વરરાજા પોતાના જ લગ્નમાં બન્યા 'પંડિત', વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહની વિધિઓ પૂર્ણ કરી
UP Unique Wedding: ઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી લગ્નનો એક અનોખો મામલો સામે આવ્યો છે. હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં અહીં વરરાજા પોતાના જ લગ્નમાં પંડિત બની ગયો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહની વિધિઓ પૂર્ણ કરી. આ જોઈને પરિવાર અને જાનમાં આવેલા લોકો હેરાન રહી ગયા હતા. હવે આ અનેખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વરરાજા પોતાના જ લગ્નમાં બન્યા 'પંડિત'
પ્રાપ્ત માહિતી પ્રમાણે સહારનપુરના રામપુર મણિહારાન વિસ્તારના રહેવાસી પ્રવીણ કુમારના પુત્ર વિવેકના લગ્ન હતા. લગ્નની જાન હરિદ્વાર જિલ્લાના કુંજા બહાદુરપુર ગામમાં ગઈ હતી. લગ્નની પરંપરાગત વિધિઓ વચ્ચે જ્યારે લગ્નની મુખ્ય વિધિનો સમય આવ્યો ત્યારે વિવેકે બધાને ચોંકાવી દીધા. વિવેકે કહ્યું કે, હું મારા લગ્નની વિધિઓ જાતે જ કરીશ. આ સાંભળીને ત્યાં હાજર સગાસંબંધીઓ અને અન્ય લોકો ચોંકી ગયા.
વરરાજા વિવેક કુમારે પોતાના લગ્નમાં પોતે જ પંડિતની ફરજ બજાવી. વિવેક ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીમાંથી બી.ફાર્માનો અભ્યાસ કરી રહ્યો છે. તેણે પોતાના લગ્નના તમામ ધાર્મિક વિધિઓ પોતે જ સંપન્ન કરાવી.
વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહની વિધિઓ પૂર્ણ કરી
જાનનું સ્વાગત કર્યા બાદ વરરાજા અને કન્યાએ સ્ટેજ પર એકબીજાને વરમાળા પહેરાવી. ત્યારબાદ જ્યારે વરરાજા અને કન્યા લગ્નના ફેરા ફરવાનો સમય આવ્યો ત્યારે વરરાજા વિવેક દુલ્હન સાથે હવનની સામે બેસીને મંત્રોચ્ચાર શરૂ કરી દીધો. વિવેકે પૂરા આત્મવિશ્વાસ સાથે વૈદિક મંત્રોનો પાઠ કર્યો અને લગ્નની બધી વિધિઓ પૂર્ણ કરી. આ દરમિયાન ફક્ત વરરાજા અને કન્યાના પરિવાર જ નહીં પરંતુ પંડિત સહિત અન્ય લોકો પણ હાજર હતા જેઓ આ જોઈને હેરાન રહી ગયા.
આ પણ વાંચો: VIDEO : મુંબઈના મલાડમાં ભીષણ આગ ભડકી, 100 ગોડાઉન બળીને રાખ, 30 ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
વરરાજાને ધાર્મિક વિધિઓમાં ઊંડો રસ
વિવેકને ધાર્મિક વિધિઓમાં ઊંડો રસ છે. તેણે વૈદિક મંત્રોનો અભ્યાસ કર્યો છે. વિવેક લગ્ન જેવા પવિત્ર સંસ્કારને ઊંડાણપૂર્વક સમજવા માગતો હતો, તેથી જ તેણે આ નિર્ણય લીધો. વિવેક અગાઉ અખબાર વિતરક તરીકે કામ કરી ચૂક્યો છે. તેણે સખત મહેનત કરીને આગળ વધતા શિક્ષણ મેળવ્યું. વિવેકના આ લગ્ન ગામ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યા છે. લોકો વિવેકની વિદ્વતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.