જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂ. બે લાખ કરોડને પાર
- આ અગાઉનું સૌથી વધુ જીએસટી કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ હતું જે એપ્રિલ 2023માં નોંધાયું હતું
- એપ્રિલના કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12.4 ટકાની વૃદ્ધિ : માર્ચ, 2024માં જીએસટી કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું
- નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક્સ પર આ સિદ્ધિ બદલ ટેક્સ અધિકારીઓના પ્રયત્નોને બિરદાવ્યા
નવી દિલ્હી : એપ્રિલ,૨૦૨૪માં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ, ઘરેલુ માગ અને આયાતમાં વધારાને કારણે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેકશન વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકા વધીને ૨.૧૦ લાખ કરોડ રૂપિયાની વિક્રમજનક સપાટીએ રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
નાણા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ, ૨૦૨૪માં પ્રથમ વખત જીએસટી કલેક્શન બે લાખ કરોડ રૂપિયાને પાર થયું છે.
મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રોસ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન એપ્રિલ, ૨૦૨૪માં ૨.૧૦ લાખ કરોડ રૂપિયા છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ડોમેસ્ટિક વ્યવહારોમા ૧૩.૪ ટકાની વૃદ્ધિ અને આયાત ૮.૩ ટકા વધવાને કારણે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે.
ગયા મહિને એટલે કે માર્ચ, ૨૦૨૪માં જીએસટી કલેક્શન ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે એપ્રિલ, ૨૦૨૩માં ૧.૮૭ લાખ કરોડ રૂપિયા હતું. જે એપ્રિલ, ૨૦૨૪ પહેલાનું અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન હતું.
નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક્સ પર આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ટેક્સ અધિકારીઓના પ્રયત્નોને બિરદાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન બે લાખ કરોડ રૂપિયાને પાર થઇ ગયું છે. અર્થતંત્રમાં વેગ અને અસરકારક ટેક્સ કલેક્શનને કારણે આ શક્ય બન્યું છે. એપ્રિલ, ૨૦૨૪માં થયેલા ૨.૧૦ લાખ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી ૪૩,૮૪૬ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૫૩,૫૩૮ કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૯૯,૬૨૩ કરોડ રૂપિયા અને સેસ કલેક્શન ૧૩,૨૬૦ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૪માં રિફન્ડની ચુકવણી પછી કર્યા પછી જીએસટીની નેટ આવક ૧.૯૨ લાખ કરોડ રૂપિયા રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૫.૫ ટકા વધારે છે.
જીએસટી કલેક્શનમાં કોનો કેટલો ફાળો
- સેન્ટ્રલ જીએસટી ૪૩,૮૪૬ કરોડ,
- સ્ટેટ જીએસટી ૫૩,૫૩૮ કરોડ,
- ઇન્ટેગ્રેટેડ જીએસટી ૯૯,૬૨૩ કરોડ
- સેસ કલેક્શન ૧૩,૨૬૦ કરોડ