ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી ? ગેહલોતે કહ્યા અનેક કારણ, મોદી-કેજરીવાલ પર સાંધ્યું નિશાન
રાજસ્થાનના CM અશોક ગેહલોતે કહ્યું, અમને અરવિંદ કેજરીવાલે ખુબ નુકસાન કરાવ્યું
એક તરફ ભાજપને નાણાં મળે છે, તો કોંગ્રેસને દાન આપનારાઓને ડરાવાય છે : ગેહલોત
જયપુર, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર
રાજસ્થાનના મુખ્યમંત્રીએ અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસની હારને લઈને ઘણા કારણો આપ્યા હતા. તેમણે કોંગ્રેસની હાર પાછળ કેજરીવાલ અને PM મોદી દ્વારા ગુજરાતમાં કરાયેલી સતત સભા-રેલીઓનું કારણ જણાવ્યું હતું. તો તેમણે હાર પાછળ ઈલેક્ટોરલ બોન્ડ પણ બહુ મોટું સ્કેન્ડલ હોવાનું કારણ જણાવ્યું હતું.
પાટલોટ સાથે સંબંધો અંગે ગેહલોતે આપી પ્રતિક્રિયા
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના તીખા સંબંધો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મીડિયા સાથેની વાતચીતમાં અશોક ગેહલોતે કહ્યું કે, રાજકારણમાં એવી ઘટનાઓ-દુર્ઘટનાઓ બનતી રહે છે. સમયની સાથે બધુ ઠીક થઈ જાય છે. તમામ કોંગ્રેસીઓએ વિચારવું જોઈએ કે, અમારી લડાઈ ભાજપ સાથે છે. ભાજપ દેશમાં ફાંસીવાદી સરકાર ચલાવી રહી છે. એવામાં કોંગ્રેસનું મજબુત રહેવું જરૂરી છે.
ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળ AAPની મોટી ભૂમિકા
ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ રીતે થયેલી હાર પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી (AAP)ની મોટી ભૂમિકા છે. આ લોકો જ્યાં જાય છે, ત્યાં ખોટું બોલે છે. અમને અરવિંદ કેજરીવાલે ખુબ નુકસાન કરાવ્યું.
ભાજપે સંસ્થાઓને ખતમ કરી દીધી : ગેહલોત
અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, PM મોદીએ ગુજરાતમાં ત્રણ મહિનામાં તાબડતોબ કરેલો પ્રવાસ પણ ગુજરાતમાં કોંગ્રેસની હારનું એક કારણ છે. તો તેમણે બીજા કારણમાં કોંગ્રેસમાં કેટલીક ખામી હોવાનું કહ્યું છે. ભાજપે સંસ્થાઓને ખતમ કરી દીધી છે. હારનું એક કારણ ફન્ડિંગનું પણ છે. તો ઈલેક્ટોરલ બોન્ડ પણ બહું મોટું સ્કેન્ડલ છે. એક તરફ ભાજપને નાણાં મળે છે, તો કોંગ્રેસને દાન આપનારાઓને ડરાવવામાં આવે છે.
દેશભરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ : ગેહલોત
રાજસ્થાનમાં પોતાની સરકારની પ્રશંસા કરતા અશોક ગેહલોતે કહ્યું કે, અમે રાજસ્થાનમાં જૂની પેન્શન યોજના (OPS) અમે માનવતાના આધારે લાગુ કરી છે. વડાપ્રધાન મોદી જૂની પેન્શન યોજનાને સ્વિકારી રહ્યા નથી. દેશભરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ.