Get The App

યોગી સામે ભાજપમાં જ વધતો અસંતોષ, યુપીમાં ભડકો થવાની આશંકા, રાજકીય નિષ્ણાતો શું કહે છે?

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
યોગી સામે ભાજપમાં જ વધતો અસંતોષ, યુપીમાં ભડકો થવાની આશંકા, રાજકીય નિષ્ણાતો શું કહે છે? 1 - image


લખનઉ : ઉત્તર પ્રદેશ ભાજપમાં જ નહીં દિલ્હીમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અસંતોષ ફેલાયેલો છે, જે ગુરુવારે વિધાન પરિષદમાં રજૂ કરાયેલા નઝુલ બિલ સમયે સપાટી પર આવી ગયો હતો. આ બિલનો વિરોધ વિપક્ષ જ નહીં ભાજપ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ કરી રહ્યા છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે અનુપ્રિયા પટેલ મારફત ભાજપ હાઈકમાન્ડ યોગી આદિત્યનાથ વિરુદ્ધ પક્ષમાં રહેલા અસંતોષને ઉશ્કેરી રહ્યું છે. આથી આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં ભડકો થવાની આશંકા વર્તાઈ રહી છે.

યોગી સરકારે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં નઝુલ બિલ ૨૦૨૪ રજૂ કર્યું હતું અને ભારે હોબાળા વચ્ચે ધ્વની મતથી પસાર કરાવ્યું હતું. ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ ગુરુવારે વિધાન પરિષદમાં આ બિલ રજૂ કર્યું હતું. પરંતુ વિપક્ષની સાથે ભાજપના જ કેટલાક ધારાસભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો, જેથી આ બિલ ઉપલા ગૃહમાં પસાર થવાના બદલે પ્રવર સમિતિને મોકલી દેવાયું છે. યોગી સરકારમાં કદાચ પહેલી વખત એવું બન્યું છે કે કોઈ બિલ વિધાનસભામાં પાસ થવા છતાં વિધાન પરિષદમાં પાસ ના થઈ શક્યું હોય. 

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે યોગી સરકારનું આ બિલ હવે અભેરાઈએ ચઢી ગયું છે. નઝુલ સંપત્તિ સાથે સંકળાયેલા આ બિલનો ભાજપના જ અનેક નેતાઓએ વિરોધ કર્યો હતો. એનડીએના સાથી પક્ષ નિષાદ પાર્ટી, કેન્દ્રીય મંત્રી અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલે પણ આ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પ્રવર સમિતિને મોકલાયા પછી તેમણે એક્સ પર લખ્યું કે વ્યાપક ચર્ચા કર્યા વિના રજૂ કરવામાં આવેલું નઝૂલ જમીન સંબંધી આ બિલ માત્ર બિનજરૂરી જ નહીં, પરંતુ સામાન્ય જનતાની ભાવનાઓ વિરુદ્ધ છે. રાજ્ય સરકારે તાત્કાલિક આ બિલ પાછું લેવું જોઈએ અને જે અધિકારીઓએ સરકારને ગેરમાર્ગે દોરી છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

વિધાન પરિષદમાં ગુરુવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને એમએલસી ભૂપેન્દ્ર ચૌધરીએ નઝૂલ જમીન બિલનો વિરોધ કરતાં તેને પ્રવર સમિતિને મોકલવા વિનંતી કરી હતી. ભાજપના અન્ય ધારાસભ્યો પણ બિલના વિરોધમાં ઉતર્યા હતા. યોગી સરકારનું માનવું છે કે નઝૂલની જમીનનો જાહેર ઉપયોગ કરવો જોઈએ. તેથી આવી જમીનો કોઈ વ્યક્તિ અથવા સંસ્થાઓને આપવાના બદલે સરકારે તેનો ઉપયોગ સમાજ કલ્યાણમાં કરવો જોઈએ.

જોકે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર પ્રદેશ ભાજપમાં યોગી સરકાર વિરુદ્ધનો અસંતોષ આ બિલ મારફત સામે આવી ગયો છે. વધુમાં દિલ્હીથી હાઈકમાન્ડ પણ યોગી આદિત્યનાથ વિરુદ્ધ વાતાવરણને ઉશ્કેરી રહી છે. આવા સમયે નઝુલ બિલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે સમસ્યા રૂપ બની ગયું છે.


Google NewsGoogle News