MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 1814 કરોડનો મુદ્દામાલ જપ્ત, ગુજરાત ATS-દિલ્હી NCBની મોટી કાર્યવાહી
Gujarat ATS and NCB Raids: ગુજરાતની એટીએસ અને દિલ્હી એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરતાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ઝડપાઈ હતી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.
1814 કરોડનો મુદ્દામાલ જપ્ત!
ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીના દરોડા દરમિયાન એમડી ડ્રગ્સ બનાવવા માટેના રૉ મટીરિયલ સહિત કુલ 1814 કરોડનો મુદ્દામાલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હાલમાં જ ગુજરાત એટીએસ અને એસીબીએ ભોપાલમાં દરોડા પાડી 1814 કરોડ રૂપિયાનું એમડી અને એમડી બનાવવા વપરાતો માલ-સામાન જપ્ત કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી અને દાણચોરીના ગુનાને દૂર કરવાના પોલીસના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે. તેમના સહયોગથી આપણા સમાજના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહી છે. અમારી લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ચાલો ભારતને સૌથી સુરક્ષિત અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવવાના તેમના મિશનમાંને સમર્થન આપવાનું ચાલુ રાખીએ!'