ભારતીય વિજ્ઞાનીઓની મોટી સિદ્ધિ, સમય પહેલાં જ જન્મતાં બાળકોનું પ્રમાણ ઘટશે, મહત્ત્વપૂર્ણ શોધ કરી
Image : Represtative (Pixabay) |
Great Achievement Of Indian Scientists: ભારતના તબીબી વિજ્ઞાનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI - આઘુનિક ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવેલું માનવ બુદ્ધિ જેવું તત્ત્વ)ના આધારે કરેલા જીનેટિક સ્ટડી (આનુવંશિક બાબતોનો અભ્યાસ)ની મદદથી બાળકોના અઘૂરા મહિને (નવ મહિના પહેલાં) થતા જન્મની ઘટનાઓનું પ્રમાણ ઘટી શકશે. અઘૂરા મહિને થતા જન્મથી બાળકો મૃત્યુ પામે છે. અથવા તેમને શારીરિક -માનસિક ખોડ રહે છે.
અઘૂરા મહિને જન્મેલાં બાળકની કુદરતી ગતિવિધિને ભારે નુકસાન થાય છે
આ સંયુક્ત તબીબી અભ્યાસ નેશનલ ઇન્સ્ટિટયુટ ફોર રિસર્ચ ઇન રિપ્રોક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (NIRRCH), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિવિઝન ઓફ બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક (ICOMRDOB) અને એમિટી ઇન્સ્ટિટયુટ ઓફ બાયોટેકનોલોજી(AIOB) દ્વારા થયો છે. આ તબીબી અભ્યાસના અહેવાલમાં એવો ઉલ્લેખ થયો છે કે અઘૂરા મહિને જન્મેલાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ સર્જાય છે. એટલે કે બાળકનાં મગજ, હૃદય, ફેફસાં, યકૃત વગેરેની કુદરતી ગતિવિધિને ભારે નુકસાન થાય છે.
અઘૂરા મહિને જન્મતાં શિશુઓને એક કરતાં વઘુ સમસ્યા થાય છે
સરળ રીતે સમજીએ તો પૂરા એટલે કે નવ મહિને જન્મતાં બાળકોની સરખામણીએ અઘૂરા મહિને જન્મતાં શિશુઓને શ્વાસ લેવામાં, શરીરમાં હૂંફ રહેવી, સ્તનપાન કરવામાં તથા વિકાસના જુદા જુદા તબક્કા દરમિયાન એક કરતાં વઘુ સમસ્યા થાય છે. એટલે કે આવાં બાળકોના શારીરિક - માનસિક વિકાસમાં વિલંબ થાય છે. ભારતમાં પહેલી જ વખત થયેલા આ તબીબી અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે ત્રણ સુક્ષ્મ જીવ, ત્રણ જનીન, ત્રણ બેક્ટેરિયા સગર્ભા સ્ત્રીના ગર્ભાશયમાં ચેપ ફેલાવે છે. આ જ ચેપને કારણે તે સગર્ભા અઘૂરા મહિને બાળકને જન્મ આપે છે. તે પ્રસુતાને આવું જોખમ રહે છે.
દર 6 શીશુઓમાથીં 1 બાળક અઘૂરા મહિને જન્મે છે
તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ હાલ ભારતમાં જન્મતાં દર 6 શીશુઓમાથીં 1 બાળક અઘૂરા મહિને જન્મે છે. જોકે આવાં ઘણાં બાળકોનો જન્મ ચોક્કસ કયાં કારણોસર અઘૂરા મહિને થયો તે જાણી શકાયું નથી. આમ છતાં અમુક તબીબી અભ્યાસ દ્વારા એવી માહિતી મળી છે કે પ્રસુતાની યોનીમાં ચેપ ફેલાયો હોય તો તેના બાળકનો જન્મ અઘૂરા મહિને થાય છે. આમ છતાં ચોક્કસ કયા પ્રકારના ચેપથી સગર્ભામાં આવી સમસ્યા સર્જાય છે તેની કોઇ જ નક્કર સ્પષ્ટતા થઇ નથી.
શીશુનો જન્મ અઘૂરા મહિને થતો હોવો જોઇએ : તબીબી અભ્યાસ
આ તબીબી અભ્યાસના વરિષ્ઠ ડોક્ટરે એવી માહિતી આપી હતી કે અમારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે થયેલા અભ્યાસ અને વિષ્લેષણ દ્વારા એવું જાણવા મળ્યું છે કે સુક્ષ્મ જીવ અને રસાયણોને કારણે શીશુનો જન્મ અઘૂરા મહિને થતો હોવો જોઇએ. આ તબીબી અભ્યાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી 3,757 મહિલોઓની માહિતી મેળવવામાં આવી છે. અઘૂરા મહિને જન્મેલાં શીશુઓ સંબંધી 966 નમૂના, શીશુને પૂરા 9 મહિને જન્મ આપનારી 2,791 માતાઓની માહિતી મેળવવામાં આવી છે.
ત્રણ પ્રકારના સુક્ષ્મ જીવની માહિતી મળી
આટલી માહિતી મેળવ્યા બાદ અમે એ.આઇ.નો ઉપયોગ કરીને અમુક પ્રજાતિનાં બેક્ટેરિયા શોઘ્યાં છે. જે પ્રસુતાએ તેના બાળકને અઘૂરા મહિને જન્મ આપ્યો છે તે સગર્ભામાં આ પ્રકારનાં બેક્ટેરિયાની સંખ્યા વઘુ હતી. તબીબી વિજ્ઞાનીઓની ટીમને ત્રણ પ્રકારના સુક્ષ્મ જીવની માહિતી મળી છે. આ ત્રણ સુક્ષ્મ જીવ એટલે શટલવર્થિયા, મેગાસ્ફાઇરા, સ્નિથિયા. આ ત્રણેય સુક્ષ્મ જીવ અમુક ખાસ પ્રકારનાં રસાયણો મોટા જથ્થામાં ફેલાવતાં હોવાથી જ સગર્ભા તેના શીશુને અઘૂરા મહિને જન્મ આપે છે. જોકે આ પ્રકારનાં સુક્ષ્મ જીવો - બેક્ટેરિયા - ભારતની સ્ત્રીઓમાં અને યુરોપ - આફ્રિકાની નારીઓમાં જુદાં જુદાં જોવા મળ્યાં છે.