાં લીધા છે. ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટ JN.1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. પરંતુ આ દરમિયાન, કોરોના સંબંધિત એક નવી રિસર્ચે બધાને ચોંકાવી દીધા હતા. માહિતી અનુસાર આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક કેસમાં 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસને કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે. 

ગુજરાત નજીક ઈઝરાયલી સમુદ્રી જહાજ પર ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો, પેન્ટાગોનનો મોટો દાવો

ભારત આવતા ઈઝરાયલી વ્યાપારિક જહાજ એમ.વી.કેમ પ્લૂટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો. જેના લીધે લાઈબેરિયાના ઝંડા લગાવેલા આ જહાજના એક ભાગમાં આગ લાગી ગઇ હતી. આ સૌની વચ્ચે પેન્ટાગોને મોટો દાવો કર્યો છે કે ઈરાનના ડ્રોન હુમલાને કારણે ભારતની નજીકમાં આ રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવાયું હતું. અમેરિકી સંરક્ષણ વિભાગે કહ્યું કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો હતો જેણે હિન્દ મહાસાગરમાં એક રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવ્યું હતું. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લમાં વેરાવળથી 200 સમુદ્રી માઈલ દૂર (લગભગ 370 કિ.મી.) દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ઈઝરાયલી જહાજ પર ઈરાનથી આવેલા ડ્રોનથી હુમલો કરાયો હતો જેના કારણે આગ લાગી ગઈ હતી.

તાઈવાનમાં ભૂકંપનો ડબલ એટેક, 6.3 અને 4.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ

તાઈવાનમાં ફરી એકવાર ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. દક્ષિણ ચીન સાગરમાં આવેલા નાનકડાં ટાપુ તાઈવાનમાં ભૂકંપના બે વખત જોરદાર આંચકા આવ્યા હતા. જેની તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. લોકો વચ્ચે હવે ડરનો માહોલ ફેલાઇ ગયો છે. આ ભૂકંપના આંચકા એટલા ભયાવહ હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અહેવાલ અનુસાર જીએફઝેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે રવિવારે સવારે તાઈવાનમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. ભૂંકપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હોવાની માહિતી મળી રહી છે. જોકે અત્યાર સુધી કોઈ મોટાપાયે જાનહાનિના અહેવાલ આવ્યા નથી. 

વિમાનમાં કબુતરબાજી હેઠળ અમેરિકા જતા પેસેન્જરો પૈકી 96 ગુજરાતીઓ

ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર ફ્યુઅલિંગ માટે લેન્ડ થયેલા વિમાનમાં મુસાફરી કરતા 260 જેટલા ભારતીય મુસાફરોને માનવ તસ્કરી હેઠળ લઇ જતા હોવાની આશંકાને આઘારે કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં 260 મુસાફરો પૈકી 96 મુસાફરો ગુજરાતીઓ છે. જ્યારે અન્ય મુસાફરો, પંજાબ , હરિયાણા સહિતના રાજ્યોના છે. આ તમામ મુસાફરોને દુબઇથી ખાસ ભાડે કરાયેલા વિમાનમાં નિકારાગુઆ એરપોર્ટ પર લઇ જવામાં આવી રહ્યા હતા. જ્યાંથી તેમને  મેક્સિકો લાઇનથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં  મોકલવાના હતા.  જે અત્યાર સુધીમાં કરવામાં આવતી કબુતરબાજીનું આ સૌથી મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News