Get The App

ઈન્ફોસિસને 32 હજાર કરોડની કરચોરી માટે જીએસટીની નોટિસ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ઈન્ફોસિસને 32 હજાર કરોડની કરચોરી માટે જીએસટીની નોટિસ 1 - image


- રિવર્સ ચાર્જ  મિકેનિઝમ હેઠળ મેળવવા પાત્ર કર નથી ભર્યો

- વિદેશની શાખાઓમાં મળેલી સેવાઓના બદલામાં વેરો ચૂકવવાને બદલે શાખાઓ ચલાવવાના ખર્ચ  પેટે દર્શાવી રિફંડ પણ માગ્યું

- જીએટીન પોર્ટલ સંભાળતી ઈન્ફોસિસને જ આઈજીએસટીની નોટિસ

નવી દિલ્હી : ભારતની દ્વિતિય સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને  ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી  ઈન્ટેલિજન્સ દ્વારા ૩૨,૦૦૦ કરોડની કરચોરી માટે નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈન્ફોસિસે ડીજીજીઆઈની આ નોટિસને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેણે કાયદા અનુસાર લાગુ પડતા તમામ વેરા ચૂકવી દીધા છે. 

આ નોટિસમાં જણાવાયું છે કે કંપનીએ તેની વિદેશની શાખાઓ પાસેથી મેળવેલા  સેવાઓના  બદલામાં આ શાખાઓને વિદેશમાં શાખા સંચાલનના ખર્ચ પેટે નાણાં ચૂકવ્યાં હતાં. આથી,  બેંગ્લુરુની મેસર્સ ઈન્ફોસિસ લિમિટેડ  ભારતની બહાર આવેલી શાખાઓ પાસેથી ૨૦૧૭-૧૮થી ( જુલાઈ ૨૦૧૭થી શરુ  કરીને)  ૨૦૨૧-૨૨ દરમિયાન મેળવેલા સપ્લાય પેટે રિવર્સ ચાર્જ મિકેનિઝમ સિસ્ટમ હેઠળ  રુપિયા ૩૨૪૦૬.૪૩ કરોડનો આઈજીએસટી ચૂકવવા બંધાયેલી  છે એમ આ નોટિસમાં જણાવાયું છે. 

આઈજીએસટીમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે એવી સિસ્ટમ છે જેમાં કોઈ વસ્તુ કે સેવાના સપ્લાયરે નહિ પરંતુ આ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરનારે વેરો ચૂકવવાનો હોય છે. 

નોટિસમાં જણાવાયું છે કે ઈન્ફોસિસ દ્વારા આ વિદેશી શાખાઓને ચૂકવાતા પૈસા તેના ભારતમાંથી થતા નિકાસ ઈનવોઈસમાં દર્શાવાતા હતા અને નિકાસની રકમના આધારે રિફંડની પણ ગણતરી કરવામાં આવતી હતી.  આ રિફંડ મેળવવા માટે કંપની દ્વારા પોતાને નિકાસ કાર્યવાહી માટે થતા ખર્ચને દર્શાવાતો હતો અને તેના ટેકામાં આ એક્સપોર્ટ ઈનવોઈસ રજૂ કરવામાં આવતાં હતાં. 

ઈન્ફોસિસ દ્વારા શેરબજારોને અપાયેલી માહિતી અનુસાર તેના દ્વારા તમામ બાકી લ્હેણાં ચૂકવી દેવામાં આવ્યાં છે અને ડીજીજીઆઈ દ્વારા દાવો કરાયો છે તે રીતે ખર્ચાઓ પર કોઈ જીએસટી લાગુ પડતો નથી.  કંપનીએ એક્સચેન્જીસ સમક્ષ ફાઇલિંગમાં કહ્યું છે કે તેના દ્વારા તમામ લાગુ પડતા જીએસટી ચૂકવી દેવામાં આવ્યા છે અને કંપની આ બાબતના કેન્દ્ર તથા રાજ્ય સરકારના તમામ નીતિનિર્દેશોનું પાલન કરી રહી છે. 

નોટિસમાં જણાવાયા અનુસાર ડીજીજીઆઈની બેંગ્લુરુ ઓફિસ દ્વારા એકત્ર કરાયેલી વિગતો અનુસાર કંપનીએ તેની વિદેશની શાખાઓ પાસેથી સેવાઓ મેળવી હતી અને સેવાઓની આયાત કરવા માટે આરસીએમ પેટે ચૂકવવો પડતો ઈન્ટિગ્રેટેડ  ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવ્યો નથી. 

કંપની સામે જે દંડ આકારાયો છે  તેનાં એક વર્ષના નફા અને ત્રણ માસની સમગ્ર આવક જેટલો છે.  તા. ૩૦મી જૂને પૂર્ણ થયેલા ત્રૈમાસિક સમયગાળામાં ઈન્ફોસિસનો નફો ૭.૧ ટકા વધીને ૬૩૬૮ કરોડ રુપિયા થયો હતો. જ્યારે કામગીરીઓમાંથી તેની કોન્સોલિડેટે રેવન્યૂ સમગ્ર વર્ષ માટે ૩. ૬ ટકા વધીને ૩૯૩૧૫ કરોડ રુપિયા થઈ હતી. 

રસપ્રદ બાબત એ છે કે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક પોર્ટલ ( જીએસટીએન) ખુદ ઈન્ફોસિસ દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે.  કરદાતાઓ તેમનાં રિટર્ન તૈયાર કરી શકે, જમા કરાવી શકે, પરોક્ષ વેરો ચૂકવી શકે તથા અન્ય નિયમોની આપૂર્તિ કરી શકે તે માટે આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. 


Google NewsGoogle News