વીમામાં રાહત નહીં, જૂના વાહનોને લઈને કન્ફ્યુઝન દૂર, પોપકોર્ન થયા મોંઘા: GST અંગે મોટા નિર્ણય
GST Council Meeting: આજે રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેક્સને લઈને મોટા નિર્ણય લીધા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાહેરાતો કરી તથા ટેક્સને લઈને અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ આપી હતી.
પોપકોર્નને લઈને મોટી જાહેરાત
નાણામંત્રીએ કહ્યું હતું, કે હાલ સાદા પોપકોર્ન અને કેરેમલાઇઝ્ડ પોપકોર્ન અમુક રાજ્યોમાં નમકીનના રૂપમાં વેચવામાં આવી રહ્યા છે. કેરેમલાઇઝ્ડ પોપકોર્નમાં ખાંડ હોય છે, તેથી તેના પર અલગ ટેક્સ લાગુ થશે.' પોપકોર્ન પર હવે 5 ટકા, 12 ટકા અને 18 ટકા એમ ત્રણ અલગ અલગ કેટેગરીમાં ટેક્સ લાગશે. સાદા નમકવાળા પોપકોર્ન પર પાંચ ટકા, પેકેજ્ડ પોપકોર્ન પર 12 ટકા તથા કેરેમલવાળા પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.
EVને લઈને કન્ફ્યુઝન દૂર
આજે બેઠક દરમિયાન માહિતી સામે આવી હતી કે હવેથી જૂના વાહનો વેચવા પર 18 ટકા GST લાગશે. જોકે નાણામંત્રી સ્પષ્ટતા સાથે જણાવ્યું છે, કે હાલમાં નવા ઈલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ લાગે છે. પણ જો હવેથી કોઈ કંપની ઈલેક્ટ્રિક, પેટ્રોલ કે ડીઝલ ગાડીઓ વેચશે તો જૂની કાર વિક્રેતાએ માર્જિન મૂલ્ય પર 18 ટકા GST આપવો પડશે. જોકે જો કોઈ સામાન્ય વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને વાહન વેચે છે તો તેને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
ઓનલાઇન ફૂડ ઑર્ડર પર કોઈ રાહત નહીં
Zomato, Swiggy જેવી એપ્સ પર ઓનલાઇન ફૂડ ઑર્ડર કરવા પર GST ઓછા કરવા મુદ્દે કોઈ રાહત આપવામાં આવી નથી.
હોટલ કે રેસ્ટોરન્ટમાં ભોજન પર GST 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ હતો, જોકે તેમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી.
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર કોઈ નિર્ણય નહીં
GSTની મીટિંગમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર રિવર્સ ચાર્જ હોવો જોઈએ કે નહીં તેના પર ચર્ચા થઈ હતી, જોકે કોઈ નિર્ણય સુધી પહોંચી પહોંચી શકાયું ન હતું. સીતારમણે કહ્યું છે, કે માનવામાં આવે છે કે ભૂમિ રાજ્યનો વિષય છે અને નિર્ણય લઈશું તો નગરપાલિકાની આવક પર તેની સીધી અસર થશે.
ચિકિત્સા માટે મોટો નિર્ણય
જીન થેરેપીને GSTના દાયરામાંથી બહાર કરવામાં આવી છે.
ખેડૂતોને મોટી રાહત
ખેડૂતો હવે કાળી મરી અથવા કિશમિશના દાણા વેચે છે તો તેના પર કોઈ GST લેવામાં આવશે નહીં.
પેમેન્ટ મુદ્દે મોટો નિર્ણય
હવેથી બે હજાર રૂપિયાથી ઓછું પેમેન્ટ કરતાં પેમેન્ટ એગ્રીગેટર્સને GSTમાં છૂટ આપવામાં આવશે. જો તેઓ લાંબા સમય માટે NBFCથી લોન લે છે તો પિનલ ચાર્જ પર પણ GST લાગશે નહીં.
ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર રાહત નહીં
બેઠક પહેલાં આશા હતી કે હેલ્થ, ટર્મ અને લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર લાગતા GSTમાં રાહત મળશે. જોકે આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા તો થઈ પણ કોઈ જ રાહત આપવામાં આવી નથી. નોંધનીય છે કે પ્રીમિયમ પર 18 ટકા GST લાગે છે.
નાની કંપનીઓને મોટી રાહત
નાની કંપનીઓને રજિસ્ટ્રેશનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. એવામાં હવે તેમાં સરળતા માટે સરકારે કોન્સેપ્ટ નોટ તૈયાર કર્યો છે. જેના માટે કાયદામાં બદલાવ કરી નવી રજિસ્ટ્રેશન પ્રોસેસ સરળ કરવામાં આવશે. આજે આ કોન્સેપ્ટ નોટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
અન્ય કયા નિર્ણય લેવાયા
સીતારમણે જણાવ્યું હતું, કે ઓનલાઇન ગેમિંગ પર ટેક્સ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ફોર્ટિફાઇડ ચોખા પર GST ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 ટકાથી વધુ ફ્લાઇ એશવાળા એ.સી.સી. બ્લોક પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.