પાણીપુરી વેચનારને 40 લાખ ટેક્સ ચોરીની જીએસટી નોટિસ ફટકારાઈ
- તમિલનાડુના સ્ટોલવાળાની કમાણીએ સૌને ચોંકાવ્યા
- વિભાગની નોટિસમાં ફોન-પે અને રેઝર-પે દ્વારા મળેલા ઓનલાઈન પેમેન્ટ્સની વિગતો આપવામાં આવી છે
નવી દિલ્હી : તમિલનાડુના પાણીપુરી સ્ટોલવાળાની કમાણીએ સૌને ચોંકાવી દીધા છે. તે જીએસટી વિભાગની નોટિસ બાદ ચર્ચામાં આવ્યો છે. તેની પણ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ સાથે જ અમુક ખાણીપીણી સ્ટોલવાળા કેમ ઓનલાઈન પેમેન્ટ નથી સ્વીકારતા તેની માહિતી પણ સામે આવી છે.
રિપોર્ટ મુજબ, ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ તમિલનાડુના પાણીપુરી સ્ટોલના માલિકને જીએસટી વિભાગે નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં પાણીપુરીવાળાને હાજર રહેવાની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફોન-પે અને રેઝર-પે જેવી એપ્લિકેશનોથી મળેલા યુપીઆઈ પેમેન્ટ બાદ નોટિસ ફટકારાઈ છે. તેણે એપ્લિકેશન્સના માધ્યમથી ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં પેમેન્ટ લીધા હતા.
રિપોર્ટમાં તેને ૨૦૨૩-૨૪માં યુપીઆઈ દ્વારા રૂપિયા ૪૦ લાખ મળ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. આ નોટિસ બાદ સોશિયલ મીડિયામાં ઓનલાઈન પેમેન્ટ લેતા લારી-ગલ્લાવાળાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ નોટિસ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ઓનલાઈન પેમેન્ટથી દૂર રહેવા માટે પ્રેરિત કરશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
એક યુઝરે લખ્યું કે, રૂ. ૪૦ લાખ તેની આવક ના પણ હોય. જ્યારે, ઘણા તેની ઓનલાઈન પેમેન્ટ સિવાયની આવક વિશે ચર્ચા કરી રહ્યાં છે. આ પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢમાં રસ્તા પર ભંગાર વેચનારાને રૂપિયા ૬૦ લાખ કમાઈને ટેક્સ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. તેના પર જીએસટી વિભાગે રેડ પણ પાડી હતી.