રાજકોટ અગ્નિકાંડ બાદ અંબાજીના કરોડો શ્રદ્ધાળુની સુરક્ષાનો મુદ્દો ઊઠ્યો, ફાયર સેફ્ટીની માગ
Rajkot Game Zone Fire news | રાજકોટ અગ્નિકાંડ બાદ અંબાજીના કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરતાં અંબાજીના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રના પ્રમુખ વિપુલ ગુર્જરે કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ પત્ર દ્વારા તેમણે અંબાજીના દર્શને આવતા કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષાનો ગંભીર મુદ્દો ઊઠાવ્યો હતો.
કલેક્ટર સમક્ષ કઈ માગ કરી?
વિપુલ ગુર્જરે તેમના પત્રમાં માગ કરી હતી કે અંબાજીના દર્શન કરવા માટે દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. જોકે અહીં આવેલી હોટેલો, ધર્મશાળાઓ, રેસ્ટહાઉસ, હોસ્પિટલો તથા દુકાનોમાં ફાયર સેફ્ટીના અભાવે શ્રદ્ધાળુઓ સાથે કોઈ આકસ્મિત ઘટના બનવાનો ડર રહે છે. તેનાથી મોટી સંખ્યામાં જાનહાનિ થવાની પણ ભીતિ રહી છે. એટલા માટે અમે આ મામલે આગોતરાં પગલાં લઈને સરકારને આ દિશામાં ફાયર સેફ્ટીના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ.
રાજકોટ ગેમ ઝોનમાં મોટી જાનહાનિ થઇ...
ઉલ્લેખનીય છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને પગલે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મોટાભાગના લોકોના મૃતદેહો તેમના પરિજનોને ડીએનએ તપાસ બાદ સોંપી દેવામાં આવ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો હાથ ધરી હતી. આ ઘટના બાદથી જ સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ચગવા લાગ્યો છે. કારણ કે આ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની એનઓસી હતી જ નહીં.