ગૌણ સેવા પસંદગી મંડળે 188 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, રામ મંદિર પર અપાયેલા ચુકાદા અંગે CJIની મહત્વની ટિપ્પણી, ગેંગસ્ટર ગોલ્ડી બરાડ આતંકવાદી જાહેર

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
ગૌણ સેવા પસંદગી મંડળે 188 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, રામ મંદિર પર અપાયેલા ચુકાદા અંગે CJIની મહત્વની ટિપ્પણી, ગેંગસ્ટર ગોલ્ડી બરાડ આતંકવાદી જાહેર 1 - image


ગુજરાતના રાજકારણના આટાપાટા, પંચાયતોથી લઈને વિધાનસભા સુધીની માહિતી, ગામડાંથી લઈને શહેરોના તાજા પ્રવાહો, લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોના રાજકીય ઘટનાક્રમ, મોંઘવારી અને રોજગારીના પ્રશ્નો, કૌભાંડ અને કૌભાંડીઓના પર્દાફાશ, નેતાઓ અને સરકારી બાબુઓની અંદરની વાત સહિતના આખા દિવસના તમામ મોટા સમાચારો વાંચો, અહીં... 

ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી બહાર પાડી

રાજ્યમાં પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી બહાર પડાઈ છે. આ માટે ઉત્સુક ઉમેદવારો 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.

રામ મંદિર પર અપાયેલા ચુકાદા અંગે CJI ડીવાય ચંદ્રચૂડની મહત્વની ટિપ્પણી

CJI ડીવાય ચંદ્રચૂડે સોમવારે (1 જાન્યુઆરી) રામ મંદિર મામલે અપાયેલા ચુકાદાને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, અયોધ્યા કેસમાં જજોની સર્વસમ્મતિથી નિર્ણય લેવાયો હતો કે ચુકાદો કોણે લખ્યો છે, તેનો ઉલ્લેખ નહીં કરવામાં આવે. ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઈન્ટરવ્યૂમાં CJIએ કહ્યું કે, સંઘર્ષના લાંબા ઈતિહાસ અને વિવિધ દ્રષ્ટિકોણોને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે એક સ્વરમાં ચુકાદો સંભળાવવાનો નિર્ણય લીધો હતો. 9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યાના રામ મંદિર મામલે ચુકાદો સંભળાવાયો હતો. તત્કાલિન CJI રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ (જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ (હવે CJI), જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર)એ સર્વસમ્મતિથી ચુકાદો સંભળાવ્યો હતો.

ગેંગસ્ટર ગોલ્ડી બરાડ આતંકવાદી જાહેર

વિદેશમાં બેસીને ગેંગ ચલાવનારા ગેંગસ્ટર સતીન્દરજીત સિંહ ઉર્ફ ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કરાયો છે. ભારત સરકારે ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 636 નવા કેસ

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા કોરોનાના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે જ હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4394 પર પહોંચ્યા છે. તો 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે 841 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે સાત મહિનામાં સૌથી વધુ કેસ હતા.

જાપાનમાં ભૂકંપ-સુનામીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જાહેર કરાયો ઈમરજન્સી નંબર

જાપાનમાં ભારતીય એમ્બેસીએ સોમવારે (1 જાન્યુઆરી) આવેલા ભયંકર ભૂકંપ બાદ જાપનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે. આ સિવાય એમ્બેસીએ એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, એમ્બેસીએ 1 જાન્યુઆરી 2024એ આવેલા ભૂકંપ અને સુનામી મામલે કોઈનો પણ સંપર્ક કરવા માટે એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કોઈને મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે.

પશ્ચિમ જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. 

ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખી સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

'અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો...', કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ 

ઉ.કોરિયાના (South Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. (વધુ અહેવાલ વાંચવા Click here)   

નવા વર્ષની ઉજવણી શોકમાં ફેરવાઇ, અકસ્માતમાં 6 મિત્રોના એકસાથે મોત 

ઝારખંડના જમશેદપુરથી નવા વર્ષના પહેલા દિવસે જ દુઃખદ સમાચાર આવ્યા છે. અહીં એક ભીષણ અકસ્માતમાં 6 મિત્રો એકસાથે મૃત્યુ પામી ગયા. ન્યૂ યર પાર્ટીમાંથી પાછા ફરતી વખતે તેમની કાર એક ડિવાઈડર સાથે અથડાગા બાદ વૃક્ષમાં ઘૂસી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો જેને સાંભળી લોકોની ભીડ એકઠી થઈ ગઇ હતી. (વધુ અહેવાલ વાંચવા Click here)  

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય તેણે પહેલા જ લઇ લીધો હતો. સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે. (વધુ અહેવાલ વાંચવા Click here)

ISRO એ નવા વર્ષના પ્રથમ દિવસે રચ્યો ઇતિહાસ 

ISRO એ નવા વર્ષમાં પ્રથમ દિવસે જ નવો ઈતિહાસ રચી દીધો. ચંદ્રયાન-3 ની સફળતા અને વર્ષ 2023માં દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ભારત દેશના પ્રથમ XPoSat (X-ray Polarimeter Satellite) મિશન સાથે નવા વર્ષનું સ્વાગત કરી દેવાયું છે. તે આ મિશનને શ્રી હરિકોટા સતીશ ધવન રિસર્ચ સેન્ટરથી લોન્ચ કરાયું હતું. તેની સાથે અન્ય 10 સેટેલાઈટ અને પેલોડ પણ લોન્ચ કરી દેવાયા હતા. (વધુ અહેવાલ વાંચવા Click here)

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઈઝરાયલી યુદ્ધ કેબિનેટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવયું કે બંધકોની મુક્તિ માટે કતાર અને ઈજિપ્તના મધ્યસ્થીઓ સાથે ચર્ચાને આગળ વધારવા માટે આ પગલું ભરાયું છે. સાથે જ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા અપહરણ કરી લેવાયેલા ઈઝરાયલના લગભગ 50 બંધકોની મુક્તિની સંભાવનાઓ વધી ગઈ છે. બીજી બાજુ ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહેલા હજારો સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આઈડીએફએ રવિવારે કહ્યું કે અમે 5 લડાકૂ બ્રિગેડને પરત બોલાવી રહ્યા છીએ જેથી સૈનિકોને આગળની લડાઈ માટે મજબૂત કરી શકાય. 

નવા વર્ષે રાહતના સમાચાર, કોમર્શિયલ LPG ગેસના ભાવમાં 10 દિવસમાં બીજી વખત ઘટાડો

સરકારી ઓઈલ-ગેસ કંપનીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે નાની પણ સારી ભેટ આપી હતી. એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો કરાયો છે. એટલે કે છેલ્લાં 10 દિવસોના ગાળામાં આ બીજી વખત છે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે આ ભાવ ઘટાડો એકદમ સામાન્ય છે. જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે એકથી દોઢ રૂપિયાનો ઘટાડો કરાયો છે. જોકે 14 કિલોવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

ગૌણ સેવા પસંદગી મંડળે 188 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત, રામ મંદિર પર અપાયેલા ચુકાદા અંગે CJIની મહત્વની ટિપ્પણી, ગેંગસ્ટર ગોલ્ડી બરાડ આતંકવાદી જાહેર 2 - image


Google NewsGoogle News