કેન્દ્રીય નાણામંત્રી સીતારામણનો ડીપ ફેક વીડિયો બનાવવો પડ્યો ભારે, ગુજરાત પોલીસે નોંધી FIR
Gujarat Police Register FIR Over Deepfake Video : જીએસટી મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના ડીપ ફેક વીડિયો મામલે અમદાવાદ (Ahmedabad)માં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની સ્પીચનો આધાર લઈને ડીપ ફેક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ડીપ ફેક વીડિયો ફેલાવવો ભ્રામક કૃત્ય : ગૃહ રાજ્યમંત્રી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વીડિયો ફેલાવવો, તે ભ્રામક કૃત્ય છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ગુજરાત પોલીસે આ ડીપ ફેક વીડિયો વાયરલ કરનારા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
ગૃહ રાજ્યમંત્રીએ ફરિયાદ દાખલ કરવા આપ્યા આદેશ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યાં બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આ ડીપ ફેક વીડિયો ગઈકાલે 8 જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે, જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે સરકારને જીએસટીથી કેટલી આવક થઇ છે એ ન પૂછો.
X પ્રોફાઈલ મુજબ અમેરિકામાં રહે છે ચિરાગ પટેલ
વીડિયો ક્લિપમાં સીતારમણ મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગુપ્ત માહિતી ટેક્સ કહેતા જોવા મળે છે. ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની X (અગાઉનું ટ્વિટર) પ્રોફાઇલ મુજબ ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે.