મોદી સરકાર માટે સારા સમાચાર! GSTથી સરકારની તિજોરી ભરાઈ, વસૂલાતમાં મોટો ઉછાળો
GST Collection Increased: ડિસેમ્બર મહિનાની શરુઆત થઈ ચૂકી છે અને મહિનાના પહેલા દિવસે મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. પહેલી જ તારીખે સરકારે નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા પ્રમાણે નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 8.5 ટકાનો વધારો થયો છે અને 1.82 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે. જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 1.68 લાખ કરોડ હતો. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં સરકારને GST કલેક્શનમાંથી મોટી રકમ મળી હતી, ત્યારે આ રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2024માં આ આંકડો 1.73 લાખ કરોડ રૂપિયા હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CMની ખુરશી નહીં આ બે પાવરફુલ પદ માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પર નજર
સરકારના આંકડાં પ્રમાણે નવેમ્બર મહિનામાં ડોમેસ્ટિક ટ્રાંઝેક્શન દ્વારા સરકારને વધુ આવક મળી છે. જેથી જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર સેન્ટ્રલ જીએસટી કલેક્શન (CSGT) રૂ. 34,141 કરોડ, સ્ટેટ GST કલેક્શન (SGST) રૂ. 43,047 કરોડ, ઇન્ટિગ્રેટેડ IGST (IGST) રૂ. 91,828 કરોડ અને સેસ રૂ. 13,253 કરોડ રહ્યો હતો.
નવેમ્બર મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટી 9.4 ટકા વધીને રૂ. 1.40 લાખ કરોડ થયો હતો, જ્યારે આયાત પરના કરમાંથી આવક લગભગ 6 ટકા વધીને રૂ. 42,591 કરોડ થઈ ગઈ હતી. નવેમ્બર મહિના દરમિયાન રૂ. 19,259 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 8.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ GST કલેક્શન 11 ટકા વધીને રૂ. 1.63 લાખ કરોડ થયું છે.
આ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ કલેક્શન
દેશમાં GST લાગુ થયા બાદ એપ્રિલ 2024માં સૌથી વધુ GST કલેક્શન કરવામાં આવ્યું હતું, જે 2.10 લાખ કરોડ રૂપિયા હતું. આ પહેલીવાર હતું, જ્યારે GST કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર થયું હતું.
GST 2017માં લાગુ કરવામાં આવ્યો હતો
જૂની પરોક્ષ કર પ્રણાલીને બદલીને 1 જુલાઈ, 2017ના રોજ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ દેશમાં આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે 7 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા GSTથી દેશના લોકો પર ટેક્સનો બોજ ઓછો કરવામાં મદદ મળી છે. સરકારે હાલમાં જ GSTને લઈને ઓફર સ્કીમ શરૂ કરી છે.
આ પણ વાંચો : તાજમહેલ-લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો, તેને પણ તોડશો?: ખડગેનો ભાજપ પર પ્રહાર
21 ડિસેમ્બરે થશે GST કાઉન્સિલની બેઠક
તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની 55મી બેઠક આ થવાની છે. જે 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાનાર છે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મોટા નિર્ણયો લેવામાં આવશે તેવી સંભાવના છે.