Get The App

કોંગ્રેસમાંથી આવેલા કોર્પોરેટરોને 'પવિત્ર' કરવા ભાજપ નેતાએ ગૌમુત્રનો છંટકાવ કરી અક્કલનું પ્રદર્શન

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસમાંથી આવેલા કોર્પોરેટરોને 'પવિત્ર' કરવા ભાજપ નેતાએ ગૌમુત્રનો છંટકાવ કરી અક્કલનું પ્રદર્શન 1 - image


રાજસ્થાનમાં હવામહલ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું છે. જયપુરના કેટલાક કોર્પરેટરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ કોર્પોરેટરોનું શુદ્ધીકરણ કરવા માટે બાલમુકુંદે એમના પર ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બાલમુકુંદે જયપુર હેરીટેજ નિગમની ઓફિસમાં પણ ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને યજ્ઞા કરાવ્યો હતો. બાલમુકુંદે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરો 'શુદ્ધ' થયા. રાજસ્થાનમાં આ 'શુદ્ધીકરણ'નો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 

સુપ્રિયા ચૂંટણી ચિન્હ માટે ભાઈ અજીતથી હજુ પણ નારાજ

એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, પિતરાઈ ભાઈ અજીત પવાર સાથે એમની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પિતા શરદ પવારે સ્થાપેલા પક્ષનું ચૂંટણી ચિન્હ એમને પાછું નહીં મળે. અજીત પવારે જ્યારે એનસીપી તોડીને પોતાનો અલગ ચોકો બનાવ્યો હતો ત્યારે ચૂંટણી આયોગે અજીત પવારને પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ ઘડિયાળનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી હતી. સુલેએ નવાબ મલ્લિકની પણ ટીકા કરી હતી. ઇડીના કેસમાં ફસાયેલા નવાબ મલ્લિક શરદ પવાર સાથે રહેવાને બદલે જેલમાંથી છૂટવા માટે અજીત પવાર સાથે જોડાઈ ગયા હતા. 

હેમંત સોરેનનો આક્ષેપ, જાતિ - ધર્મને આધારે ભાજપ લોકોને ઉશ્કેરે છે

ઝારખંડમાં થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એક ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આક્રમણ કર્યું હતું. સોરેને કહ્યું હતું કે, ભાજપના નેતાઓ જાતિ - ધર્મના નામે લોકોને ઉશ્કેરી રહ્યા છે. સોરેને એમ પણ કહ્યું કે, એમણે રાજ્યના ૧.૭૭ લાખ ખેડૂતોના ૪૦૦ કરોડના દેવા માફ કર્યા છે. પહેલાની સરકાર ૫૦ હજાર રૂપિયા સુધીના જ દેવા માફ કરતી હતી. જે મર્યાદા વધારીને હવે ૨ લાખની કરવામાં આવી છે. ચૂંટણી નજીક હોવાથી એકાએક ભાજપના કેન્દ્રીય નેતાઓ ઝારખંડમાં દેખાવા માંડયા છે. 

દિલ્હી વિધાનસભામાં મનિષ સિસોદિયાએ ભાજપના કપડા ઉતાર્યા

દિલ્હી વિધાનસભા સત્રના બીજા દિવસે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય મનિષ સિસોદિયાએ ભાજપ પર તિર છોડયા હતા. એમણે કહ્યું હતું કે, ચોરોની આંખમાં આંખ નાખીને હું કહું છું કે, તમને છોડીશ નહીં. ભાજપના તમામ કાવતરા છતાં આજે હું છાતી ફૂલાવીને ઉભો છું કારણ કે મે મારું કામ ઇમાનદારી પૂર્વક કર્યું છે. સિસોદિયાએ એમ પણ કહ્યું કે, વિરોધપક્ષના નેતાઓ અને નિર્દોષ વેપારીઓ સામે સીબીઆઇ તેમ જ ઇડી જેવી એજન્સીઓનો દુરઉપયોગ થઈ રહ્યો છે એ બાબતે દેશ આખો ભાજપથી નારાજ છે. દુનિયા આખીમાં જે કાયદાઓનો માફિયાઓ અને આતંકવાદીઓ સામે ઉપયોગ થાય છે એ કાયદા હેઠળ મારી ધરપકડ કરવામાં આવી હતી. 

આતિશી સાથે મળીને કેજરીવાલ જાતે દિલ્હીના રસ્તાઓ જોવા ફરી રહ્યા છે

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશી મારલેના દિલ્હીના તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા સવારથી રાત સુધી ફરી રહ્યા છે. કેજરીવાલે સોશિયલ મીડિયામાં લખ્યું કે, આજે રોશનારા રોડ પર અમે ગયા. રોશનારા રોડ સંપૂર્ણપણે તૂટેલો છે. ભાજપએ કાવતરા કરીને દિલ્હીના કામો અટકાવી દીધા છે. મે આતિશી સાથે વાત કરી છે કે પીડબ્લ્યુડીને કહીને દિલ્હીના દરેક રસ્તા તાત્કાલીક રીપેર કરાવો. અમારા મંત્રીઓ અને ધારાસભ્યો પણ હવે રસ્તા પર ઉતરશે. હું જેલમાં ગયો એટલે ભાજપના નેતાઓએ જાણી જોઈને દિલ્હીના કામ રોકી દીધા હતા. કેજરીવાલ અને આતિશી જે રીતે જાતે દિલ્હીના રસ્તાઓ પર ફરી રહ્યા છે એના વખાણ દિલ્હીવાસીઓ પણ કરી રહ્યા છે. 

હરિયાણાના કોંગ્રેસી નેતા સુરજેવાલા પણ લાઇન પર આવી ગયા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીની ટિકિટ વહેંચણી વખતે પક્ષથી નારાજ થઈ ગયેલા રણદિપ સુરજેવાલાએ હવે કહ્યું છે કે, જેમને ટિકિટ આપવાની હતી એમને અપાઈ ગઈ છે. મારી સાથે જે હતા એમને કદાચ અન્યાય થયો હોઈ શકે, પરંતુ હવે ચૂંટણી માથા પર છે ત્યારે હું પક્ષ માટે કામમાં લાગી ગયો છું. સુરજેવાલાને એમ પૂછવામાં આવ્યું કે હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવે અને એમને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો તેઓ શું કરશે. આના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે અમે હરિયાણામાં ૭૦ બેઠકો જીતવાના છીએ. ભૂપીન્દ્રસિંહ હુડ્ડા પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ સાંસદ જ હતા. જો મને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે તો હું કંઈ ધૂણીધખાવીને સાધુ નથી બની જવાનો. હાઇકમાન્ડ જે કોઈ નિર્ણય  લેશે એ મને માન્ય છે. 


Google NewsGoogle News